નવી દિલ્હી: દબંગ ખાન સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાના આરોપમાં પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપીએ લોકઅપમાં આપઘાત કરી લીધો છે.
ગઈ તા. 14 એપ્રિલની સવારે સલમાન ખાનના બાંદ્રા ખાતે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આવેલા ઘર પર બે શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે IPCની કલમ 307 હેઠળ ફરિયાદ નોંધી તબક્કાવાર ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં બે આરોપીઓને ગુજરાતના કચ્છમાંથી જ્યારે અન્ય બે આરોપીઓને પંજાબમાંથી પકડ્યા હતા.
પંજાબમાંથી જે બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી તેમાં 37 વર્ષીય સોનુ સુભાષ ચંદ્રા અને 32 વર્ષીય અનુજ થપન હતા. અનુજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો. તે ટ્રક હેલ્પર તરીકે કામ કરે છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સુરતની તાપી નદીમાંથી એક પિસ્તોલ અને કેટલાક જીવતા કારતુસ મળી આવ્યા હતા તે હથિયારો અનુજ અને સંતોષે હુમલાખોરોને સપ્લાય કર્યા હતા. આ હથિયારોનો ઉપયોગ 14 એપ્રિલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ માટે કરવામાં આવ્યો હતો.
અનુજ થાપન છ દિવસથી પોલીસ કસ્ટડીમાં હતો. તેણે આજે તા. 1 મેના રોજ લોકઅપના ટોયલેટમાં બેડશીટથી ફાંસો ખાઈ લીધો છે. અનુજને તાત્કાલિક સરકારી જીટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
સલમાનના ઘરે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું
ગઈ તા. 14 એપ્રિલે સવારે 4:52 કલાકે બે બાઇક સવાર શૂટરોએ સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પરંતુ એક ગોળી સલમાનના ઘરની દિવાલ પર વાગી હતી, જ્યારે એક ગોળી ત્યાં લગાવેલી નેટને વીંધીને સલમાનના ઘરની અંદરના ડ્રોઈંગ રૂમની દિવાલ પર વાગી હતી.
ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ તેમની બાઇક મુંબઈના એક ચર્ચ પાસે છોડીને ભાગી ગયા હતા. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે અમે શાંતિ ઈચ્છીએ છીએ, જો જુલમ વિરુદ્ધ નિર્ણય યુદ્ધ દ્વારા લેવામાં આવે તો યુદ્ધ યોગ્ય છે. સલમાન ખાન અમે તમને ટ્રેલર બતાવવા માટે આ કર્યું છે, જેથી તમે અમારી તાકાત સમજી શકો અને તેની પરીક્ષા ન કરો. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે, આ પછી ખાલી ઘર પર ગોળીઓ નહીં ચલાવવામાં આવે.