મુંબઈ: આમિર ખાનની (AamirKhan) ફિલ્મ ‘દંગલ’માં (Dangal) જોવા મળેલી બાળ કલાકાર સુહાની ભટનાગરનું (SuhaniBhatnagar) નિધન (Death) થયું છે. 19 વર્ષની ઉંમરે સુહાનીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. સુહાનીનું શનિવારે 17 ફેબ્રુઆરીએ દિલ્હીમાં નિધન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ખોટી સારવારના કારણે તેનું મોત થયું છે. સુહાનીએ ફિલ્મ ‘દંગલ’માં નાની બબીતાની ભૂમિકા ભજવી હતી. હવે ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફેલાઈ ગયું છે.
મળતી માહિતી મુજબ સુહાની ભટનાગરને થોડા સમય પહેલા પગમાં ઈજા થઈ હતી. પગમાં ફ્રેક્ચરની સારવાર લીધી હતી. તેને તેની દવાઓની આડઅસર થવા લાગી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીના શરીરમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું, જેના કારણે તેણીનું મૃત્યુ થયું હતું. સુહાની લાંબા સમયથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતી. તેમના અંતિમ સંસ્કાર શનિવારે ફરીદાબાદમાં કરવામાં આવશે.
સુહાની ભટનાગર ફિલ્મ ‘દંગલ’માં છોટી બબીતાના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે આમિર ખાન, સાક્ષી તંવર અને ઝાયરા વસીમ સાથે જોવા મળી હતી. સુહાનીને તેના અભિનયની પ્રશંસા પણ મળી હતી. ‘દંગલ’ પછી સુહાની ભટનાગર ઘણી ટીવી જાહેરાતોમાં પણ જોવા મળી હતી. થોડા સમય પછી, તેણે અભિનય છોડીને અભ્યાસ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું.
આમિર ખાન પ્રોડક્શને દુઃખ વ્યક્ત કર્યું
સુહાની ભટનાગરના નિધન પર આમિર ખાન પ્રોડક્શન દ્વારા એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરવામાં આવી છે. પોસ્ટમાં તેણે સુહાનીને એક્ટિંગ માટે સ્ટાર ગણાવી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રીના મૃત્યુથી પ્રોડક્શન હાઉસને આઘાત લાગ્યો છે. તે તેના માટે સ્ટાર હતી અને હંમેશા રહેશે.