એક લંગડો ફકીર, ભીખ માંગી રહ્યો હતો અને થોડી થોડી વારે સુંદર પ્રભુના ભજનો ગાતો રહેતો…દરેક વખતે કોઈ મદદ કરે ..ભીખ માં કઈ પણ આપે એટલે તે બોલતો, ‘ઈશ્વર તારો આભાર …તે આ સૃષ્ટિ બનાવી …ભગવાન તારો આભાર તે આટલા ઉદારદિલ માણસો બનાવ્યા અને પછી કહેતો દિલથી આપનાર તને દિલથી દુઆ…..તારો આભાર.’
એક દિવસ ભિખારીને એક માણસે દસ રૂપિયા આપ્યા અને લંગડા ફકીરે પોતાની રોજની રીતે દુઆ આપી અને આભાર માન્યો. તે માણસ અટકીને ઉભો રહ્યો અને ફકીર પાસે બેસીને પૂછ્યું, ‘ફકીરબાબા , તમને આ ભગવાને આટલું દુઃખ આપ્યું છે છતાં તમે તેનો જ આભાર માનો છો ..તેના ભજન ગાવ છો અને કોઈ ભીખ આપે તો પણ પહેલા ભગવાનનો આભાર માનો છો …પછી મદદ કરનારનો …..આવું કેમ ?? તમને ભગવાને આવું અપંગ શરીર આપ્યું એટલે તમારે ભીખ માંગવી પડે છે આવું જીવન આપ્યું તો તમને ભગવાન પર ગુસ્સો આવવો જોઈએ તેના સ્થાને તમે ભગવાનના ગુણગાન ગાવ છો.’
ફકીર બોલ્યા, ‘અરે એ શું બોલ્યા ?? ભગવાન પર ગુસ્સો થોડો કરાય ?? ભગવાન તો બસ આપવા જ બેઠો છે આપણને બધાને મળે છે આપની લાયકાત અને કર્મ મુજબ …મને બિલકુલ દુઃખ નથી કે ભગવાને મને અપંગ જીવન આપ્યું …મને લંગડો બનાવ્યો હું તો ભગવાનનો રોજ રોજ સતત આભાર માનું છું કે તેને મને અંધ નથી બનાવ્યો ..નહિ તો હું આ સૃષ્ટિ જોઈ જ ન શકત ..ન ભગવાનના દર્શન કરી શકત ….તેણે મને હાથ વિનાનો લૂલો નથી બનાવ્યો નહિ તો બીજાને મદદરૂપ થઇ ન શકત અને મારા કામ ન કરી શકત …ભગવાને મને બહેરો અને મૂંગો નથી બનવ્યો નહિ તો હું ન ભગવાનના ગુણગાન સાંભળી શકત ..ન ગાઈ શકત….’
માણસ બોલ્યો, ‘પણ તમને લંગડા તો બનાવ્યા ને …ભિખારીનું જીવન આપ્યું જ ને….શું આ સારું છે ??’ફકીર બોલ્યો, ‘હા સારું જ છે…બહુ સારું છે …હું એક પગે લંગડો છું પણ ઘોડીના સહારે ચાલી શકું છું …ભગવાનના સાનિધ્યમાં રહું છું …તેના ભજન ગાઉં છું …જે મળે તે તેનો પ્રસાદ ગણી આભાર માની સ્વીકારી લઉં છું.અને બસ ઘડી ઘડી ઈશ્વરનો આભાર માનતો રહું છું.’માણસે કહ્યું, ‘ફકીરબાબા તમારી સમજને હું નમન કરું છું.’ ઈશ્વરે જે આપ્યું… જેટલું આપ્યું… જેવું આપ્યું તેનો સ્વીકાર કરો તેમાં ખુશ રહો અને ભગવાનનો વારંવાર આભાર માનતા રહો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.