Charchapatra

થાઈલેન્ડ કંબોડિયા વિવાદ 

હાલ દક્ષિણ પૂર્વ એશિયાના બે દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદી વિવાદને લઈને ચાલી રહેલો સંઘર્ષ ચિંતાજનક છે. આ લડાઈમાં ૧૪ નાગરિકો માર્યા ગયા અને એક લાખથી વધુ લોકોએ પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશ્રય લીધો. આ સંઘર્ષનું મૂળ કારણ એક હજાર વર્ષ જૂનું પ્રેહ વિહાર શિવમંદિર છે, જેના પર બંને દેશો પોતાનો દાવો કરે છે. આંતરરાષ્ટ્રીય અદાલતે આ મંદિર કંબોડિયાને આપ્યું છે, પરંતુ થાઈલેન્ડ તેનો વિરોધ કરી રહ્યું છે. આશ્ચર્યજનક રીતે, આ વિવાદ બે બૌદ્ધ રાષ્ટ્રો વચ્ચે છે, છતાં તેનું કેન્દ્ર એક પ્રાચીન શિવમંદિર છે. થાઈલેન્ડ, કંબોડિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં ભારતીય સંસ્કૃતિના ઊંડા પદચિહ્નો જોવા મળે છે. થાઈલેન્ડમાં રામાયણની પરંપરા જીવંત છે અને ત્યાંના રાજાઓ ‘રામ’ના નામે ઓળખાય છે, જ્યારે કંબોડિયામાં વિશ્વનું સૌથી મોટું વિષ્ણુ મંદિર, અંગકોર વાટ આવેલું છે.

આ પ્રાચીન મંદિર હવે રાષ્ટ્રવાદ અને સૈન્ય શક્તિના રાજકારણનો અખાડો બની ગયું છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માને છે કે આ સંઘર્ષ પાછળ ચીનનો હાથ છે. ચીન કંબોડિયા જેવા નબળા દેશને ઉશ્કેરીને પોતાના શસ્ત્રો વેચવા માંગે છે અને દક્ષિણ એશિયામાં પોતાનો પ્રભાવ વધારીને ભારતના હિતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ભારતે પણ પોતાની વિદેશ નીતિમાં વધુ સક્રિય અને આક્રમક વલણ અપનાવવું જોઈએ. જરૂર પડ્યે, ભારતે પાડોશી દેશોને સૈન્ય અને શસ્ત્રોની સહાય પૂરી પાડવાનો પણ વિચાર કરવો જોઈએ. ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, માલદીવ અને શ્રીલંકા જેવા ભવિષ્યના પડકારોને જોતાં, ભારતે આક્રમક પગલાં ભરવાં એ હિતાવહ છે.
ઉમરગામ, વલસાડ – નિખિલ દરજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top