વડોદરા: વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમે વાઘોડિયા રોડ પર ખટંબા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક દેશી બનાવની પિસ્તોલ અને એક કારતૂસ સાથે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસે તેની પાસેથી પિસ્તોલ કબજે લઇને વરણામા પોલીસને સોંપતા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ અને પોલીસ અધિક્ષક રોહન આનંદ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા ચૂંટણીમાં કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે સઘન કાર્યવાહી કરવા એઓજીના વડોદરા ગ્રામ્ય જે એમ ચાવડાને સૂચના આપી હતી.
જેના આધારે ગ્રામ્ય એસઓજીની ટીમે અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ માઉઝર પિસ્તોલ લઇને વાઘોડિયાથી વડોદરા જવાનો છે. જેના આધારે એસઓજીની ટીમે એક્શનમાં આવી ગઇ હતી. વાઘોડિયા રોડ પર આવેલા ખટંબા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ શખ્સ આવતા તેને ઉભો રાખી તપાસ કરતા તેની પાસેથી એક દેશી બનાવની માઉઝર પિસ્તોલ અને એક કારતૂસ મળી આવ્યું હતું. પોલીસે તેનું નામ પૂછતા રાકેશ બરસનભાઇ કિરાડ (રહે, અકલવા સુથારી ફળિયું, તા.કઠિવાડા. જિ. અલીરાજપુર મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતુ. એસઓજીની ટીમે આરોપીને પિસ્તોલ સાથે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ છોટાઉદેપુર અને સુરેન્દ્રનગરમાં ગુનો નોધાઇ ચૂક્યા છે
આરોપી રાકેશ કિરડા ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. આરોપી વિરુદ્ધ અગાઉ છોટાઉદેપર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન અને સુરેન્દ્રનગરના લીમડી પોલીસ સ્ટેશનના ગુના છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોવાની જણાઇ આવ્યું છે.
