Dakshin Gujarat

તેન ગ્રામ પંચાયતની સસ્તા અનાજની દુકાન જૂની જગ્યાએ ફરીથી શરૂ કરો

બારડોલી તાલુકાના તેન ગામની સસ્તા અનાજની દુકાનને છેલ્લાં પાંચ વર્ષથી GIDCમાં ખસેડવામાં આવતાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગ્રામજનોએ આ મુદ્દે સોમવારે બારડોલી મામલતદારને આવેદનપત્ર આપી અગાઉની જગ્યા પર જ ફરીથી સસ્તા અનાજની દુકાન શરૂ કરવાની માંગ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર તેન ગામના નવા ફળિયા અને ગૌચર ફળિયાના રહેવાસીઓએ મામલતદારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, બંને ફળિયામાં છેલ્લાં પાંચ વર્ષથી સસ્તા અનાજની દુકાન પર અનાજ લેવા માટે તેન GIDC જવું પડે છે. આ દુકાન તેમના ફળિયાથી અઢીથી પાંચ કિમી જેટલું અંતર થાય છે. આ ઉપરાંત ત્યાં જવા માટે રસ્તો પણ ખરાબ હોય ચોમાસામાં જવું મુશ્કેલ થઈ પડે છે. ગ્રામજનોની માંગ છે કે, પાંચ વર્ષ અગાઉ ગ્રામ પંચાયતની નજીકમાં દુકાન હતી તો ત્યાં જ દુકાન ફરીથી શરૂ કરવામાં આવે તો ગામના તમામ લોકો તેનો સરળતાથી લાભ લઈ શકે એમ છે. ગ્રામજનોએ અનેક વખત ગ્રામ પંચાયતને પણ રજૂઆત કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં આખરે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top