Business

બજેટ 2023: મધ્યમવર્ગને મોટી રાહત, 7 લાખની આવક સુધી હવે નહીં ભરવો પડે ઈન્કમટેક્સ

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે તા. 1 ફેબ્રુઆરી 2023ના રોજ વર્ષ 2023-24 માટે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું. આ સામાન્ય બજેટને નાણામંત્રીએ અમૃતકાલની શરૂઆત ગણાવી છે. મંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વની 5 મી અર્થવ્યવસ્થા બન્યું છે. આ બાજટે પર્સનલ ટેક્સ માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. કરછૂટમાં 3 લાખની મર્યાદા કરાય. ટેક્સ સ્લેબ સાતથી ઘટાડી પાંચ કરાઈ. તેથી હવે 7 લાખ આવક ધરાવતા લોકોએ ટેક્સ ભરવો પડશે નહીં.

આવક વેરો %
0 થી ત્રણ લાખ 0 ટકા
3 થી 6 લાખ 5 ટકા
6 થી 9 લાખ 10 ટકા
9 થી 12 લાખ 15 ટકા
12 થી 15 લાખ 20 ટકા
15 લાખથી વધુ 30%

બજેટમાં ઈનકમટેક્સ પર સૌ કોઈની નજર હતી. ત્યારે નાણામંત્રીએ મધ્યવર્ગીને ઈન્કમટેક્સમાં રાહત આપી હતી. આ બજેટમાં કર છૂટમાં 3 લાખની મર્યાદાની જાહેરાત કરવામાં આવી હતી. તેથી હવે 0થી 3 લાખ આવક ધરાવતો લોકોએ કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી અને ત્યારે બાદ 3થી 6 લાખ આવક ધરાવતા લોકોને 5 ટકા, 6થી 9 લાખ આવકને 10 ટકા, 9થી 12 લાખ આવકને 15 ટકા, 12થી 15 લાખ આવકને 20 ટકા અને 15 લાખથી વધુ આવક ધરાવતા લોકોને 30 ટકા ટેક્સ ભરવો પડશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં મોંઘવારી પર કાબૂ મેળવવા માટે મોટી અને અગત્યની જાહેરાતો કરી છે. આ બજેટમાં અર્થતંત્રને વેગ આપવા માટે નાણામંત્રીએ સીતારમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણી યોજનાને પ્રોત્સાહન આપ્યું છે. નિર્મલા સીતારમણે આ બજેટને અમૃતકાળનું બજેટ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકારી યોજનાનો લાભ પ્રજાથી પહોંચી રહ્યો છે. મફત અન્ન યોજનામાં 1 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવશે. કોરોના સમયગાળા દરમિયાન કોઈ ભૂખ્યું ન સૂવે તેથી સરકારે 2 લાખ કરોડ રૂપિયા ખર્ચીને દરેક વ્યક્તિને અનાજ સુનિશ્ચિત કર્યું હતું. મહિલા અને યુવાનો માટે પણ આ બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. સાક્ષારતા અને રોજગારીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

નિર્મલા સીતારમણે જાહેરાત કરતા કહ્યું કે દેશની અર્થતંત્ર નવ વર્ષમાં 10માંથી પાંચમાં સ્થાને પહોંચ્યું છે. તેમણે કહ્યું કે ડિજિલટ લેન-દેનમાં ભારત આગળ છે. તેથી ભારતને વધુ ડિજિટલ બનાવવાના પ્રયાસો હાથ ધરાશે. ખેડૂતોને ખેતી માટે ફંડ, બાગયતી ખેતી માટે રૂપિયા 2200 કરોડની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ સહાય અપાશે.

નાણામંત્રીએ ખેડૂતો માટે કરી આ મોટી જાહેરાતો
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે, યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડ બનાવવામાં આવશે. અહીં જાણો ખેડૂતો માટે અન્ય કઈ કઈ જાહેરાતો કરવામાં આવી હતી.

એકલવ્ય શાળાઓમાં 38 હજારથી વધુ ભરતી થશે
આગામી 3 વર્ષમાં કેન્દ્ર સરકાર 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓ માટે 740 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 689 EMRSને મંજૂરી આપવામાં આવી છે અને તેમાંથી 394 કાર્યરત છે. 2014 થી હાલની 157 મેડિકલ કોલેજો સાથે મળીને 157 નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે. શાળાઓ માટે 38,800 શિક્ષકો અને સહાયક સ્ટાફની નિમણૂક કરશે. યુવાઓને આંતરરાષ્ટ્રિય તકો માટે કુશળ બનાવવા માટે વિવિધ રાજ્યોમાં 30 સ્કિલ ઈન્ટરનેશનલ ઈન્ટરનેશનલ સેન્ટર સ્થાપિત કરાશે. યુવાનોને ગ્લોબલ સ્તરે ટ્રેનિંગ અપાશે. 47 લાખ યુુવાનોને 3 વર્ષ સુધી ભથ્થું આપવામાં આવશે. સ્કીલ ઈ્ન્ડિયામાં 30 સેન્ટરની શરૂઆત કરાશે.

રેલવેની નવી યોજના માટે 75 હજાર કરોડ ફંડ, રેલવે માટે 2.4 લાખ કરોડનો ખર્ચ થશે. દેશમાં 50 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે જ કર્ણાટકમાં દુકાળની રાહત માટે 5300 કરોડ અપાશે. પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફન્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આધારને સરનામાનં પ્રમાણપત્ર માનવામાં આવશે, જ્યારે પાન કાર્ડને વેપાર કરવાનો મુખ્ય આધાર ગણવાની જાહેરાત નાણામંત્રીએ કરી હતી. વેપારી માટે પાનકાર્ડ જ એકપ્રકારનો ઓળખકાર્ડ ગણાશે. કેવાયસીની પ્રક્રિયા સરળ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

તેમજ ડિજીલોકરના દસ્તાવેજો માન્ય ગણાશે. ઈ-ઉર્જાની દિશામાં આગળ વધતા બેટરીના ઉપયોગ વધારવા પર ભાર મુકાયો છે. એન્જિયિનરીંગ કોલેજોમાં 100 5જી લેબ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બાળકો માટે તમામ રાષ્ટ્રીય કક્ષાની ડિજીટલ લાઈબ્રેરી બનાવાશે. તમામ પ્રકારની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાની મોટી જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત રેલવે માટે 2.4 લાખ કરોડનો ખર્ચ કરાશે. રેલવેની નવી યોજનાઓ પાછળ 75 હજાર કરોડના ફંડની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં 50 નવા એરપોર્ટ બનાવાશે. નિષ્ફળ લઘઉ ઉદ્યોગો માટે રિફંડની સ્કીમ શરૂ કરાશે. એમએસએમઈ માટે નવી યોજના લાગુ કરાશે.

બજેટ પહેલા શેરબજારમાં ઉછાળો
બજેટ પહેલા શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 453.16 પોઈન્ટ વધીને 60,003.06 પર પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી 116.65 પોઈન્ટ વધીને 17,778.80 પર પહોંચ્યો હતો.

નિર્મલા સીતારમણ સવારે 8:30 વાગ્યે નાણામંત્રાલય પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિને બજેટની પ્રથમ કોપી સોંપી હતી. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ બજેટને મંજૂરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક સંસદમાં પૂર્ણ થઈ હતી.. કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવી છે.

મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બજેટને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થવા જઈ રહ્યું છે જ્યારે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓ ધીમી પડી ગઈ છે અને સંભવિત મંદી તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વની નજર મોદી સરકારના બજેટ પર ટકેલી છે. બીજી તરફ સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં વિકાસ દર 6-6.8% રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ગણવામાં આવી રહી છે.

Most Popular

To Top