નવી દિલ્હી: ગુજરાત (Gujarat)માં સુરત (Surat) અને મહારાષ્ટ્રના મુંબઈ (Mumbai)માં કદાચ સમયસર આતંકવાદી હુમલા (terrorist attack) ટળી ગયા હોય તેવી લાગી રહ્યું છે. દિલ્હી પોલીસ (Delhi police) તપાસ કરી રહેલ ટેરર મોડ્યુલ કેસના મુખ્ય આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર તેમના નિશાના પર હતા અને અધિકારીઓના જણાવ્યાં અનુસાર, આ બંને શહેરોની રેકી કરવામાં આવી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધી સેતુ કે જે બિહારની રાજધાની પટના (Patna)ને પડોશી હાજીપુર સાથે જોડે છે. તે પણ આતંકવાદીઓનું સંભવિત નિશાન હતું.
ઝીશાન કમારની પૂછપરછ કરનારા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઝીશાને કહ્યું હતું કે તેણે સુરતની મુલાકાત લીધી હતી અને તેના સહ-આરોપીએ મુંબઈની રેકી કરી હતી. તેમની સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વિસ્ફોટ કરવાની યોજના હતી. અધિકારીઓના કહ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એમબીએની ડિગ્રી ધરાવતો ઝીશાન આ વર્ષે એપ્રિલમાં આતંકી તાલીમ માટે મસ્કત મારફતે પાકિસ્તાન ગયો હતો. મહારાષ્ટ્ર એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સહ આરોપી જાન મોહમ્મદે આ મહિનાના ગણેશોત્સવ પહેલા ગિરગાંવ ચોપાટી પર પ્રવેશ કર્યો હતો. દિલ્હી પોલીસે થોડા અઠવાડિયા પહેલા રાજસ્થાનના કોટા ખાતે દિલ્હી જતી ટ્રેનમાંથી જાન મોહમ્મદની ધરપકડ કર્યા બાદ આ કાવતરું ઉકેલાયું હતું.
દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, ઝીશાને પોતાના એક ટ્રેનરની ઓળખ પાકિસ્તાની સેનાના કર્નલ નિઝામ તરીકે આપી હતી. તેમણે પાકિસ્તાન સેનાના ગણવેશમાં સજ્જ બે ટ્રેનર્સમાંથી એકનું નામ કર્નલ નિઝામ જણાવ્યું હતું. તે જાણકારી નથી કે, તાલીમ આપતા વ્યક્તિનું વાસ્તવિક નામ નિઝામ હતું કે કેમ? તેની અન્ય એજન્સીઓ સાથે સહયોગ કરીને ચકાસણી કરવી પડશે. દિલ્હી પોલીસની તપાસ સૂચવે છે કે, બે સંદિગ્ધ ઝીશાન અને ઓસામાને આઇએસઆઇ દ્વારા પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં થટ્ટાના એક ફાર્મહાઉસમાં તાલીમ આપવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કેસનો માસ્ટરમાઇન્ડ ઉસૈદ-ઉર-રહેમાન ગલ્ફમાં છે અને આ કેસના તાર સાઉદી અરેબિયાથી મસ્કત, દુબઇ અને પાકિસ્તાન સુધી ફેલાયેલા છે. રહેમાનનો પુત્ર ઓસામા અને ભાઈ હુમેદ-ઉર-રહેમાન દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે.