Gujarat

આરોગ્ય મંત્રી અને રૂપાણીને રજૂઆત: સુરતમાં યુવાન કામદારોનું રસીકરણ નહીં થાય તો તેઓ પલાયન કરી જશે

સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયા અને ઉપ પ્રમુખ આશીષ ગુજરાતી દ્વારા ગઇ કાલે સુરતના ટેક્સટાઇલ, ડાયમંડ, જરી, એન્જિનિયરિંગ, કેમિકલ અને રીટેલ સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ઉદ્યોગકારોએ એકસૂરે જણાવ્યું હતું કે, જો હવે લોકડાઉન લાગુ કરવામાં આવશે તો ઉદ્યોગો ટૂંકા ગાળામાં ફરી બેઠા નહીં થાય. કાપડ અને હીરા ઉદ્યોગમાં (Textile And Diamond Industries) જે કારીગરો કામ કરે છે તેમાં 80 ટકા કારીગરો (Workers) 30 થી 45 વર્ષની વયજૂથના છે. તેમને રસી આપવામાં આવી રહી નથી તેને લઇને કારીગરોમાં કોરોના સંક્રમણ લાગવાનો ભય ફેલાયો છે. આ મામલે ચેમ્બરે કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને યુવાન કારીગરોને પણ રસી (Vaccine) આપવા માંગ કરી છે.

ઉદ્યોગકારોએ ચેમ્બરને રજૂઆત કરી હતી કે લોકડાઉન કે જનતા કર્ફયૂ એ સમસ્યાનો ઉકેલ નથી. માત્ર ને માત્ર પ્રજાજનો અને ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓ સ્વયંશિસ્ત રાખીને દિવસો પસાર કરે તે સમયની માંગ છે. ઘરમાં, ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓના ઘરમાં જે વ્યક્તિઓ કમાતી હોય તે સિવાયની વ્યક્તિઓ કારણ વગર ઘરની બહાર નીકળે નહીં. ઔદ્યોગિક એકમોના માલિકો પોતાના કર્મચારીઓ કોરોનાની શિસ્ત જળવાય તેનું ખાસ ધ્યાન રાખે, તેમાં ખાસ કરીને તમામ કારીગરો માસ્ક પહેરીને જ આવે, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરે, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, નોકરીના સમય પછી લારી-ગલ્લાઓ પર ભેગા ન થાય, લંચના સમયે કારીગરો એક સાથે જમવા માટે ભેગા ન થાય વગેરે બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઔદ્યોગિક વિસ્તારોમાં જે વેક્સિનેશન સેન્ટર ચાલી રહ્યા છે તેમાં હવે માત્ર 30- 40 લોકો આવી રહ્યા છે. કારણ કે 45 થી વધુ વય ધરાવતા મોટાભાગના કારીગરોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. દર પંદર દિવસે કારીગરો ફરજિયાત ટેસ્ટિંગ કરાવે અને તે માટેની વ્યવસ્થા જે તે એસોસિએશન અથવા ઔદ્યોગિક એકમોના સંચાલકો કરાવે તેવી અપીલ કરવામાં આવે છે.

ઔદ્યોગિક વિસ્તારોમાં ટેસ્ટિંગ પુરતા પ્રમાણમાં કરવામાં આવતું નથી ઉદ્યોગકારોનો બળાપો
સુરતમાં સુરત મહાનગરપાલિકા ટેસ્ટિંગ પૂરતા પ્રમાણમાં કરે છે પરંતુ સુરત બહારની ઇન્ડસ્ટ્રીમાં ટેસ્ટિંગનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં થતું નથી અને તેથી ટેસ્ટિંગના અભાવે સંક્રમણ વધે તેવો ભય સતાવી રહ્યો છે અને તેથી આ દિશામાં પણ તાત્કાલિક પગલા લેવાવા જોઈએ.
હાલમાં, રેમડેસિવિર અને તેજ પ્રકારના બીજા ઇન્જેકશનોની જે અછત ઉભી થઇ છે તે સંદર્ભમાં આ સભામાં એવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે સરકાર ખાનગી હોસ્પિટલોને પણ સીધો જથ્થો મળી રહે અને જે તે હોસ્પિટલોને તેના બેડના પ્રમાણમાં ઇન્જેકશનનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં સતત અને અવિરત મળી રહે તે માટેની વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરે, જેથી દર્દીના સગાવ્હાલાઓને હાલમાં પડતી ભયંકર તકલીફોમાંથી છૂટકારો મળે.

જનતા કર્ફ્યૂ અને લોકડાઉનની અફવાને પગલે કામદારો હિજરત કરી રહ્યા છે તંત્ર આંતરરાજ્ય બસ સેવા પર અંકુશ મૂકે
જે રીતે સોશિયલ મીડિયામાં સમાચારો વહેતા થયા છે અને તેને કારણે જે અફવાઓ સમાજમાં વહેતી થઇ છે કે લોકડાઉન થવાનું છે, જનતા કર્ફ્યૂ નંખાવવાનો છે તેને કારણે કારીગરોની હિજરત અફવા અને ભયને કારણે શરૂ થઇ ચૂકી છે. આ હિજરતને રોકવા માટેનો એકમાત્ર ઉપાય અને તે આ અગાઉ પણ ચેમ્બરે રજૂઆત કરી હતી કે બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને યુ.પી. તરફ જતી આંતર રાજ્ય બસોને ખાસ કરીને ખાનગી બસોની ટ્રીપ અને આ બસોમાં બેસાડવામાં આવતા મુસાફરોની સંખ્યાને મર્યાદિત કરવામાં આવે, જેને કારણે સંક્રમણ ઘટે અને હિજરત પણ અટકી શકે.

Most Popular

To Top