સુરત: (Surat) સુરત મનપા દ્વારા બનાવાયેલા ભેસ્તાન અને વડોદ આવાસોમાં સમયસર ફાળવણી થઇ નથી. આથી તેમાં અસામાજિક તત્ત્વો દ્વારા કબજો જમાવી દેવાયો હોવાની બૂમ અવારનવાર ઊઠી હતી. ત્યારે હવે માન દરવાજા ટેનામેન્ટમાં (Man Darwaja Tenement) પણ પાલિકા દ્વારા સરવેની કામગીરી દરમ્યાન બહાર આવ્યું છે કે આ મકાનોમાં (House) અસામાજિક તત્વો ઘૂસી ગયા હતા. એટલું જ નહીં કેટલાય આવાસોનો ગોડાઉન તરીકે ઉપયોગ શરૂ કરી દેવાયો હતો. મનપાના વડોદ આવાસના 333 ફ્લેટમાં ગેરકાયદે ઘૂસી ગયેલા પરિવારોને પાલિકા (Municipal Corporation) દ્વારા ખદેડી દેવાયા હતા.
માન દરવાજા ટેનામેન્ટના અસરગ્રસ્તોને વડોદના આવાસમાં સ્થળાંતર કરવાનું હોવાથી રિપેરિંગ કરવાનું હોવાથી મનપા દ્વારા સરવે કરાયો ત્યારે એવું બહાર આવ્યું હતું કે, અનેક આવાસોમાં તો અસામાજિક તત્ત્વોનો કબજો છે. આથી શુક્રવારે મનપાના તમામ ઝોનના સ્ટાફ તેમજ પોલીસ અધિકારીઓ અને કુમક સાથે આ ફ્લેટ ખાલી કરાવવા કોમ્બિંગ કરાયું હતું. આ આવાસોમાં છેલ્લાં અઢી વર્ષથી આ લોકો ઘૂસી ગયા હતા. કેટલાક આવાસોમાં રહેતા હતા, તો કેટલાક આવાસોનો સામાન રાખવા માટે ગોડાઉન તરીકે પણ ઉપયોગ થતો હતો.
- મનપાના વડોદ આવાસના 333 ફ્લેટમાં ગેરકાયદે ઘૂસી ગયેલા પરિવારોને ખદેડાયા
- તમામ ઝોનના સ્ટાફ, ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસની કુમક સાથે ઓપરેશન હાથ ધરાયું
- ભારે વિરોધ અને હોબાળા વચ્ચે બે વર્ષથી માથાભારે લોકોએ કબજે કરેલા ફ્લેટ ખાલી કરાવાયા
વિસ્તૃત વિગતો મુજબ વડોદ હેલ્થ સેન્ટરની પાસે, સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરાયેલાં આવાસોમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદે કબજો કરી વસવાટ કરાતો હોવાથી આ તમામ ગેરકાયદે વસવાટ ધરાવનારનો આવાસોમાંથી કબજો દૂર કરવા મનપાના તમામ ઝોન મળી અધિકારીઓ તેમજ કર્મચારીઓના 300થી વધુના સ્ટાફ તેમજ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સહિત સ્ટાફ દ્વારા મોટા પાયે ઓપરેશન હાથ ધરાયું હતું.
વસવાટ માલ-સામાન સહિત ખાલી કરાવવાની કામગીરી સ્થળ પર શરૂ કરાતાં ગેરકાયદે કબજો કરનાર ઈસમોએ કામગીરીમાં વિક્ષેપ કરવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ સ્થળ પર હાજર પાંડેસરા પોલીસ દ્વારા કડક વલણ અપનાવાયું હોવાથી કુલ 333 આવાસમાંથી ગેરકાયદે વસવાટ તથા કબજો માલસામાન સહિત દૂર કરી આ તમામ આવાસોને સીલ કરી સ્લમ અપગ્રેડેશન સેલ દ્વારા આ તમામ આવાસોનો કબજો લેવામાં આવ્યો હતો.