National

કનૈયાલાલ હત્યાકાંડ બાદ રાજસ્થાનમાં તણાવ, હિંસા રોકવાનો પ્રયાસ કરનાર પોલીસ પર ઘાતક હુમલો

રાજસ્થાન: ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ(Kanaiyalal)ની હત્યા(Murder) બાદ રાજસમંદ(Rajsamand)માં સ્થિતિ તંગ બની ગઈ છે. ભીમા નગર(Bhima Nagar)માં પોલીસ(Police) અને પ્રદર્શનકારીઓ(Protesters) વચ્ચે અથડામણ થઈ હતી. હત્યાનો પ્રદર્શનકારીઓ વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે દેખાવકારોને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો. ઘટના બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસ કોન્સ્ટેબલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
કેટલાક યુવકોએ તીક્ષ્ણ હથિયારોથી પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. હુમલામાં ભીમ પોલીસ મથકના કોન્સ્ટેબલ સંદીપ ચૌધરી ગંભીર રીતે ઘાયલ થયા છે. જેથી તેમને સારવાર માટે પહેલા બ્યાવર મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની હાલત વધુ ગંભીર હોવાથી અજમેર રિફર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે હત્યા બાદ બંને આરોપીઓની રાજસમંદના ભીમ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ભીડને વિખેરવા કર્યો ગોળીબાર
પોલીસે દેખાવકારોની ભીડને વિખેરવા માટે 10 થી વધુ રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો હતો. લગભગ 8 રાઉન્ડ રબર બુલેટ છોડવામાં આવી હતી. સર્કલ ઇન્સ્પેક્ટર (CI) એ તેમની પિસ્તોલમાંથી ચાર ગોળી ચલાવી હતી. વિરોધીઓની ભીડ એક ખાસ સમુદાયના વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી હતી. જેથી પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. ઘણા લોકો ઘાયલ થયા હતા. રાતથી અત્યાર સુધીમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર 4 વખત બળપ્રયોગ કર્યો છે.

તપાસ NIAને સોંપાઈ
રાજસ્થાન પોલીસે ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલની હત્યાના આરોપી વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં ટ્રાન્સ બોર્ડર કનેક્શન સહિતના ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આ કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. રાજસ્થાનના ડીજીપી એમએલ લાથેરે જણાવ્યું કે, ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલની હત્યાને આતંકવાદી ઘટના ગણીને UAPA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બંને આરોપીઓના અન્ય દેશોમાં સંપર્કો હોવાની માહિતી પણ સામે આવી છે.

SI અને SHO સસ્પેન્ડ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ કહ્યું કે આ ઘટનામાં કેસ UAPA હેઠળ નોંધવામાં આવ્યો છે, તેથી હવે NIA દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. જેમાં રાજસ્થાન એટીએસ સંપૂર્ણ સહકાર આપશે. કન્હૈયાલાલને મળેલી ધમકીના મામલામાં ડીજીપીએ કહ્યું કે, “બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું જ્યારે પોલીસે કાર્યવાહી કરવી જોઈતી હતી.” આ મામલામાં સ્થાનિક પોલીસ સ્ટેશનના SI અને SHOને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top