આણંદ : ઓડ નગરપાલિકાના ચીફ ઓફિસરે વેરા વસુલાત બાબતે કર્મચારીઓને આપેલા લક્ષાંક અંગે બેઠક યોજી હતી. જેમાં એક કર્મચારી ઉશ્કેરાઇ ગયો હતો અને ધાક ધમકી આપી હતી. આ અંગે ચીફ ઓફિસરે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓડ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશભાઈ બ્રહ્મભટ્ટ 30મી જાન્યુઆરી,23ના રોજ ફરજ પર હાજર હતાં. તેઓએ ઓડ નગરપાલિકાના હંગામી કર્મચારીને મૌખીક તથા લેખીત રીતે વેરા વસુલાતની વોર્ડ વાઇઝ ફરજ સોંપી હતી.
જેથી સોમવારના રોજ સાંજના સાત સાડા સાતેક વાગ્યાના સમયે તેઓએ વેરા વસુલાત બાબતે ફરજના ભાગરૂપે શું કામગીરી થઇ છે. તે બાબતે કર્મચારીને ઓફિસમાં બોલાવી તેમની પાસેથી રીવ્યુ લીધો હતો. તે દરમિયાન પાલિકામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ રાઉલજીની વેરા વસુલાતની કામગીરી સારી ન હોવાથી તેને આ બાબતે રીવ્યની ચર્ચા દરમિયાન કામગીરીમાં સુધારો કરવા તાકીદ કરી હતી. જેથી હરપાલસિંહ અચાનક ઉશ્કેરાઇ ગયો હતો અને સમગ્ર સ્ટાફ વચ્ચે વેરા વસુલાતની કામગીરી બાબતે ઉશ્કેરાઇ જઇ અપશબ્દ બોલી ચીફ ઓફિસર હરેશ બ્રહ્મભટ્ટને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
હું ઓડનો દાદો છું. તું ઓફિસ બહાર આવ તારા ટાંટીયા ભાંગી નાંખીશ. તેમ કહી જતો રહ્યો હતો. બાદમાં દસથી પંદર મિનિટ વિત્યા પછી એકદમ પાછો ચીફ ઓફિસરની ઓફિસ બાજુ આવ્યો હતો અને તેની પાછળ તેના ઓળખીતા માણસો પણ તેની પાછળ પાછલ આવ્યાં હતાં. હરપાલસિંહના આ તાયફાથી અન્ય કર્મચારીઓ પણ થોડા સમય માટે ડઘાઇ ગયાં હતાં. આખરે હરપાલસિંહને અન્ય કર્મચારીએ સમજાવી પાછો મોકલી દીધો હતો. આ અંગે ખંભોળજ પોલીસે હરપાલસિંહ રાઉલજી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવના પાલિકા પરિસરમાં ઘેરા પડઘા પડ્યાં હતાં.
અસામલીમાં વીજચોરી કરતાં પકડાયેલાં શખ્સે અધિકારી સાથે બોલાચાલી કરી
નડિયાદ: માતર તાલુકાના અસામલી ગામના એક રહીશે ઘર નજીકના વીજથાંભલા પરથી ડાયરેક્ટ કનેક્શન લઈ, વીજચોરી કરી હોવાનું વીજતંત્રની ટીમના ધ્યાને આવ્યું હતું. જેથી વીજતંત્રની ટીમે કાર્યવાહી કરતાં, આ શખ્સે ગમેતેમ અપશબ્દો બોલી ફરજમાં અડચણ ઉભી કરી હતી. ખેડા પેટા વિભાગીય વિજકચેરીના જુનિયર ઈજનેર ધવલભાઈ પટેલ, ઈલેક્ટ્રીક આસીસ્ટન્ટ આઈ.એસ.પઠાણ સહિતની ટીમે ગત તા.૨૫-૧-૨૩ ના રોજ સવારના સમયે માતરના અસામલી ગામમાં વીજચેકીંગ હાથ ધર્યું હતું.
દરમિયાન ગામમાં આવેલ નવી વસાહતમાં રહેતાં વિનુભાઈ કાનાભાઈ ડાભીએ પોતાના ઘર નજીક આવેલા લાઈનના સિમેન્ટના થાંભલા પરથી પીળા કલરના વાયરની મદદથી પોતાના ઘરમાં ડાયરેક્ટ કનેક્શન લઈ વીજચોરી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી વીજતંત્રની ટીમે વિનુભાઈ ડાભી વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન ઉશ્કેરાયેલાં વિનુભાઈએ ગમેતેમ અપશબ્દો બોલી વીજતંત્રની ટીમ સાથે બોલાચાલી કરી, ફરજમાં અડચણ ઉભી કરી હતી. આ મામલે એમ.જી.વી.સી.એલના નાયબ ઈજનેર રાજેન્દ્રભાઈ ગોવિંદભાઈ શર્માની ફરીયાદને આધારે માતર પોલીસે વિનુભાઈ કાનાભાઈ ડાભી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.