Madhya Gujarat

ડાકોરમાં નિર્માણાધીન બ્રિજ નીચે ટેમ્પી પલ્ટી

ડાકોર: ડાકોરમાં નિર્માણાધીન ફ્લાય ઓવરબ્રિજના ખખડધજ સર્વિસ રોડ પરના ખાડા પુરવામાં તંત્રની લાપરવાહીને કારણે એક ટેમ્પી પલ્ટી ખાઈ ગઈ હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા અંદાજિત રૂપિયા ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે બસસ્ટેન્ડ નજીક ચોકડી ઉપર ત્રિપાંખીયો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ, તંત્ર દ્વારા યોગ્ય સર્વિસ રોડ બનાવવામાં આવ્યો ન હોવાથી છેલ્લાં દોઢ વર્ષ કરતાં વધુ સમયથી હજારો નગરજનો તેમજ લાખો યાત્રાળુઓને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર ધરાવતો આ સર્વિસ રોડ હાલ, ચોમાસામાં સાવ ધોવાઈ ગયો છે. નાના વાહનો આખેઆખા સમાઈ જાય તેટલા મોટા ખાડાઓ પડી ગયાં છે. આ માર્ગ પરથી આર.એન્ડ.બી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય સહિતના કહેવાતા નેતાઓ દરરોજ પસાર થતાં હોય છે. પરંતુ, તેઓને મોંઘીદાટ ગાડીઓમાં ખાડાની બહુ ખાસ અસર થતી નથી. જોકે, બીજી બાજુ આ જ માર્ગ પર ખાડાઓને કારણે નાના વાહનો પટકાવાના તેમજ પલ્ટી ખાઈ જવાના બનાવો બની રહ્યાં છે.

આર.એન્ડ.બી ના અધિકારી અને ધારાસભ્યની ઓફિસ આ નિર્માણાધીન બ્રિજની સામે જ આવેલી હોવાથી તેઓ આ અકસ્માતો નજરે જોતાં પણ હોય છે. તેમછતાં અતિબિસ્માર સર્વિસ રોડના ખાડા પુરવામાં આવતાં ન હોવાથી, જાણે કે ભ્રષ્ટ અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને નેતાઓને અકસ્માતો થતાં જોવાની મજા આવતી હોય તેમ લાગી રહ્યું છે. આ મામલે જાગૃત નાગરીકો દ્વારા પણ અનેકોવાર રજુઆતો કરવામાં આવી છે.

પરંતુ, નઘરોળ તંત્ર અને નેતાઓ દ્વારા આ રજુઆતો ધ્યાને લેવામાં આવતી નથી. જેથી અકસ્માતો દિનપ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે, ગુરૂવારના રોજ આ અતિબિસ્માર સર્વિસ રોડ ઉપર પસાર થતી એક ટેમ્પી મસમોટા ખાડાને કારણે પલ્ટી જતાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ટેમ્પી અને તેમાં ભરેલ માલ-સામાનને નુકશાન પહોંચ્યું હતું. આ માર્ગ પરના દુકાનદારોના જણાવ્યાં મુજબ અઠવાડિયામાં ત્રણથી ચાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. આવનારા સમયમાં કોઈ મોટી જાનહાનિ ના બને તે માટે તંત્ર દ્વારા વહેલીતકે નવો સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અધિકારીઓ કોન્ટ્રાક્ટરને સાચવે છે
આ બાબતે કલ્પેશ પરમાર જણાવે છે કે આર એન્ડ બી.ના અધિકારીની ધોર બેદરકારી છે. અધિકારીઓ કોન્ટાક્ટરને સાચવે છે. જો તંત્ર આવી જ રીતે કામ કરશે તો આવનાર સમયમાં મોટો અકસ્માત સર્જાશે. માટે વહેલી તકે સર્વિસ રોડ બનાવવો જોઈએ.

બે લાખ રૂપિયાના સફરજન ખરાબ થઈ ગયાં
આ મામલે ટેમ્પી ચાલક જણાવે છે કે, હું નડિયાદથી સફરજન ભરેલી ટેમ્પી લઈને આવતો હતો. દરમિયાન ડાકોર બસસ્ટેન્ડ નજીક બની રહેલાં ઓવરબ્રિજના સર્વિસ રોડ પરના ખાડામાં ટેમ્પી પલ્ટી ખાઈ ગઈ હતી. જેને પગલે ટેમ્પીમાં ભરેલ બે લાખ રૂપિયાનો સફરજનનો માલ ખરાબ થઇ ગયો છે.

Most Popular

To Top