ભરૂચ: આમોદ (Amod) તાલુકાના ચકચારી રેપ વિથ મર્ડર કેસના (rape with murder case) આરોપીને બે મહિનાની લાંબી તપાસ બાદ પોલીસને સફળતા મળી છે. પીડિતાની બાજુમાં જ રહેતા યુવાનને ઝડપી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ભરૂચના આમોદમાં ૮મી નવેમ્બરે ૧૩ વર્ષીય સગીરા ગામની સીમમાં લાકડાં વીણવા માટે ગયા બાદ તેની લાશ મળી આવતાં પોલીસે મૃતક સગીરાના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ (Postmortem) કરાવતાં તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
આ બનાવમાં વિવિધ ટીમ સાથે હ્યુમન ઈન્ટેલિજન્સની (Human intelligence) મદદથી ૧૧૦૦થી વધુ મોબાઈલ ધારકોની ચકાસણી પણ હાથ ધરાઈ હતી. સીમમાં ઘટના સ્થળની આસપાસ 100થી 150 મીટરના અંતરમાં 45થી વધુ માણસો મજૂરી કરતા હતા. જેનું 2 વખત રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. સાથે કુલ 7 શકમંદને ઓળખી કઢાયા હતા.7 શકમંદના બાયો લોજિકલ સેમ્પલ મેળવી FSL સુરત ખાતે મોકલ્યાં હતાં.
બે મહિનાથી વધુ ચાલેલી તપાસમાં સરભાણ ગામમાં જ મજૂર કોલોની ખાતે રહેતા વસંત પૂજા રાઠોડ નામના ૨૪ વર્ષીય આરોપીની ઘટનામાં સંડોવણી બહાર આવી હોવાની વિગતો સામે આવી છે. જેમાં આરોપી વસંત સગીરાની દુકાને ગુટખા ખાવા માટે જતો હોય તે જ સમયે તેની નજર સગીરા ઉપર બગડી હતી અને બાદમાં તેણે મોકાનો લાભ લઈ સગીરા ગામની સીમમાં લાકડાં વીણવા જતાં તેની સાથે દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી દઈ હત્યાને અંજામ આપ્યો હતો. સગીરાના મોત બાદ પોલીસને ગુમરાહ કરવા આરોપીએ અન્ય લોકોની સાથે મળી જઇ લાશને તેના ઘર પાસે લઈ જઈ ઢાંકપીછોડો કરવા પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જો કે, આ આરોપીની પોલ ખૂલી જતાં જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
જોકે, અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું ગુજરાત રાજ્યમાં દીકરીઓ સુરક્ષિત નથી. નવા વર્ષના પ્રારંભ સાથે જ એક બાદ એક માસૂમ દીકરીઓના બળાત્કાર અને હત્યાની ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ સાથે જ રાજ્યના પોલીસ તંત્રની કાબેલિયત સામે પ્રશ્નો ઉભા થયા છે. એક દીકરીના વાલીઓને શોધવા માટે આખાય રાજ્યના પોલીસ તંત્રને કામે લગાડનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી આટઆટલા બળાત્કાર અને હત્યાની ઘટના બાદ કેમ ચૂપ છે તે પણ અકળાવનારી બાબત છે.