SURAT

ગોતાલાવાડી ટેનામેન્ટ વિવાદ: મનપા દ્વારા હાલ સ્વભંડોળમાંથી અસરગ્રસ્તોને ભાડું ચૂકવવા દરખાસ્ત

સુરત: (Surat) ગોતાલાવાડી ટેનામેન્ટમાં સ્લમ રિ-ડેવલપમેન્ટ સ્કીમ (Tenement Redevelopment Scheme) અંતર્ગત 1304 પરિવારના ફ્લેટ ખાલી કરાવીને હવે આર્કોલોજી વિભાગની એનઓસી સહિતના મુદ્દે પ્રોજેક્ટ અટવાઇ ગયો હતો તેમજ આ મુદ્દાઓનું નિરાકરણ આવી ગયા બાદ પણ ઇજારદાર એજન્સી જે.પી.ઇસ્કોન દ્વારા હાથ ઊંચા કરી દેવાતાં મનપા દ્વારા તેને બ્લેકલિસ્ટ કરી દેવાયા છે. જો કે, આ મુદ્દે ઇજારદાર એજન્સીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેથી અહીંના લાભાર્થીઓની હાલત કફોડી બની ગઇ હતી.

  • બ્લેકલિસ્ટ કરાયેલા ઇજારદાર જે.પી.ઇસ્કોનની અન્ય પ્રોજેક્ટમાં પણ મનપા પાસે સિક્યુરિટી ડિપોઝિટ પડી હોવાથી તેને જપ્ત કરી ચૂકવણું કરી શકાય કે નહીં તે શક્યતા પણ ચકાસાશે
  • જે નવા ઇજારદારને આ પ્રોજેક્ટ સોંપાશે તેની પાસેથી પણ મનપા દ્વારા ચૂકવાયેલા ભાડાને રિઇમ્બેસમેન્ટ કરાશે

ગોતાલાવાડી ટેનામેન્ટના લાભાર્થીઓની હાલત કફોડી બની છે. પ્રોજેક્ટ આગળ વધવાના ઠેકાણા નથી ત્યાં હવે ભાડાની રકમને લઈને પણ લાભાર્થીઓમાં ચિંતા વ્યાપી છે. કેમ કે, જ્યાં સુધી પ્રોજેક્ટ સાકાર ના થાય ત્યાં સુધી આ લોકોને ઇજારદાર દ્વારા ભાડું આપવાની શરત હતી. પરંતુ ઇજારદાર પાસેથી અત્યાર સુધીમાં માત્ર સાત માસના જ ભાડાં આપ્યાં હતાં અને ત્યાર બાદ મનપાએ આ એજન્સીની જપ્ત કરાયેલી સિક્યુરિટી ડિપોઝિટમાંથી ભાડા ચૂકવવાનું શરૂ કર્યું હતું.

જો કે, હવે આ ભંડોળ પણ ખૂટવાનું છે અને પ્રોજેક્ટ આગળ વધવાનાં કોઇ ઠેકાણાં નથી ત્યારે મનપા દ્વારા સ્વભંડોળમાંથી ભાડા આપવા અને પાછળથી જે નવા ઇજારદારને આ પ્રોજેક્ટ સોંપાય તેની પાસેથી રિઇમ્બેસમેન્ટ કરવા તેમજ બ્લેકલિસ્ટ કરાયેલી એજન્સીની અન્ય પ્રોજેક્ટની સિક્યુરિટી ડિપોઝિટ પણ જપ્ત કરાયેલી હોય તેમાંથી આ ચૂકવણું ચાલુ રાખી શકાય કે કેમ તે બાબતે પણ શક્યતા ચકાસાશે. હાલ પૂરતા દર માસ જે 91 લાખની રકમ ભાડા પેટે ચૂકવાય છે તે મનપાના સ્વભંડોળમાંથી ચૂકવવાની મંજૂરી માંગતી દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે.

Most Popular

To Top