નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવતાં, વૈષ્ણવો અને રણછોડરાયજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મંદિરમાં કોવિડ ગાઇડ લાઇનના પાલન સાથે પર્વની ઉજવણી કરવામાં આવશે. ભગવાનના જન્મોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભગવાન ભક્તની લાગણીને વશ થઇને સ્વયં જ્યાં આવીને બિરાજમાન થયા, તે ભગવાન રણછોડરાયજીના મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઇને અસમંજસ હતી. જોકે, શુક્રવારે તંત્ર દ્વારા જન્માષ્ટમીની ઉજવણી માટેની મંજુરી મળતાં જ રણછોડરાયજીના ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.
સોમવારે જન્માષ્ટમીના પાવન પર્વની ડાકોર મંદિરમાં ભક્તોની હાજરીમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. મંદિરમાં હાલમાં શ્રીજીના જન્મોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નિયમાનુસાર એક સમયે ૨૦૦ દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. ગતવર્ષે બંધ બારણે જગતના નાથનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જોકે, આ વર્ષે હવે શ્રીજીનો જન્મોત્સવ ભક્તો દ્વારા હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે. હાલમાં ડાકોર મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.