રાજા જ્ઞાનસેન નામ પ્રમાણે જ્ઞાની હતા અને જ્ઞાનીઓના ચાહક પણ હતા.તેમના દરબારમાં હમેશા શાસ્ત્રાર્થ થતો અને જે આ શાસ્ત્રાર્થમા વિજયી થતું તેને રાજા તરફથી ભરપૂર માન સન્માન અને ધન મળતું.જ્ઞાનથી ભરેલી આવી બેઠકો કરી શ્રેષ્ઠ જ્ઞાની અને તેના જ્ઞાનને વધાવવામાં રાજાને આનંદ મળતો.તેઓ જાતે વંદન કરી જ્ઞાનીનું માન વધારતા. એક દિવસ રાજા જ્ઞાનસેનના દરબારમાં આવો જ શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. અને તેમાં જ્ઞાની જયદેવ વિજયી થયા.દરબારમાં ઉપસ્થિત દરેક વિદ્વાનોએ જયદેવની સર્વોપરિતા સ્વીકારી.રાજાએ પણ કહ્યું કે ‘આજ સુધી મેં અનેક વિદ્વાનોને સાંભળ્યા છે પણ જયદેવ જેટલા જ્ઞાની કોઈ નથી.’રાજાએ ખૂબ ધન, નોકર-ચાકર,હાથી-ઘોડા જયદેવને ભેટમાં આપ્યા.જયદેવને હાથી પર બેસાડી ..ચામર ઢળતા બે દાસ સાથે ઘરે વિદાય કર્યા..અને કહ્યું ‘તમે આજથી રાજ દરબારની શોભા છો અને હવેથી તમારે રોજ આ હાથી પર જ દરબારમાં આવવું.’
જ્ઞાની જયદેવ તો આટલા માન સન્માન મેળવી ખુશખુશાલ થઇ ગયા.હાથી પર બિરાજમાન થઇ વિદ્વાન જયદેવ ઘરે આવ્યા.તેમના શાસ્ત્રાર્થમાં વિજયની વાત ઘર સુધી પહોંચી ગઈ હતી. ઘરે માતા પિતા પત્ની બાળકો બધાં પરિવારજનોએ તેમના સ્વાગતની તૈયારી કરી.જયદેવ હાથી પર બિરાજમાન થયા. સાથે સાથે અભિમાનના ગજરાજ પર પણ બેસી ગયા.દરબારમાં પોતાની સર્વોપરિતા સાબિત થયા બાદ અને રાજાએ પણ વંદન કરી આટલું માન આપ્યું તેથી તેઓ સાતમા આસમાન પર હતા.
ઘરે પહોંચ્યા …હાથી પરથી તો નીચે ઊતર્યા પણ અભિમાનના ગજ પરથી નહિ…રોજ માતા પિતાને પ્રણામ કરનાર જયદેવે આજે માત્ર હાથ જોડી નમસ્કાર કર્યા ….ચરણ સ્પર્શ ન કર્યા…માતાએ પિતાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા ઈશારો પણ કર્યો ..પણ જયદેવે ઉપેક્ષા કરી…જ્ઞાની જયદેવના માતા પિતા થોડાં દુઃખી થયાં, પણ મન મનાવી લીધું.જયદેવનાં પત્ની શ્યામા પણ વિદુષી સન્નારી હતાં. પતિએ માતા પિતાની ઉપેક્ષા કરી તે તેમના ધ્યાનમાં તરત આવ્યું.
પતિને હાથ પગ ધોવડાવવા પાણી લઇ તેઓ સ્વયં પોતે પતિ પાસે ગયા અને હાથ ધોવડાવતાં ધીમેથી કહ્યું, “સ્વામી,તમારી સફળતાના મૂળને પ્રણામ કરવાનું તમે ભૂલ્યા છો.આ પિતાએ તમને નાનપણથી અભ્યાસ કરાવ્યો ત્યારે તમે આજે સર્વોપરી વિદ્વાન સાબિત થયા છો.માતાએ સતત તમારી સફળતા માટે પ્રાર્થના કરી છે. વિદ્વત્તાની શોભા વિનમ્રતા છે માટે ગર્વના ગજરાજ પરથી હેઠા ઊતરો અને વિનમ્રતાથી માતા પિતાના ચરણસ્પર્શ કરો.જ્ઞાની જયદેવ પત્નીની ટકોર અને પોતાની ભૂલ સમજી ગયા.માતા પિતાની ક્ષમા માંગી.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.