નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિર બહારના મુખ્ય માર્ગના નવિનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન ખોદાયેલાં માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળવાથી કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને પગલે આ માર્ગ પરથી અવરજવર કરવી અશક્ય બની છે. દરમિયાન રવિવારના રોજ શ્રી રણછોડરાયજી મંદિરમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલાં શ્રધ્ધાળુઓને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી. મુખ્ય માર્ગ પર અવરજવર કરવી શક્ય ન હોવા છતાં તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક રસ્તો જાહેર કર્યો ન હોવાથી હજારો શ્રધ્ધાળુઓ મુંઝવણમાં મુકાયાં હતાં.
ડાકોરમાં અવારનવાર આવતાં શ્રધ્ધાળુઓને અવરજવર માટેના અન્ય રસ્તાની જાણકારી હોવાથી તેઓ તે રસ્તે સરળતાથી પસાર થઈ ગયાં હતાં. જોકે, અન્ય રસ્તા બાબતે અજાણ હોય તેવા શ્રધ્ધાળુઓએ કાદવ-કિચડથી ખદબદતાં ખોદાયેલાં રસ્તા પરથી અવરજવર શરૂ કરી દીધી હતી. તો વળી કેટલાક શ્રધ્ધાળુઓ સાહસ ખેડી રોડની સાઈડમાં આવેલ ખુલ્લી ગટરની પાળી ઉપરથી જોખમી રીતે પસાર થવા મજબુર બન્યાં હતાં. જે દરમિયાન કેટલાક શ્રધ્ધાળુઓ કાદવમાં લપસ્યાં હતાં અને કેટલાક ગટરમાં ખાબક્યાં હતાં. હજારો શ્રધ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયાં હોવાછતાં પાલિકાના સત્તાધીશો સ્થળ પર ડોકાયાં ન હોવાથી નગરજનો ઉપરાંત શ્રધ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવવાનો પહેલેથી અંદાજ હોવા છતાં તંત્ર ઉંઘતું રહ્યું
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં વાર-તહેવાર, પુનમ તેમજ રવિવારના રોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોય છે. જોકે, હાલ, વેકેશન ચાલતુ હોવાથી રવિવારના રોજ મંદિરમાં શ્રધ્ધાળુઓનો ઘસારો વધુ રહેવાનો પહેલેથી અંદાજ હતો. તેમછતાં પાલિકાતંત્ર દ્વારા મંદિર બહાર ખોદવામાં આવેલાં માર્ગ પર ફેલાયેલાં કાદવ-કિચડની સફાઈ કરી, શ્રધ્ધાળુઓની અવર-જવર પુરતી થોડી જગ્યા કરવાનો રસ દાખવ્યો ન હતો. જેને પગલે સર્જાયેલી અવ્યવસ્થાને કારણે હજારો શ્રધ્ધાળુઓ તકલીફમાં મુકાયાં હતાં.
ખાડા ખુલ્લા મુકી દેતા અકસ્માતનાે ભય
રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરના બહાર નીકળવાના દ્વાર પાસે ચાલી રહેલ માર્ગ નવિનીકરણની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડ્યું હતું. જેથી તંત્ર દ્વારા ઉંડો ખાડો ખોદી સમારકામ કરવામાં આવ્યું હતું. હાલ, આ ખાડો જે તે સ્થિતીમાં છે. તેમછતાં તંત્ર દ્વારા આ ખુલ્લા ખાડા ફરતે આળશ મુકવાની પણ તસ્દી લેવામાં આવી નથી. દરમિયાન રવિવારના રોજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડેલાં હજારો શ્રધ્ધાળુઓની ભીડમાંથી કોઈક આ ખાડામાં ખાબકે તેવી ભિતી સેવાઈ રહી હતી. જોકે, સદનસીબે દિવસ દરમિયાન આવો કોઈ બનાવ બનવા પામ્યો ન હતો.