વ્યારા: વ્યારાના (Vyara) કાટીશકૂવાદુર ગામની સીમમાં સ્મશાનની (Cemetery) સામે વ્યારા-ઘાટા રોડ તા.૨૦મી ફેબ્રુઆરીએ સવારે ૧૧:૪૫ વાગ્યાના અરસામાં ટેમ્પો (Tempo) અને બુલેટ (Bullet) વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બુલેટસવારનું કરુણ મોત (Death) નીપજ્યું હતું, જેમાં એક ઘવાયો હતો. ટેમ્પોચાલક અકસ્માત કરી ભાગી છૂટ્યો હોય તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે.
નર્મદાના ડેડિયાપાડા ખાતે ચીગદામાં દેવજી ફળિયામાં રહેતો આશીષ રવિશંકર વસાવા (ઉં.વ.૨૫) રાજકોટ ખાતે આવેલી પંચશીલ બીએડ કોલેજમાં બીજા વર્ષમાં બીએડનો અભ્યાસ કરતો હોવાથી બીજું સત્ર પૂર્ણ થતાં છેલ્લા બે અઠવાડિયાથી ઇન્ટર્નશીપ માટે ઘરે આવ્યો હતો. પોતાના મિત્ર પીયૂષ શંકર ગામીત ફોટો-વિડીયોગ્રાફીનો સ્ટુડિયો ચલાવતા હોય અને હાલ લગ્નની સિઝન હોવાથી તેઓના ઘરે છેલ્લા એકાદ અઠવાડિયાથી તેના મદદ માટે આવ્યો હતો. સવારના અગિયારેક વાગે તેઓ મિત્ર પીયૂષ સાથે બુલેટ મો. GJ-26-AA-0854 લઈને ખુટાડિયા ગામે લગ્ન પ્રસંગ હોવાથી ફોટાના ઓર્ડર માટે નીકળ્યા હતા. એ વખતે આ બુલેટ મિત્ર પીયૂષ ચલાવતો હતો.
પોણા બારેક વાગેના અરસામાં કાટીશકૂવાદુર ગામ પાસે સ્મશાનની સામેથી પસાર થતાં વ્યારા-ઘાટા રોડ ઉપર ટર્ન પાસે આવતાં એક ટેમ્પોચાલક પૂરઝડપે પોતાનો ટેમ્પો વ્યારા તરફથી હંકારી લાવી બુલેટને આગળના ભાગે ધડાકાભેર ટક્કર મારતાં બુલેટ સાથે બંને મિત્ર રોડ ઉપર ફેંકાઇ ગયા હતા. જેમાં આશીષને ગંભીર ઇજા થઈ હતી. જ્યારે પીયૂષનું માથું ફાટી જતાં મોત નીપજ્યું હતું. અકસ્માત કરનાર ટેમ્પો નં.(GJ- 05- BT-8096)નો ચાલક પોતાનો ટેમ્પો સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો.
વ્યારાના મગદુમનગર પાસે બે બાઇક ધડાકાભેર અથડાતાં એક મહિલા સહિત બેનાં મોત
વ્યારા: વ્યારાથી કાકરાપાર તરફ જતા રોડ ઉપર મગદુમનગરમાં પશુ આહારની સામે તા.૨૦મી ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યાના અરસામાં બે બાઇકો વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવાર બેનાં મોત થયાં હતાં. જ્યારે બાઇકસવાર ૬ વર્ષિય બાળકી સહિત એક બાઇકચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. સુરતના માંડવીના મોટીચેર ગામે પેટિયા ફળિયામાં રહેતા અંકિત કના ચૌધરી ભીતુ ગુમાન ચૌધરી અને ૬ વર્ષની બાળકી પ્રિયાંશીને હીરો સ્પ્લેન્ડર બાઇક નં.(GJ.19-BB-3749) ઉપર બેસાડીને રૂપવાડાથી મોટીચેર તરફ જઈ રહ્યા હતા. ત્યારે કાકરાપાર તરફથી યુનિકોર્ન બાઇક નં.(GJ.26-P-7041)ના ચાલક રવિન્દ્ર વેચ્યા ગામીત (ઉં.વ.૪૭) (રહે.,ખડકા ચીખલી, તા.સોનગઢ)એ સ્પીડમાં દોડતી મોટરસાઇકલનું બેલેન્સ ગુમાવી હીરો સ્પ્લેન્ડર મો.સા. સાથે ધડાકાભેર અથડાવી હતી. જેમાં અંકિત ચૌધરીની બાઇક રોડ ઉપર ફેંકાઈ જતાં પાછળ બેસેલાં ભીતુ ચૌધરીનું માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે અંકિતને માથામાં ઇજા સાથે પગમાં ફ્રેક્ચર થયું હતું. બાળકી પ્રિયાંશીને કપાળના ભાગે તથા જમણા પગે ઇજા થઈ હતી. તો રવિન્દ્ર ગામીતને માથામાં ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં રવિન્દ્ર ગામીત વિરુદ્ધ ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.