નવી દિલ્હી: અમેરિકામાં ટી-20 વર્લ્ડકપની તૈયારી પુરજોશમાં છે. ભારતીય ક્રિકેટ ટીમ રમવા માટે પહોંચી ગઈ છે. વર્લ્ડકપનો સૌથી રોમાંચક મુકાબલો તા. 9 જૂનના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર છે. આ હાઈ પ્રોફાઈલ મેચ પર આતંકી હુમલાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. આ મેચ પહેલા ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડમાં નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મેચમાં આતંકવાદી હુમલો થઈ શકે છે, તેથી સુરક્ષાકર્મીઓ સંભવિત હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે. આ મેચમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ મેચ માટે મેદાનથી લઈને હવા સુધી પોલીસ બંદોબસ્ત રહેશે.
અહેવાલો અનુસાર ISIS-K (ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન) એ ‘લોન વુલ્ફ’ હુમલાની ધમકી આપી છે. ISIS દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં હુમલાખોરોને મેચ દરમિયાન હુમલો કરવા આદેશ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે નાસાઉ કાઉન્ટીના પોલીસ કમિશનર પેટ્રિક રાયડરે ધમકીની પુષ્ટિ કરી અને સુરક્ષા પગલાં વિશે જણાવ્યું હતું.
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે પણ ભારત-પાકિસ્તાન મેચને લગતી સુરક્ષાને લઈને કહ્યું કે, તે મેચ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે. રાજ્યપાલના કાર્યાલયના નિવેદન અનુસાર, સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ઈન્ટેલિજન્સ અનુસાર, મેચને લઈને હાલમાં કોઈ સુરક્ષા ખતરો નથી.
શું છે લોન વુલ્ફ એટેકે?
‘લોન વુલ્ફ’ હુમલામાં વ્યક્તિ પોતે જ આ કૃત્યની યોજના બનાવે છે અને તેને અંજામ આપે છે. અમેરિકામાં સામાન્ય રીતે ગન, બોમ્બ જેવા હથિયારો વડે આવા હુમલા કરવામાં આવે છે. જ્યારે અન્ય દેશોમાં છરી-ચાકૂનો ઉપયોગ કરાય છે.