Gujarat

સાબરમતી જેલમાં કેદ આતંકીઓને બીજા કેદીઓએ માર માર્યો

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે ગઈ તા. 9 નવેમ્બર 2025ના રોજ પકડેલા ત્રણ આતંકવાદીઓને સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે. આજે ત્રણેયની અન્ય કેદીઓ સાથે માથાકૂટ થઈ હતી. અન્ય કેદીઓએ ભેગા થઈ એક આતંકીને માર માર્યો હતો. આ મારપીટના લીધે જેલમાં અફરાતફરી મચી ગઈ હતી. જેલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. કયા મામલે મારામારી થઈ તે અંગે તપાસ ચાલી રહી છે.

સૂત્રોએ જણાવ્યું કે, કાચા કામની બેરેકમાં ત્રણ આતંકી પૈકી એક આતંકીને અન્ય ત્રણ કેદી સાથે બોલાચાલી થઈ હતી. ઝઘડો થતા ત્રણ કેદીઓએ એક આતંકીને ઢોર માર માર્યો હતો. આ મારપીટમાં આતંકીને આંખમાં ઈજા થઈ હતી. તેને પગલે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આતંકીનું નિવેદન નોંધીને ત્રણ અન્ય કેદી સામે ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીનગર-બનાસકાંઠામાંથી ATSએ આતંકી પકડ્યા હતા
ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠામાંથી ગઈ તા 9 નવેમ્બરના રોજ ISISIના ત્રણ આતંકીઓને પકડયા હતા. ત્રણ પૈકી એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હતો. ચીનમાં મેડિકલ ભણેલો ડો. સૈયદના પાકિસ્તાનમાં સંપર્કો હતા. તે સાઈનાઈડથી પણ ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. તેનો ઈરાદો આતંકી હુમલો કરવાનો હતો. ઝડપાયેલા ત્રણેય આતંકી ISKP (ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

Most Popular

To Top