ઓસ્ટ્રેલિયા સામેનો ઐતિહાસિક શ્રેણી વિજય પછી હવે ભારતીય ટીમ પોતાના ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં આવતીકાલે જ્યારે મેદાન પર ઉતરશે ત્યારે તેમનો જુસ્સો ઘણો ઉંચો હશે. સામા પક્ષે કેપ્ટન જો રૂટની બેટિંગ અને એન્ડરસન-બ્રોડના બોલિંગ આક્રમણને સહારે ભારતીયોને પછાડવાની ઇંગ્લેન્ડની ટીમને ખેવના ધરાવતી હશે. કોરોના વાયરસે પાડેલા લાંબા બ્રેક પછી આવ
તીકાલે અહીં રમાનારી ટેસ્ટ સાથે ભારતમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઇ રહી છે.
રૂટ આવતીકાલે પોતાની 100મી ટેસ્ટ રમવા માટે મેદાને પડશે અને તેની સાથે જ ઇંગ્લેન્ડની ટીમને સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનના ઝડપી બોલિંગ આક્રમણ પર તેમને ખાસ આશા હશે. બ્રોડ-એન્ડરસન સામે રોહિતની ધીરજની તો ગીલની ટેક્નીકની પરીક્ષા થઇ શકે છે.
જોફ્રા આર્ચર પોતાના બાઉન્સરો વડે ભારતીય ટીમના બેટ્સમેનો સામે સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરશે અને જૂના બોલ વડે રિવર્સ સ્વિંગ કરવાની સ્ટોક્સની આવડત પણ તેમની કસોટી કરશે. ભારતીય ટીમ માટે તેમના કેપ્ટન અને મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલીની વાપસી જુસ્સો અપાવનારી સાબિત થઇ શકે છે. ચેન્નાઇની પીચ પહેલા દિવસે ઉછાળ લેશે અને ત્રીજા દિવસથી તે સ્પિનરને મદદરૂપ થઇ શકે છે.
ચેપોક પર ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 9 ટેસ્ટમાંથી ભારતીય ટીમ 5 જીતી છે
ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ મળીને 9 ટેસ્ટ રમાઇ છે અને તેમાંથી યજમાન ભારતે પાંચ મેચ જીતી છે અને ઇંગ્લેન્ડે 3 ટેસ્ટ જીતી છે. બંને ટીમો વચ્ચે 1982માં રમાયેલી ટેસ્ટ ડ્રો રહી હતી. ભારતીય ટીમ છેલ્લે 2016માં આ મેદાન પર ઇંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં કરુણ નાયરની ત્રેવડી સદી અને લોકેશ રાહુલની 199 રનની ઇનિંગની મદદથી ભારતીય ટીમે એક દાવ અને 75 રને વિજય મેળવ્યો હતો.
21મી સદીમાં ભારતીય ટીમ 100 ટેસ્ટ વિજયથી માત્ર બે વિજય દૂર
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન એક સિદ્ધિ પોતાના નામે કરી શકે છે. ભારતીય ટીમ 21મી સદીમાં 100 ટેસ્ટ જીતવાથી માત્ર બે વિજય દૂર છે. જો શુક્રવારથી અહીં શરૂ થતી ચાર ટેસ્ટ મેચની સીરિઝ દરમિયાન ભારતીય ટીમ આ સિદ્ધિ મેળવી લેશે તો તે આ સુદ્ધિ મેળવનારી વિશ્વની ચોથી ટીમ બનશે. ભારતીય ટીમે 2016થી અત્યાર સુધી 216 ટેસ્ટ રમી છે જેમાંથી 98 જીતી છે, 59 હારી છે અને 59 મેચ ડ્રો રહી છે.
ચેપકના મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ
ટેસ્ટ રમી 32
ટેસ્ટ જીતી 14
ટેસ્ટ હારી 06
ટેસ્ટ ડ્રો 11
ટેસ્ટ ટાઇ 01