નવી દિલ્હી: ભાજપના (BJP) નેતા અમિત માલવિયાએ તેમના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી કહેતા જોવા મળી રહ્યા છે કે આજે કયા વિષય પર બોલવું, તેમજ શું કહેવું છે? શુક્રવારે રાહુલ ગાંધી (Rahul Gandhi) બે દિવસીય પ્રવાસ માટે તેલંગાણા (Telangana) પહોંચ્યા હતા. રાહુલ ગાંધી વારંગલમાં ખેડૂતોના મુદ્દાઓ પર જનસભાને સંબોધવાના હતા. તે પહેલા તેમણે પૂછ્યું હતુ કે આજનો વિષય શું છે, અને બોલવાનુ શું છે?
તેલંગાણા રાજ્યમાં ખેડૂતોના એક કાર્યક્રમને સંબોધિત કરતા પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ જ્યારે તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે કોઇએ તેમનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ 17 સેકન્ડની વીડિયો ક્લિપમાં રાહુલ ગાંધી ખુરશી પર બેઠેલા અને અન્ય નેતાઓને પૂછતા જોઈ શકાય છે કે આજનો મુખ્ય વિષય શું છે… મારે શું કહેવું છે?
માલવિયાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો
અમિત માલવિયાએ ટ્વિટર પર વિડિયો શેર કર્યો અને કહ્યું કે શુક્રવારે રાહુલ ગાંધી તેલંગાણામાં તેમની રેલી પહેલા પૂછે છે કે થીમ શું છે, શું બોલવું? જ્યારે ખાનગી વિદેશ યાત્રાઓ અને નાઈટક્લબિંગ વચ્ચે રાજકારણ કરવામાં આવે ત્યારે આવું થાય છે. હકીકતમાં તો અમિત માલવિયા તાજેતરના વાયરલ વીડિયોનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં રાહુલ ગાંધી નેપાળના કાઠમંડુની એક લોકપ્રિય નાઈટક્લબમાં જોવા મળ્યા હતા. સોમવારે તેઓ તેમની પત્રકાર મિત્ર સુમનિમા ઉદાસીના લગ્નમાં હાજરી આપવા માટે નેપાળની રાજધાનીની મેરિયટ હોટેલમાં દેખાયા હતા.
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ બીજેપીને સલાહ આપી
ભાજપ નેતાના આવા ટ્વીટ બાદ કોંગ્રેસ પણ ચુપ ન રહી. અમિત માલવિયાના આ ટ્વીટનો જવાબ આપતા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ બીજેપીને સલાહ આપી કે કોઈપણ કારણ વગર કોંગ્રેસના નેતાની પાછળ જવાને બદલે અન્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે. સુરજેવાલાએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી તેમના મિત્રના લગ્નમાં હાજરી આપવા કાઠમંડુમાં હતા. તેઓ ત્યાં અંગત મુલાકાતે ગયા હતા. તો શા માટે ભાજપ વીજળી સંકટ, મોંઘવારી સંબંધિત પ્રશ્નોના જવાબ નથી આપી રહ્યા?
અગાઉ પણ રાહુલ ગાંધીનો વીડિયો થયો વાયરલ
અગાઉ નેપાળની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક પબનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે રાહુલ ગાંધી અંગત પ્રવાસે હતા. આ દરમિયાન તેઓ એક પબમાં પાર્ટી કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોને લઈને ભાજપે કોંગ્રેસના નેતા પર આકરા પ્રહારો કર્યા હતા. બીજેપી સોશિયલ મીડિયા ઈન્ચાર્જ અમિત માલવીયએ ટ્વીટ કર્યું હતુ કે જ્યારે મુંબઈ પર હુમલો થયો ત્યારે પણ રાહુલ ગાંધી નાઈટ ક્લબમાં હતા. જ્યારે જ્યારે તેમની પાર્ટી મુશ્કેલીમાં હોય છે ત્યારે તેઓ નાઈટ ક્લબમાં હોય છે