નવી દિલ્હી: યુક્રેન (Ukraine) સાથે ચાલી રહેલા યુદ્ધ (War) વચ્ચે રશિયાને (Russia) મોટો ઝટકો લાગ્યો છે. રશિયન સેના (Russian Army) પર ભીષણ ગોળીબાર (firing) થયો છે, જેમાં 11 રશિયન સૈનિકોના મોત (Death) થયા છે. 15થી વધુ જવાનો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રશિયાએ તેને આતંકવાદી (Terrorist) હુમલો ગણાવ્યો છે.
2 લોકોએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો છે. બંને રશિયન સેનામાં સ્વયંસેવક તરીકે કામ કરતા હતા. બંને બંદૂકધારી પણ માર્યા ગયા હતા. રશિયન સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગોળીબાર યુક્રેન નજીક આર્મી ફાયરિંગ રેન્જમાં થયો હતો. બંને હુમલાખોરોને રશિયાએ ભૂતપૂર્વ સોવિયત સંઘના નાગરિક ગણાવ્યા છે.
ફાયરિંગ પ્રેક્ટિસ ચાલી રહી હતી
બંને સૈનિકો શનિવારે બાકીના સૈનિકો સાથે ગોળીબારની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે અચાનક જ બાકીના જવાનો પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. રશિયન સૈનિકોએ જવાબી કાર્યવાહીમાં બંનેને મારી નાખ્યા હતા.
યુક્રેનને અડીને આવેલા વિસ્તારમાં બનેલી ઘટના
મળતી માહિતી અનુસાર રશિયાના સંરક્ષણ મંત્રાલયે હુમલા સાથે જોડાયેલી કેટલીક માહિતી શેર કરી છે. તેણે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ રશિયાના બેલગોરોડ વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. આ શહેર યુક્રેનની સરહદને અડીને આવેલું છે.
અનામત સૈનિકોની ભરતી સામે આક્રોશ
હકીકતમાં, યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયામાં, નાગરિકોને સેનામાં ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તાજેતરમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધમાં 3 લાખ અનામત સૈનિકો મોકલવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ યુક્રેનના 4 વિસ્તારોને રશિયા સાથે મર્જ કરવાની યોજના હતી. જે હવે પૂર્ણ થયું છે. પુતિને દલીલ કરી હતી કે લોકોની સલામતી માટે અને રશિયન હસ્તકના વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે અનામત સૈનિકોનું એકત્રીકરણ જરૂરી છે.
વિદેશ ભાગી જવાનો પ્રયાસ કરતા નાગરિકો!
રિઝર્વ સૈનિકોની ભરતી કરવાના પુતિનના નિર્ણયનો રશિયામાં ઉગ્ર વિરોધ થયો હતો. એક તરફ સરહદને અડીને આવેલા અનેક વિસ્તારોના લોકો વિદેશ જઈ રહ્યા હતા, તો ઘણા લોકો ગૂગલ પર હાથ તોડવાના સરળ ઉપાયો શોધી રહ્યા છે. કારણ કે તેઓ આર્મીમાં ભરતી ન થઈ શકે.
આ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો
પુતિનના નિર્ણયનો એટલો વિરોધ થયો હતો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરોધ કરી રહેલા હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. OVD-ઇન્ફો મોનિટરિંગ ગ્રૂપ અનુસાર, 38 અલગ-અલગ શહેરોમાંથી 1,332 લોકોની અટકાયત કરવામાં આવી હતી.