Business

થેન્કયુ માસા!

નિયતિ કેવા કેવા ખેલ રચે છે! રુચાએ કેલેન્ડરને પાનું બદલાવ્યું. આજે 5 જાન્યુઆરી,2022 . બરાબર બે વર્ષ થયા. બે વર્ષ પહેલાં કેટલી મજા કરી હતી. 31 ડિસેમ્બરે એનું ઇન્ટરવ્યુ હતું. સ્ટુડન્ટ વિઝા માટે એણે એપ્લાય કર્યુ હતું. અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન મળી ચૂકયું હતું. બસ હવે માત્ર વિઝા પ્રોસેસ બાકી હતી. એકવાર એ પતે પછી એટલે પોતે સરર કરતી અમેરિકા ઊડી જશે. જિંદગી પોતાની રીતે જીવવાની કેટલી મજા આવે! નાની હતી ત્યારથી એનું સપનું હતું કે વિદેશ ભણવા જવું. ઉચ્ચશિક્ષણ લઇને કંઈક કરી દેખાડવું.  પણ મમ્મી–પપ્પા કદી એવું ઈચ્છતાં ન હતા.  પપ્પા વારંવાર કહેતા, ‘આપણો દેશ છોડીને બીજા દેશમાં શું કામ જવું?‘  ત્યારે રુચાનો જવાબ રહેતો,

‘પપ્પા, આ પૃથ્વી માનવની છે અને આપણે બધાં જ માનવ જ છીએ. જો માનવ જાતને પૃથ્વી પર ટકી રહેવા માટે શોધખોળ કરવી હોય તો પછી એને માટે વિદેશ જવું પડે તેમાં ખોટું શું છે!‘ પણ આ ગ્લોબલ માનવની વ્યાખ્યા રુચાના મમ્મી–પપ્પાની સમજ બહાર હતી. જનરેશન ગેપ છે તે રુચા સમજતી હતી પણ આખરે માતા પિતાએ પોતાના વિચાર–આદર્શ બાળકને માથે મારે તે કેટલું યોગ્ય કહેવાય? બસ ત્યાં રુચાને વાંધો પડી જતો. એટલે માતાપિતા માટે અનહદ લાગણી માન–સન્માન હોવા છતાં એણે પોતાના સપનાને પૂરા કરવા માટે માસી–માસાનો સહારો લીધો. માસા–માસી મુંબઇમાં જ રહેતાં હતાં એટલે રુચાએ બહેનપણીને મળવા જાઉં છું તેમ કહીને TOEFL અને GRE  એક્ઝામ પાસ કરી દીધી. દરેક વખતે માસા સ્ટેશન લેવા મુકવા માટે આવતા. એક્ઝામના સમયે પણ સેન્ટર પર ચાર કલાક બેસી રહેતાં. રુચા કહેતી, ‘માસા હું એટલી નાની નથી કે એકલી આવ–જા ન કરી શકું.‘ પણ માસાનો જવાબ તૈયાર રહેતો. ‘તું તો એટલી બહાદુર છે કે આખી દુનિયામાં એકલી ફરી શકે. પણ મારે મારી દીકરીને મારે સપના પૂરા કરતા જોવી છે.‘

બસ માસાના વાક્ય પર રુચા ઓવારી ગઈ હતી. માસાએ મા છે કે શું એવો એને ઘણીવાર સવાલ થતો. જે અપેક્ષા એણે પોતાના માતા–પિતા પાસેથી રાખી હતી તે indirectly માસા પૂરી કરતાં હતાં. TOEFL અને GRE માં સારા માર્કસ આવ્યા અને પછી અમેરિકન કોલેજમાં એડમિશન લેવાની પ્રોસેસ ચાલુ કરી. જાત જાતના ફોર્મ અને ભાત ભાતની ફી  ભરવાની આવી ત્યારે માસાએ પાકીટ ખોલી પૈસા આપ્યાં કર્યા. કદી પૂછયું નહીં કે તું ક્યાં કેટલાં ખરચે છે! બે ચાર ગમતી યુનિવર્સિટીમાં એપ્લાય થઈ ગયું તે પછી એને હાશ થઈ. ચાલો બધાં કોઠા પાર કરી દીધા. હવે સાતમો અને છેલ્લો કોઠો પાર કરવાનો છે. એ છે વિઝા ઈન્ટરવ્યૂ!

કોઈ દિવસ નહીં ને તે દિવસે રુચાની મમ્મીએ એને કહ્યું, ‘તું તારી બહેનપણીને મળવા જાય છે તો હું ય સાથે આવું? માસીના ઘરે રહીશ.‘ ત્યારે ઘડીકવાર માટે રુચા મુંઝાઇ ગઇ. શું કરવું? મમ્મીને વિઝા ઈન્ટરવ્યૂ વિશે ખબર પડી ગઈ તો? એણે તરત માસાને મેસેજ કરી દીધો,  ‘મમ્મી મારી સાથે આવે છે અને એમને ખબર પડી ગઈ તો?‘ હર મર્જ કા ઈલાજ હોતા હૈ…એમ માસા પાસે બધી પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી ફૂલ હોય ! એમણે જવાબમાં કહ્યું, ‘રુચા તારે જવાનું થાય તો જાણ તો કરવાની જ છે ને! બસ તો પછી આપણે વિઝા મળે એટલે કહી દઇશું. તારી મમ્મી અહીં હશે તો એને સમજાવી શકીશું પછી બનેવીલાલને સમજાવવા અઘરા નથી. ‘

 રુચા ઈન્ટરવ્યુ દેવા માટે લાઈનમાં ઊભી રહી. એ નર્વસ હતી. છેલ્લા છ મહિનાની દોડાદોડી અને અથાગ મહેનત પરિશ્રમનો આજે છેલ્લો ફેંસલો આવવાનો હતો. ‘માય બેબી! તું ચોક્કસ સફળ થઈશ. હું અહીં ઊભો છું.‘ માસાએ એને હિંમત બંધાવતા કહ્યું. રુચા પછી આત્મવિશ્વાસથી આગળ વધીને U.S.   Embassy ની ઓફિસની ઊંચી દીવાલ પાછળ અદ્રશ્ય થઈ ગઈ. પણ અડધો કલાકમાં તો હર્ષથી ઊછળતી બહાર આવી. ‘માસા….મને વિઝા મળી ગયા!‘ માસાની ચશ્મા પાછળ રહેલી લાગણીશીલ આંખોમાં હરખનાં આંસુ આવી ગયાં.  ‘મને ખબર હતી દીકરા કે તને વિઝા મળશે જ!‘ બન્ને ઘરે પહોંચ્યા ત્યારે માસાએ રુચાની મમ્મીને જોરથી બૂમ પાડીને બોલાવી, ‘આશા…સરપ્રાઈઝ…આપણી રુચા અમેરિકા ભણવા જાય છે. ‘મમ્મી તો ઘડીભર આભી બની ગઈ. પણ રુચાનો ખુશખુશાલ ચહેરો જોઈને એને ખાતરી થઈ ગઈ કે જીજાજી સાચું કહે છે.

સાળી અને બનેવીને લાગે નહિં કે એમને અંધારામાં રાખીને બધું રુચાએ કર્યું છે એટલે આખીય વાતની રજુઆત માસાએ એવી રીતે કરી કે રુચાનો કોઈ વાંક ન દેખાય. બનેલીલાલ થોડો સમય તો ટોબરો ચડાવીને રહ્યાં પણ પછી બધાંને માસાએ સમજાવી દીધા. છ મહિના પછી અમેરિકા જવાની તૈયારીમાં રુચા busy થઈ ગઈ. મુંબઈથી જ જવાનું હતું એટલે માસા–માસીએ ખાસ કહ્યું હતું કે એક દિવસ વહેલી જ આવજે. સાથે રહીને જલસો કરીશું. માસા–માસીએ એને ગેટ વે ઓફ ઇન્ડિયા અને ચોપાટી પર ફેરવી.  છેલ્લે શંકરદાદાના દર્શન કરવા માટે બાબુલનાથ લઈ ગયા. ત્યારે સાથે લીધેલી થેલીમાંથી માસા–માસીએ શર્ટ અને બલેઝર આપ્યાં,

‘લે….ત્યાં સારા પ્રસંગે પહેરવા કામ લાગશે.‘ વળતાં બસમાં જગ્યા ન હતી. બે–ત્રણ જગ્યા મળી ત્યારે માસા પોતે ઊભા રહ્યાં અને બાકી બીજાને બેસાડી દીધા. પણ રુચાએ નોટિસ કર્યું કે માસા ખૂબ થાકેલાં લાગતાં હતા. એના અમેરિકા જવાના બીજા દિવસે જ એમણે ડૉકટરની અપોઈન્ટમેન્ટ લીધી હતી. રુચાએ અમેરિકા પહોંચીને પહેલો ફોન માસાને કર્યો ત્યારે એમના ખબર પૂછયાં હતાં પણ માસાએ વાત ઊડાવી દીધી, ‘અરે બેટા જલસા કર ને…મારી ચિંતા છોડ!‘ બસ તે પછી તો રુચા busy થઈ ગઈ. નવો દેશ અને નવા લોકો. નવું નવું જોવા જાણવામાં નિયમિત માસા–માસી સાથે વાત ન થતી. પણ અમેરિકાની યુનિવર્સિટીમાં ભણતાં ભણતાં અનેક વાર સારા પ્રસંગે એ શર્ટને બ્લેઝર પહેર્યા કારણ કે એ એના માટે એ શર્ટ અને બ્લેઝર lucky charm  હતા.

એક દિવસ માસીએ રડતાં રડતાં સમાચાર આપ્યાં કે માસાને એવો રોગ છે કે માંડ હવે વર્ષ કાઢે તો! રુચા shock થઈ ગઈ. મારા માસાને શું થઈ ગયું? છ મહિનામાં તો માસા અનંતની સફરે ઊપડી ગયા. રુચાને માસીને મળવા જવાની બહુ ઈચ્છા હતી પણ સ્ટડી, પાર્ટ ટાઈમ જોબ અને ઉપરથી પરમેનન્ટ જોબ શોધવાનું પ્રેશર! એમાં ક્યાં દેશમાં જવાનો સમય મળે. એક ઈન્ટરનેશનલ કંપનીમાં ફાયનલ ઈન્ટરવ્યૂમાં એણે appear થવાનું હતું અને  માસા–માસીએ આપેલાં શર્ટ–બ્લેઝર પહેરીને એ ઈન્ટરવ્યૂ આપવા બેઠી, એણે મોબાઈલમાં માસા–માસીના ફોટા સામે જોઈને કહ્યું, ‘Thank You For Everything, માસા!’

Most Popular

To Top