નવી દિલ્હી: ભારતમાં (India) ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. વર્ષ 2022ની સરખામણીએ ગત વર્ષ 2023માં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણનો આંકડો 1.53 મિલિયન યુનિટ સુધી પહોંચી ગયો છે. ઈલેક્ટ્રીક વ્હીકલના (EV) વેચાણમાં સંપૂર્ણ 50 ટકાનો વધારો થયો છે.
ઈવીની વધતી માંગને કારણે ઘણી વિદેશી કંપનીઓની નજર ભારતીય બજાર પર છે. અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા (Tesla) ભારતમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. દરમિયાન વિયેતનામની (Vietnam) અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક વિનફાસ્ટ (VinFast) એ એક ઐતિહાસિક ક્ષણ તરીકે ભારતના (India) તમિલનાડુ (Tamilnadu) રાજ્યમાં તેનો પ્રથમ સંકલિત ઇલેક્ટ્રિક વાહન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ (Manufacturing Plant) સત્તાવાર રીતે શરૂ કર્યો છે.
વિયેતનામીસ ઇલેક્ટ્રિક કાર નિર્માતાએ રાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યાના માત્ર 50 દિવસ પછી તમિલનાડુના થૂથુકુડીમાં તેના ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન પ્લાન્ટનું બાંધકામ શરૂ કર્યું છે. આ પ્લાન્ટની નજીકમાં એક બંદર (Port) પણ છે, જે વિનફાસ્ટને ઇલેક્ટ્રિક વાહનની નિકાસને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરી શકે છે.
વિનફાસ્ટના પ્લાન્ટના ભૂમિપૂજન સમારોહમાં તમિલનાડુના મુખ્યમંત્રી થિરુ એમ.કે. સ્ટાલિન (TamilNadu CM Thiru M.K. Stalin) અને તમિલનાડુ સરકારના ઉદ્યોગ મંત્રી થિરુ ડૉ. ટી.આર.બી. રાજા, થિરુ વી. અરુણ રોય IAS, ઉદ્યોગ સચિવ અને સભ્યો સહિત અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ. ભૂમિ પૂજનનો કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યો હતો અને આ સાથે વિનફાસ્ટે એક મોટી યોજના સાથે ભારતમાં સત્તાવાર રીતે પ્રથમ પગલું ભર્યું છે.
તમિલનાડુ સ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રમોશન કોર્પોરેશન (SIPCOT) ની ઔદ્યોગિક વસાહતની અંદર 400 એકરમાં ફેલાયેલા વિશાળ ઇલેક્ટ્રિક વાહન પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. એવો દાવો કરવામાં આવે છે કે આગામી 5 વર્ષમાં અંદાજે $500 મિલિયનનું રોકાણ કરવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન આશરે 3,500 નોકરીની તકો ઊભી થવાની ધારણા છે, જે ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગમાં મુખ્ય ખેલાડી તરીકે વિનફાસ્ટની સ્થિતિને વધુ મજબૂત કરશે.
આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,50,000 વાહનોની હોવાનો અંદાજ છે, જે ભારતીય EV માર્કેટમાં નોંધપાત્ર યોગદાન આપશે. વિનફાસ્ટ કહે છે કે કંપનીનો હેતુ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સાથે જોડાવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને આ ક્ષેત્રમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.