Sports

આ સ્ટાર ટેનિસ ખેલાડીએ સૌથી વધુ અઠવાડિયા નંબર વન રહેવાનો સ્ટેફી ગ્રાફનો રેકોર્ડ તોડ્યો

પેરિસ : સ્ટાર ટેનિસ ખેલાડી (Tennis player) નોવાક જોકોવિચે માજી દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી સ્ટેફી ગ્રાફના (Steffi Graf) સર્વાધિક સમય સુધી નંબર વન પર રહેવાના રેકોર્ડને વટાવીને પુરૂષ અને મહિલા ટેનિસ ખેલાડીઓમાં સર્વાધિક 378 અઠવાડિયા સુધી નંબર વન રહેવાનો નવો ઇતિહાસ રચ્યો હતો. જોકોવિચે સોમવારે 93 વખતના ટૂર-લેવલ ચેમ્પિયન તરીકે સિદ્ધિ હાંસલ કરવાની સાથે ગ્રાફના રેકોર્ડને વટાવ્યો હતો.

  • એટીપી રેન્કિંગમાં સર્વાધિક સમય નંબર વન રહેવાનો ફેડરરનો રેકોર્ડ જોકોવિચે માર્ચ 2021માં જ તોડ્યો હતો
  • એટીપી અને ડબલ્યુટીએ મળીને તમામ ખેલાડીઓમાં સર્વાધિક સમય નંબર વન રહેવાનો રેકોર્ડ જોકોવિચે બનાવ્યો

22-વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન પહેલાથી જ એટીપી રેન્કિંગના ઇતિહાસમાં સૌથી વધુ અઠવાડિયા માટે નંબર 1 તરીકેનો રેકોર્ડ ધરાવે છે. તેણે માર્ચ 2021 માં રોજર ફેડરરના 310 અઠવાડિયાના રેકોર્ડને વટાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો અને હવે તેણે વિશ્વ રેન્કિંગમાં ટોચ પર 378મા સપ્તાહની શરૂઆત કરીને ગ્રાફને રેકોર્ડને વટાવી દીધો હતો. જોકોવિચે ગત અઠવાડિયે જ નંબર વન પુરૂષ ખેલાડી તરીકે 377માં અઠવાડિયામાં પ્રવેશ કરીને સર્વાધિક સમય સુધી નંબર વન પર રહેવાના સ્ટેફી ગ્રાફના રેકોર્ડની બરોબરી કરી હતી.

મેલબોર્નમાં પોતાનું વિક્રમી 10મું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યા પછી સર્બિયન ખેલાડીએ નંબર વનનું સ્થાન પાછું મેળવ્યું હતું. તે સમયે તેણે રેન્કિંગમા પાંચમા ક્રમેથી સીધો નંબર વન પર જમ્પ લગાવીને એટીપી રેન્કિંગની એક એડિશનથી ઇતિહાસમાં ટોચના સ્થાને પહોંચવા માટેનો સૌથી મોટો જમ્પ માર્યો હતો. 35 વર્ષીય જોકોવિચ એટીપી ટૂર વેબસાઈટ અનુસાર, 4 જુલાઈ, 2011ના રોજ 24 વર્ષ અને 43 દિવસની ઉંમરે પ્રથમ નંબરે પહોંચ્યો હતો.

સૌથી વધુ સમય નંબર વન પર રહેનાર ટેનિસ ખેલાડી
ખેલાડી દેશ અઠવાડિયા
નોવાક જોકોવિચ સર્બિયા 378
સ્ટેફી ગ્રાફ જર્મની 377
માર્ટિના નવરાતિલોવા અમેરિકા 332
સેરેના વિલિયમ્સ અમેરિકા 319
રોજર ફેડરર સ્વિટ્ઝરલેન્ડ 310

Most Popular

To Top