અને તમે કોરોના ટેસ્ટ માટે નાકમાંથી દાંડી ઘાલીને લેવાતા સ્વૉબને ખરાબ માનતા હતા!! ચીને હવે બીજિંગમાં કોવિડ-19 માટે ગુદામાંથી સ્વૉબ લેવાનું શરૂ કર્યું છે કેમ કે તે વધારે ચોક્ક્સ છે!! બીજિંગમાં કોરોનાના નવા કેસો આવી રહ્યા છે ત્યારે ચીને કોવિડ એનલ સ્વૉબ લેવાનું શરૂ કર્યું છે. આ ટેસ્ટમાં મળદ્વારની અંદર એક ઇંચ સુધી સળી નાખીને ઘણી વાર ફેરવવામાં આવે છે.
આખી પ્રોસિજર 10 સેકન્ડ્સની છે. નિષ્ણાતો માને છે કે ગળા અને નાકના સ્વૉબ કરતા આ પદ્ધતિ વધારે ચોક્ક્સ છે. સેમ્પલ કલેક્ટ કરવા માટે સ્વૉબની દાંડીને 3-5 સેમી (1.2 થી 2 ઇંચ) સુધી અંદર નાખીને ઘણી વાર ગોળ ગોળ ઘૂમાવાઇ છે. ત્યારબાદ નમૂનાને સેમ્પલ કન્ટેનરમાં મૂકાય છે. ગયા સપ્તાહે ચીનમાં નવ વર્ષના છોકરાને કોરોના થયો ત્યારબાદ સામૂહિક ટેસ્ટિંગ ડ્રાઇવ દરમ્યાન બીજિંગમાં આ નવી રીત વધારે અપનાવાઇ છે.
છોકરાની સ્કૂલમાં 1000થી વધુ સ્ટાફ અને એના માતાપિતાના એનલ સ્વૉબ સહિતના વિવિધ ન્યુક્લિઇક એસિડ ટેસ્ટ્સ કરાયા હતા. ગયા વર્ષથી જ ચીનમાં કોરોના વાયરસનો ટેસ્ટ કરવા માટે મળદ્વારના સેમ્પલ્સનો ઉપયોગ થાય છે. પણ આ રીત અગવડતાના લીધે મુખ્યત્વે ક્વૉરન્ટાઇન સેન્ટર્સમાં જ મુખ્ય જૂથોમાં વપરાતી હતી.
ચીનના નિષ્ણાતે કહ્યું કે કોરોનાના ટ્રેસીસ નાક કે ગળા કરતા ગુદામાર્ગમાં લાંબો સમય રહે છે. અમને જાણવા મળ્યું કે અમુક લક્ષણો વિનાના દર્દીઓ ઝડપથી સારા થઈ જાય છે. ત્રણ કે પાંચ દિવસ બાદ એમના નાક કે ગળામાં કોરોનાના અંશ ન હોય એ બની શકે. પણ શ્વસનતંત્ર કરતા પાચનતંત્રમાં તે લાંબો સમય સુધી જોવા મળી શકે છે.
એક મહિલાએ પોતાના ટેસ્ટનો અનુભવ પણ જણાવ્યો હતો. ટેસ્ટિંગની આ પદ્ધતિ અંગે ઓનલાઇન ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે ચીનના સોશિયલ મીડિયા પર એક તબીબ પ્રોસિજર વિઝ્યુઅલી નિર્દેશિત કરતા હોય એવો એક વીડિયો વાયરલ થયો છે. જાત જાતની કોમેન્ટ આવી રહી છે.
ચીનના નિષ્ણાતો ભલે ગમે એ કહે, મળદ્વારના સ્વૉબની ચોક્ક્સાઇ અને કાર્યદક્ષતા વિવાદી છે. વુહાન યુનિવર્સિટીના જ ડેપ્યુટી ડિરેક્ટર યાંગે કહ્યું કે નાક અને ગળાનો ટેસ્ટ જ સૌથી ચોક્કસ છે.