મુંબઇમાં બોરીવલી ખાતે આવેલી ૨,૦૦૦ વર્ષ પુરાણી કાન્હેરી ગુફાઓમાં પીવાના પાણી માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી તે આજે પણ કાર્યરત છે. બૌદ્ધ સાધુઓએ આ કૃષ્ણગિરિ તરીકે ઓળખાતી ટેકરીઓ ઉપર વરસાદનું જેટલું પાણી પડે તેનો સંગ્રહ કરવા માટે પથ્થર કોતરીને ભૂગર્ભ ટાંકાંઓ બનાવ્યાં હતાં. આ ટાંકાઓ આજે પણ કાન્હેરી ગુફાઓની મુલાકાતે આવતા સહેલાણીઓની પાણીની તરસ છીપાવવાના કામમાં લાગે છે. આજે મુંબઇ, દિલ્હી અને અમદાવાદ જેવાં મહાનગરો પીવાના પાણીની અભૂતપૂર્વ તંગીનો સામનો કરી રહ્યાં છે ત્યારે શહેરના આયોજકોનું ધ્યાન ફરીથી જળસંગ્રહની આ પ્રાચીન અને વૈજ્ઞાનિક પદ્ધતિ તરફ આકર્ષાયું છે. તેમાં પણ મુંબઇની મહાનગરપાલિકાએ તો નિયમ જ બનાવ્યો છે કે જે નવા બંધાતા મકાનમાં વરસાદના પાણીના સંગ્રહ માટેનાં ટાંકાંઓ ન બનાવવામાં આવ્યાં હોય તેને એનઓસી જ આપવું નહીં.
પીવાનાં પાણીની જરૂરિયાત સંતોષવા માટે આજે જે નદી, કૂવા, તળાવો, બોરિંગ, નહેરો વગેરે સ્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં ટાંકાંઓમાં સંઘરી રાખવામાં આવેલું વરસાદનું પાણી ગુણવત્તાની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે. આ પાણીનો જો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવ્યો હોય તો બજારમાં વીસ રૂપિયે લિટરના ભાવે મળતા પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર કરતાં પણ તેની ક્વોલિટી વધુ સારી હોય છે. આ કારણે જ જૂનાગઢ, પોરબંદર, વેરાવળ વગેરે શહેરોમાં અનેક જૂનાં મકાનોમાં આજે પણ વરસાદના પાણીના સંગ્રહ માટેનાં ટાંકાંઓ જોવા મળે છે. અમદાવાદની પોળમાં આવેલાં અનેક જૂનાં મકાનોમાં પણ આવાં ટાંકાં મળી આવે છે. પ્રસિદ્ધ જૈન તીર્થ પાલિતાણામાં યાત્રિકોને સ્નાન કરવા માટે અને પીવા માટે જે પાણી આપવામાં આવે છે, તે આ ટાંકાંઓનું જ પાણી હોય છે. ભારતનાં દરેક શહેરોનાં મકાનોમાં આવાં ટાંકાંઓનું બાંધકામ ફરજિયાત બનાવવું જોઈએ.
મુંબઇ શહેરના વોટર બજેટની વાત કરીએ તો આ શહેરમાં રોજનું ૨૯૫ કરોડ લીટર પાણી વપરાય છે. મુંબઇની વસતિ એક કરોડની ગણીએ તો આ શહેરનો પ્રત્યેક નાગરિક રોજનું સરેરાશ ૨૫૦ લીટર પાણી વાપરે છે. બાકીનું પાણી ઉદ્યોગોમાં વપરાય છે. મુંબઇનો નાગરિક જાજરૂની ફ્લશમાં જ રોજનું ૪૦ લીટર પાણી વેડફી કાઢે છે. અત્યારે મુંબઇ શહેર માટે પીવાનું પાણી ૧૨૦ કીલોમીટર દૂર બાંધવામાં આવેલા જળાશયોમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. મુંબઇની વસતિ વધી રહી છે, પણ પાણીનો પુરવઠો વધતો નથી એટલે દર વર્ષે ઉનાળામાં મુંબઇગરાઓએ પાણીકાપનો સામનો કરવો પડે છે. મુંબઇની મહાનગરપાલિકાએ પાણીની તંગીને દૂર કરવા માટે વૈતરણા નદી ઉપર બીજો એક બંધ બાંધવાની યોજના બનાવી છે, પણ આ બંધ માટે હજારો વૃક્ષોનો સંહાર કરવો પડે તેમ હોવાથી કેન્દ્ર સરકારના પર્યાવરણ ખાતાએ આ યોજનાને મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો છે. પર્યાવરણવિદો કહે છે કે મુંબઇ શહેરમાં જેટલો વરસાદ પડે છે તેના ૭૦ ટકા જેટલાં પાણીનો સંગ્રહ કરવામાં આવે તો પણ આવતાં ૧૦૦ વર્ષ સુધી મુંબઇની પાણીની સમસ્યા હલ થઇ જાય. મુંબઇ શહેરમાં જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાઓમાં આશરે ૨,૦૦૦ મિલિમીટર ( ૮૦ ઇંચ) વરસાદ પડે છે. મુંબઇના ભૌગોલિક વિસ્તારની ગણતરી કરવામાં આવે તો આ પાણી વર્ષે ૮૬,૩૪૮ કરોડ લીટર જેટલું થાય છે. આ રીતે પ્રતિદિન ૨૩૬.૫ કરોડ લીટર પાણી મળી રહે એટલો વરસાદ મુંબઇના આકાશમાંથી વરસે છે. તેમાંનું ૭૦ ટકા પાણી પણ જો બચાવવામાં આવે તો વરસાદ થકી જ શહેરને રોજનું ૧૧૬ કરોડ લીટર પાણી મળી શકે તેમ છે.
વરસાદના પાણીનો કેવી રીતે સંગ્રહ કરી શકાય તે બાબતમાં દિલ્હીની અનેક ઇમારતો અને સોસાયટીઓ પ્રેરણારૂપ બની શકે તેમ છે. ભારતના રાષ્ટ્રપતિ જ્યાં રહે છે તે રાષ્ટ્રપતિભવનમાં પણ વરસાદના પાણીના સંગ્રહ માટેની યંત્રણાનો ઉપયોગ કરવામાં આવે છે. ઇ.સ. ૧૯૮૮ માં ત્યારના રાષ્ટ્રપતિ કે. આર. નારાયણને દિલ્હીની સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ સંસ્થાના વિજ્ઞાનીઓને આમંત્રણ આપી વરસાદના પાણીના સંગ્રહ માટેના ઉપાયો સૂચવવા જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન કુલ ૧૩૩ હેક્ટર જમીન ઉપર પથરાયેલું છે. આ સંકુલમાં ૩૦૦૦ લોકો કાયમી રહે છે અને બીજા ૩૦૦૦ મહેમાન હોય છે. રાષ્ટ્રપતિભવનનો રોજનો પાણીનો વપરાશ જ ૨૦ લાખ લીટરનો છે, જે વર્ષે ૭૩ કરોડ લીટર જેટલો થાય છે. તેની સામે રાષ્ટ્રપતિ ભવનની ૧૩૩ હેક્ટર જમીન ઉપર જે કુલ વરસાદ પડે છે, તેનું પાણી જ ૮૧.૧૦ કરોડ લીટર થાય છે.
અત્યારે તો રાષ્ટ્રપતિભવનને ૬૫ ટકા પાણી નવી દિલ્હી મહાનગરપાલિકા આપે છે અને બાકીનું ૩૫ ટકા બોરિંગમાંથી ખેંચવામાં આવે છે. જમીનમાંથી ખેંચાતા આ વધુ પડતા પાણીને કારણે ભૂગર્ભ જળની સપાટી ૨૦ ફૂટ જેટલી ઊંડે ઊતરી ગઇ છે. સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના વિજ્ઞાનીઓએ ૨૦ લાખ રૂપિયાને ખર્ચે વરસાદના પાણીનો સંગ્રહ કરવાની યંત્રણા રાષ્ટ્રપતિ ભવનમાં બેસાડી દીધી છે. તેમાં એક લાખ લીટરની ક્ષમતા ધરાવતું એક ભૂગર્ભ ટાંકું બનાવવામાં આવ્યું છે. મકાનોનાં છાપરાં ઉપર જે વરસાદ પડે તેને હવે પાઇપો દ્વારા સૂકા કૂવાઓમાં ઉતારી દેવામાં આવે છે. રાષ્ટ્રપતિભવનમાં દર વર્ષે કરોડો લીટર પાણીની બચત થવા
માંડી છે.
નવી દિલ્હીમાં જ આવેલી વસંતવિહાર સોસાયટીમાં પણ વરસાદના પાણીના સંગ્રહ માટેની સસ્તી અને સુઘડ યોજના તૈયાર કરવામાં આવી છે. આ સોસાયટીના છાપરાનો વિસ્તાર આશરે ૩૦૦ ચોરસ મીટર જેટલો છે. આ છાપરા ઉપર પડતા વરસાદના પાણીનો સંગ્રહ કરી વર્ષે આશરે એક લાખ લીટર પાણીના બચાવની યોજના તૈયાર કરવાનો ખર્ચ માત્ર ૩૩,૦૦૦ રૂપિયા જ થયો છે. આ સોસાયટીમાં વરસાદના પાણીના સંગ્રહ માટે ટાંકું બનાવવાને બદલે એક સુકાઇ ગયેલા કૂવામાં છાપરાં ઉપરનું પાણી વાપરવામાં આવે છે. નવી દિલ્હીની સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ સંસ્થાએ પણ પોતાના મકાનમાં પણ વરસાદના પાણીના સંચય માટેની યોજના તૈયાર કરી છે.
મુંબઇની વાત ઉપર પાછા ફરીએ તો મુંબઇમાં શહેરી બસસેવાનું સંચાલન કરતી બેસ્ટ કંપનીએ પોતાના એક ડેપોમાં વરસાદના પાણીના સંગ્રહ માટે અભિનવ યોજના બનાવી છે. આ મુજબ ડેપોમાં જેટલી બસો ઊભી હોય તેના છાપરાંઓ ઉપર જે કંઇ વરસાદ પડે તેનો સંગ્રહ એક ભૂગર્ભ ટાંકામાં કરવામાં આવે છે અને તેનો ઉપયોગ બસો ધોવા માટે કરવામાં આવે છે. મુંબઇના અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મુંબઇ સુધરાઇમાં સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરતા શ્રીકાન્ત ગોડબોલેની સલાહથી વરસાદના પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થા એટલી બધી સફળ થઇ છે કે આ સંકુલને રોજનું ૧.૫૦ થી ૨ લાખ લીટર પાણી આ સંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે. શ્રીકાંત ગોડબોલેની સલાહ મુજબ મુંબઇની અનેક સોસાયટીઓ હવે રેઇન વોટર હાર્વેસ્ટિંગની દિશામાં વિચારવા લાગી છે. મુંબઇની મોટા ભાગની સોસાયટીઓમાં સુધરાઇના પાણીના સંગ્રહ માટે પાણીની ભૂગર્ભ ટાંકીઓ તો બનેલી જ છે. આ ટાંકીઓમાં જો વરસાદનું પાણી ગાળીને ઉતારી દેવામાં આવે તો પણ કરોડો લીટર પાણીની બચત થઇ શકે તેમ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે