SURAT

ટેક્ષટાઇલ કામદારોનું પલાયન અટકાવો, નહીં તો મિલોની હાલત કફોડી થશે: ઈન્ટુક

SURAT : છેલ્લા ચાર દિવસ દરમિયાન સચીન જીઆઇડીસી, પાંડેસરા, કડોદરા અને પલસાણાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારના કામદારોએ લોકડાઉન આવી રહ્યું હોવાની અફવાને પગલે હિજરત શરૂ કરતા કામદારોના રાષ્ટ્રીય સંગઠન ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC)ના પ્રતિનિધિ મંડળ દ્વારા આજે સુરતના જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ટેક્ષટાઇલ ( TEXTILES) કામદારોની હિજરત રોકવા માટે આયોજન કરવા વિનંતી કરી હતી.

અત્યાર સુધીમાં 20000 જેટલા કામદારો બસ અને ટ્રેન મારફત વતને જઇ ચૂકયા છે. 2020ના લોકડાઉન પછી સુરતમાં સ્થિતિ સુધરતા ઉત્તર પ્રદેશના કામદારો દિવાળીની સીઝન પહેલા પરત આવ્યા હતા. એટલું જ નહીં કામદાર આગેવાનોની સમજાવટને પગલે 10 ટકા જેટલા વધુ કામદારો સુરત આવ્યા હતા. પરંતુ હવે સુરતમાં કોરોના ( CORONA) ની સ્થિતિ વિકટ બનતા ટીખળખોરો દ્વારા સોશિયલ મિડીયામાં( SOCIAL MEDIA) લોકડાઉનની ( LOCKDOWN) અફવા ફેલાવવામાં આવતા મોટી સંખ્યામાં કારીગરો હોળી પહેલા વતને જવાનું આયોજન કરી રહ્યા છે.

ગુજરાત ઇન્ટુકના મહામંત્રી કામરાન ઉસ્માની, સુરત ઇન્ટુકના પ્રમુખ ઉમાશંકર મિશ્રા, શાન ખાન, સુરેશ સોનવણે, રાજેન્દ્રસિંહ રાજપૂત, જલીલ મામુ સહિતના અગ્રણીઓએ રજૂઆત કરી હતી કે કામદારોની વસાહતમાં જઇ લોકડાઉનનો ભય તંત્રએ દૂર કરવો જોઇએ. જે જીઆઇડીસી ( GIDC) ઓમાં રાત્રે 9 વાગ્યે મીલો અને એમ્બ્રોઇડરી કારખાનાઓમાં પાળી પૂરી થાય છે ત્યારે 9 વાગ્યે કરફયુ હોવાથી પોલીસ કામદારોને ડંડા ફટકારતી હોય છે તેને લીધે પણ ભયનો માહોલ ઉભો થયો છે. તે ઉપરાંત શહેરના ચોક્કસ વિસ્તારોમાં લકઝરી બસના સંચાલકો બસ લાવીને કામદારોને વતનમાં પહોંચાડવા ઉશ્કેરી રહ્યાં છે તે પણ બંધ થવું જોઇએ.

સામાન્ય રીતે કામદારો હોળીના 15 દિવસ પછી લગ્નસરાની સીઝન અને ખેતીના કામ માટે વતને જતા હોય છે પરંતુ આ વખતે બુંદેલખંડના બાંન્દા, હમીરપુર, ઝાંસી, કાનપુર, ફતેહપુર, ચિત્રકુટના કામદારો રોજેરોજ ટ્રેન અને બસમાં વતને જઇ રહ્યાં છે. જો આ સ્થિતિ લાંબી ચાલી તો આગામી 3-4 દિવસમાં ડાઇંગ પ્રોસેસિંગ મિલમાં કામદારોની અછત ઉભી થશે. અત્યારે બુંદેલખંડના જુદા જુદા જિલ્લાઓના ગામોમાંથી કામદારોને વતને આવી જવા માટે વિનંતીઓ કરવામાં આવી રહી છે. સોશિયલ મિડીયામાં લોકડાઉનની વાતો ચગાવવામાં આવી રહી છે.

પોલીસ અને આરટીઓ લકઝરી બસમાં થતી કામદારોની હિજરત નહીં અટકાવે તો ટેક્ષટાઇલની હાલત ખરાબ થશે

પ્રોસેસિંગ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ, સુરતમાં સપ્તાહમાં બે દિવસ ટેક્ષટાઇલ માર્કેટ અને ડાયમંડ માર્કેટ ( DAIMOND MARKET) બંધ રખાવવામાં આવતા કામદારોમાં લોકડાઉનની અફવા ફેલાઇ છે તેનો લાભ કેટલાક લકઝરી બસના સંચાલકો પણ ઉઠાવી રહ્યાં છે. પોલીસ અને આરટીઓ લકઝરી બસમાં થતી કામદારોની હિજરત નહીં અટકાવે તો ટેક્ષટાઇલની હાલત ખરાબ થશે. સચીન જીઆઇડીસીમાં રામેશ્વર કોલોની, બરફ ફેકટરી, શીવ નગર, ઉન, પાલીવાલ ચોકડી, પાંડેસરા ગણેશ નગર તથા કડોદરા-પલસાણાથી લકઝરી બસ ભરીને કામદારોને વતને મોકલવામાં આવી રહ્યાં છે. આરટીઓ દ્વારા આ લકઝરી બસને 54 થી 64 બેઠકની મંજૂરી આપવામાં આવી હોવા છતાં 90 થી 100 જેટલા કામદારો સીટિંગ વ્યવસ્થામાં બેસીને વતને જઇ રહ્યાં છે.

એવી જ રીતે સુરત અને ઉધનાથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં જતા કામદારોને પણ અટકાવવાની જરૂર છે. કેટલાક કામદારો હોળી-ધૂળેટીનો પર્વ વતનમાં મનાવવા, લગ્નસરા અને ખેતીની સિઝનમાં ભાગ લેવા માટે ટીકીટો બુક કરાવી રહયા છે. કામદાર અગ્રણી કામરાન ઉસ્માનીએ જણાવ્યું હતું કે બુંદેલખંડના કેટલાક કામદારો મીલ કોન્ટ્રાકટરો પાસે 20 થી 22 દિવસનો પગાર લીધા વિના લોકડાઉનના ભયે વતને જતા રહયા છે. અમે આવેદનપત્ર આપી કલેકટરને વિનંતી કરી છે કે સ્થાનીક અને જિલ્લા વહીવટી તંત્ર કામદારો સુધી પહોંચી તેમને સુરતમાં રોકવા માટે યોગ્ય માર્ગદર્શન આપે અને તેમની અંદરનો ખોટો ભય દૂર કરે. એકવાર કામદારો મોટી સંખ્યામાં વતને જશે તો ઉદ્યોગને પણ મુશ્કેલી થશે અને તેમને લાવવામાં સંપૂર્ણ ઉનાળુ સિઝન વિતી જશે.


સચીન જીઆઇડીસીમાં પાળી છૂટયા પછી પોલીસે કામદારોને સમજાવવાનું શરૂ કર્યું

સચીન જીઆઇડીસી નોટીફાઇડ બોર્ડના પૂર્વ ચેરમેન મહેન્દ્ર રામોલીયાએ ઇન્ડ. સોસાયટીના આગેવાનોને સાથે રાખી પોલીસ કમિ. અને જીઆઇડીસીના એમ.ડી. એમ. થન્નારાસનને રજૂઆત કરી હતી કે જે જીઆઇડીસીમાં રાત્રે 9 વાગ્યે પાળી છૂટે છે ત્યારે કામદારોને ઘરે જવા માટે સમય આપવો જોઇએ. જો પોલીસ કામદારોને ફટકારશે તો ખોટો ભય ઉભો થશે તેને પગલે સચીન જીઆઇડીસી પોલીસે રાત્રે 9 વાગ્યે પાળી છૂટયા પછી કામદારોને કોઇપણ પ્રકારનો ભય ન રાખવા સમજાવવાનું શરૂ કર્યું છે. સાથે સાથે માસ્ક પહેરવા પણ વિનંતી કરવામાં આવી છે. તેને લીધે કામદારોને પોલીસનો ભય ઓછો થયો છે. સચીન જીઆઇડીસીમાં રાત્રે 9 વાગ્યે પાળી છૂટતી હોવાથી કામદારોને જીઆઇડીસીની નજીકની વસાહતમાં જવા માટે 30 થી 40 મિનિટનો વધુ સમય ફાળવવામાં આવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top