સુરત: એક બાજુ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નાથવા માટે લગાતાર 10 માસથી ટેસ્ટિંગ પર ભાર મૂકી સંક્રમિતોને શોધવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ અમુક ધન્વંતરી રથ પર કામ કરતા કર્મચારીઓની બેદરકારીને કારણે કોરોના સામેની લડાઇમાં મનપા માટે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો ઘાટ થઇ રહ્યો છે.
અગાઉ રેપિડ ટેસ્ટની કિટનો બારોબાર નિકાલ થતો હોવાના વિવાદ બાદ હવે શહેરના મોટા વરાછા વિસ્તારમાં કોઇપણ પ્રકારના ટેસ્ટ વિના જ રેપિડ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ આપવામાં આવતો હોવાની લોલંલોલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવતાં હોબાળો મચી ગયો હતો. તેમજ સુરત મહાનગર પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.
આ હોબાળા બાદ ધન્વંતરી રથમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા એક સ્ટાફ નર્સ તેમજ બે સર્વેયરોને ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા છે. જ્યારે આ ધન્વંતરી રથ પર ફરજ બજાવતા મહિલા ઇન્ટર્ન તબીબને કોવિડની કામગીરીમાંથી છૂટી કરી સ્મીમેર હોસ્પિટલમાં પરત મોકલી દેવાઇ છે. તેની સામે વધુ કાર્યવાહી બાબતે હિલચાલ ચાલી રહી છે. એવું પણ બહાર આવ્યું છે કે, આ ધન્વંતરી રથમાં 16 દર્દીનાં ટેસ્ટિંગ વગર જ બોગસ રિપોર્ટ તૈયાર કરી દઇ નેગેટિવ બતાવી દેવાયા હતા.
વિસ્તૃત વિગતો મુજબ મોટા વરાછા સુદામા ચોકમાં આવેલ સાંઇ શ્રદ્ધા રેસિન્ડેન્સીમાં ધન્વંતરી રથમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર તુષાર મેપાણી દ્વારા કરાયેલા સ્ટિંગ ઓપરેશનમાં આ ગોબાચારી પકડાઇ છે. ધન્વંતરી રથમાં કામ કરતી ટીમ એ.આર.આઇ.ના દર્દીઓના રેપિડ ટેસ્ટ કરતી ન હતી. માત્ર કાગળ ઉપર આ વ્યક્તિનું નામ-સરનામું, મોબાઇલ નંબર સહિતની વિગતો ભરી તેના પર નેગેટિવ રિપોર્ટનો સિક્કો મારી દેતી હતી. આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ કોન્ટ્રાક્ટર પર કામ કરતા સર્વેલન્સ વર્કર નિલોશા વસાવા, કમલ મૈસુરિયા અને નર્સ જૈની ભાલાણીને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યાં છે. જ્યારે સ્મીમેરમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતી ડો.વિન્ની બંદારિયાને કોવિડની કામગીરીમાંથી છૂટા કરી પરત સ્મીમેર હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ પર પરત મોકલી દઇ વધુ તપાસ હાથ ધરાઇ છે.
એફ.આઇ.આર. કરાશે, કોઈને ટાર્ગેટ અપાતો નથી : ડો.આશિષ નાયક
આ હોબાળા મુદ્દે મનપાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ ગંભીર છે. તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં કેટલા ખોટા રિપોર્ટ તૈયાર કર્યા છે તે વગેરેની તપાસ થઇ રહી છે. તપાસના અંતે જવાબદારો સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ત્રણ કર્મચારીને ટર્મિનેટ કરી દેવાયા છે. જ્યારે ફરજ પરના ઇર્ન્ટન તબીબને કોવિડની કામગીરીમાંથી છૂટા કરી દેવાયા છે.
તમામ ઝોનમાં સ્ક્વોડ મૂકી તપાસ કરાશે
ધન્વંતરી રથ પર કોવિડના ટેસ્ટિંગમાં ચાલતી ગેરરીતિનો સતત બીજો મામલો બહાર આવ્યા બાદ મનપાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. તેમજ દરેક ઝોનમાં ધન્વંતરી રથની કામગીરી પર નજર રાખવા તેમજ ટેસ્ટિંગની કામગીરીનું ક્રોસ વેરિફિકેશન કરવા માટે એક એક સ્ક્વોડ બનાવવા આદેશ કરાયો છે. ઉપરાંત હેડ ક્વાર્ટરની એક સ્ક્વોડ પણ શહેરભરમાં ક્રોસ વેરિફિકેશન કરતી રહેશે.