Business

કોરોનાની બે લહેર પછી કાપડ ઉદ્યોગમાં તેજીનો માહોલ: દશેરાએ પણ કાપડ માર્કેટ ચાલુ રહેશે

સુરત: કોરોનાની (Corona) પ્રથમ અને બીજી લહેરને પગલે કાપડનો વેપાર દોઢ વર્ષ સુધી ઠપ્પ રહ્યા પછી લોકોની ખરીદ શક્તિ વધતા કાપડ વેપારમાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે. કાપડના વેપારીઓની રજૂઆતને પગલે ફોસ્ટાએ (Fostta Announcement ) આજે એક પરિપત્ર પ્રસિધ્ધ કરી દશેરાની રજાના દિવસે પણ કાપડ માર્કેટ (Textile Market will Open On Dusshera) ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જે માર્કેટમાં બહુમતી વેપારીઓ રવિવારે પણ વેપાર કરવા માંગશે તે અંગે માર્કેટ એસો. પર નિર્ણય છોડવામાં આવ્યો છે.

ફોસ્ટાએ પરિપત્ર બહાર પાડ્યો, રવિવારે પણ વેપારીઓ માર્કેટ ચાલુ રાખવા માંગતા હશે તો દિવાળી સુધી ચાલુ રાખી શકશે

ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ અને મહામંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે વિજ્યાદશમીના દિવસે કોરોનાની ગાઇડલાઇનને લીધે કોઇ સાર્વજનિક કાર્યક્રમ નહીં હોવાથી દશેરાના દિવસે માર્કેટ ચાલુ રાખવાનું નક્કી કરાયું છે. દશેરાના દિવસે કાપડના પાર્સલોની ટ્રાન્સપોર્ટરને ત્યાં પણ અવરજવર ચાલુ રહેશે.

સુરતની કાપડ માર્કેટમાંથી દરરોજ 300 ટ્રકમાં માલ રવાના થાય છે

ઉત્તર અને દક્ષિણ ભારતમાં તહેવારો અને લગ્નસરાની ખરીદી નીકળી છે. ખાસ કરીને 300થી 1500 રૂપિયા સુધીની સાડી અને 500થી 3000 રૂા. સુધીની કિંમતના ડ્રેસ મટિરીયલની ડિમાન્ડ નીકળી છે તેવી સ્થિતિમાં વેપારીઓ વેપાર કરી લેવા માગે છે. સુરતની કાપડ માર્કેટમાંથી રોજ રવાના થતા કાપડના પાર્સલો ભરી ટ્રાન્સપોર્ટર 300 જેટલી ટ્રકોમાં માલ યુપી, બિહાર, ઝારખંડ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન મોકલી રહ્યા છે. એવી જ રીતે પ્લાસ્ટીક અને ઇમિટેશન જરીમાંથી બનેલી સાડીઓની ડિમાન્ડ તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં જોવા મળી રહી છે. દોઢેક વર્ષના લાંબા સમય પછી દેશભરની કાપડ માર્કેટમાં સારો વેપાર ચાલી રહ્યો છે તેને લઇને વેપારીઓ ધંધો કરી લેવાના મૂડમાં જણાઇ રહ્યા છે.

આ અગાઉ કોરોનાની બીજી લહેરના લીધે માર્ચ, એપ્રિલથી ગયા મહિના સુધી બજારમાં ખાસ લેવાલી નહોતી. પરપ્રાંતથી ઓર્ડરનો અભાવ, રીટર્ન ગુડ્સની સમસ્યા અને પેમેન્ટ નહીં મળી રહ્યાં હોવાના લીધે વેપારીઓ દુ:ખી હતી, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાદ્ધ પક્ષ દરમિયાન વેપારીઓને પરપ્રાંતમાંથી સારા ઓર્ડર મળવા લાગ્યા હતા, જેના લીધે દિવાળી સુધરવાની આશા જાગી છે. તેથી હાલ વેપારીઓ સમય બગાડવા માંગતા નથી.

Most Popular

To Top