સલમાન ખાનની ઇદ નિમિત્તે રજૂ થતી ફિલ્મોની સફળતાને અજય-અમિતાભની ‘રનવે 34’ કે ટાઇગરની ‘હીરોપંતી 2’ માત આપી શકી નથી. 2010ની ‘દબંગ’ થી 2019 ની ‘ભારત’ સુધી સલમાનની ફિલ્મો ઇદ પર સારું ઓપનિંગ જરૂર મેળવતી રહી છે. કોવિડ પછી ઇદ પ્રસંગે સલમાનની કોઇ ફિલ્મ તૈયાર ન હોવાથી રજૂ થઇ શકી નથી. ગયા સપ્તાહની શાહિદની ‘જર્સી’ કોઇ કમાલ કરી શકી નથી ત્યારે યશની હિન્દી ‘KGF 2’ નો એટલો દબદબો રહ્યો છે કે ત્રીજા શુક્રવારે રૂ. 4.25 કરોડ અને શનિવારે રૂ. 7.25 કરોડની કમાણી કરી છે.
પરંતુ ‘રનવે 34’ પહેલા શુક્રવારે રૂ. 3.5 કરોડ જ કમાઇ શકી છે. એવું પણ બની શકે કે દક્ષિણ ભારતીય ભાષાના વિવાદમાં અજય અટવાયો હોવાથી એની ફિલ્મને અસર થઇ હોય. અજય દેવગને પોતાની ‘રનવે 34’ સહિતની આગામી ચાર હિન્દી ફિલ્મોને થિયેટરમાં રજૂ થયાના ચાર સપ્તાહ પછી ‘અમેઝોન પ્રાઇમ’ પર રજૂ કરવાની એક કાર્યક્રમમાં જાહેરાત કરી ત્યારે પણ હિન્દી ભાષામાં બોલવાનું ટાળ્યું હતું. અજયની ફિલ્મ સામે ટાઇગરની ‘હીરોપંતી 2’ રૂ. 7.25 કરોડ મેળવી શકી છે. નવાઇની વાત એ છે કે બંનેના બોક્સ ઓફિસના વકરાથી વિરુધ્ધમાં IMDB પર રેટિંગ મળ્યું છે. ‘રનવે 34’ ને 10 માંથી 8.8 જેવું સારું જ્યારે ‘હીરોપંતી 2’ ને 2.4 રેટિંગ જ મળી શક્યું છે કેમ કે ટાઇગરની ફિલ્મને સમીક્ષકોએ બકવાસ ગણાવી છે અને અજયની નિર્દેશક તરીકે લાંબા સમય પછી આવેલી ‘રનવે 34’ માં અજય અને અમિતાભના અભિનયના વખાણ કર્યા છે.
બધા જ સમીક્ષકોએ 5માંથી 1 પૂરો સ્ટાર નિર્દેશન માટે આપ્યો હોવાથી એમ કહી શકાય કે અજયે 6 વર્ષ પહેલાં ‘શિવાય’ નું નિર્દેશન કરીને જે પ્રતિષ્ઠા ગુમાવી હતી એ ‘રનવે 34’ થી પાછી મેળવી છે. કોઇ પણ સમજી શકશે કે ફિલ્મના નિર્માણ અને નિર્દેશન સાથે મુખ્ય ભૂમિકામાં અભિનય કરવાનું કામ કેટલું મુશ્કેલ હોય છે. ‘રનવે 34’ માં અજયનું નિર્દેશન અપેક્ષાથી ઘણું સારું છે. તેણે ફિલ્મને બે ભાગમાં વહેંચી દીધી છે. પહેલા ભાગમાં ફ્લાઇટની ઉડાન અને ખતરનાક ઉતરાણ બતાવ્યું છે. એની ઘટનાઓ વધુ રસપ્રદ બની છે. હવામાં એક્શન જબરદસ્ત છે. દર્શકને સીટ પરથી હાલવા દેતો નથી. બીજો ભાગ કોર્ટ રૂમ ડ્રામામાં થોડો ખેંચાયેલો લાગે છે પણ એમાં કોઇ પ્રસંગ વધારાનો કે વાર્તા સાથે સંકળાયેલો ના હોય એવું નથી. છતાં ફિલ્મની આ એક નબળાઇ છે. ફિલ્મ પૂરી થતા સુધીમાં દરેક પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરી છે.
દ્રશ્યોને જીવંત બનાવવા VFX નો સારો ઉપયોગ કર્યો છે. અજય જેટલો પ્રભાવ પોતાના સંવાદોથી પાડે છે એટલો જ આંખોથી પણ મૂકી ગયો છે. આ વખતે તેણે બંધ આંખોથી પણ અભિનય કર્યો છે. અજય પોતાના વ્યક્તિત્વનો અંદાજ પહેલા જ દ્રશ્યથી આપી દે છે. અજય અને અમિતાભ વચ્ચેની ડાયલોગબાજી મજેદાર છે. રકુલપ્રીત સિંહ પાયલટની ભૂમિકાને જીવી જાય છે. તે હવે ગ્લેમર સિવાયની ભૂમિકાઓ માટે યોગ્ય ગણાવા લાગી છે. એક સંવાદમાં અમિતાભ જ્યારે એના પર ગુસ્સે થાય છે ત્યારે એનો ડર દર્શક અનુભવી શકે એવો અભિનય છે. અમિતાભ બચ્ચનનો ફિલ્મમાં પ્રવેશ મોડો થાય છે પણ છેલ્લે સુધી એમના પાત્રની હાજરી અનુભવી શકાય છે. બોમન ઇરાનીએ પણ કમાલનું કામ કર્યું છે. ફિલ્મનાં ગીતોએ નિરાશ કર્યા છે. જે લોકો એવી ફરિયાદ કરે છે કે બોલિવૂડવાળા કંઇ નવું કરતા નથી એમણે આ ફિલ્મ ખાસ જોવી જોઇએ પરંતુ ટાઇગર શ્રોફની ‘હીરોપંતી 2’ જોયા પછી કોઇ પણ સવાલ કરી શકે છે કે તે ક્યાં સુધી આવું જ કરતો રહેશે અને તેને આપણે જોતાં રહીશું?
ટાઇગરની ‘હીરોપંતી’ થી ‘હીરોપંતી 2’ સુધીની યાત્રામાં કોઇ નવીનતા જોવા મળી નથી. તેના ચાહકો વધુ છે ત્યારે એમની અપેક્ષા પર ખરા ઊતરવા કંઇક નવું કરવું જોઇએ. તે ટાઇપકાસ્ટ થયો હોત તો પણ વાંધો ન હતો. તે પોતાના કામનું જ પુનરાવર્તન કરી રહ્યો છે. તેના એક્શન દ્રશ્યો અને ડાન્સ હવે સામાન્ય લાગે છે અને એ તો સોશ્યલ મીડિયા ઉપર પણ તે બતાવી દે છે. નિર્દેશક અહમદ ખાને માત્ર તેની એક્શન હીરોની ઇમેજને વટાવવા જ ફિલ્મ બનાવી છે. ટાઇગરના એક્શન દ્રશ્યો કરતાં ‘લૈલા’ બનતા નવાઝુદ્દીનના ગજબના અંદાજને કારણે પૈસા વસૂલ થાય છે. ‘હીરોપંતી 2’ ને 5માંથી જે 2 સ્ટાર મળ્યા છે એમાં અડધો નવાઝુદ્દીનને કારણે છે. ગમે ત્યારે ટપકી પડતા ગીતોમાં એ. આર. રહેમાનનું સંગીત છે? એવો સવાલ જરૂર થાય છે. રહેમાને હિન્દી ફિલ્મોના સંગીતમાં પોતાની સારી છાપ છોડી છે ત્યારે ‘દફા કર’ જેવા ગીતો સાંભળીને નવાઇ લાગશે.