ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં એક વધુ મોટું પગલું ભરાયું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે તા. 17 ઓક્ટોબરના રોજ નાસિકમાં હિન્દુસ્તાન એરોનોટિક્સની નવા ઉત્પાદન સુવિધામાંથી બનેલ તેજસ LCA MK-1A ફાઇટર એરક્રાફ્ટનું ઉદ્ઘાટન કર્યું.
સંરક્ષણ પ્રધાને ‘LCA MK1A ની ત્રીજી પ્રોડક્શન સીરીઝ’ અને ‘HTT-40 એરક્રાફ્ટની બીજી પ્રોડક્શન સીરીઝ’નું પણ ઉદ્ઘાટન કર્યું. તેજસ MK-1A એ આજે નાસિકથી પહેલી વાર ઉડાન ભરી. આ ઉત્પાદન ભારતીય વાયુસેનાની એકંદર તાકાત અને ક્ષમતામાં વધારો કરશે. રાજનાથ સિંહે આજે આ ફાઇટર એરક્રાફ્ટની પહેલી ઉડાન જોઈ. તેમણે કહ્યું કે “આજે તેમની છાતી ગર્વથી ફૂલી ગઈ છે”.
આ નવી લાઇનની સ્થાપનાથી HALની ઉત્પાદન ક્ષમતા વધીને દર વર્ષે 24 વિમાનો સુધી પહોંચી જશે. હાલ બેંગલુરુની બે યુનિટ્સ મળીને 16 વિમાનોનું ઉત્પાદન કરે છે. જ્યારે નાસિકની નવી સીરીઝ વર્ષે 8 નવા વિમાનો ઉમેરશે. આ પ્લાન્ટ રૂ. 150 કરોડથી વધુના ખર્ચે બનાવાયો છે અને ભારતીય વાયુસેનાની શક્તિમાં નવો ઉમેરો કરશે.
ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં રાજનાથ સિંહે કહ્યું “નાસિકની આ ભૂમિ માત્ર શ્રદ્ધાનું પ્રતીક નથી પણ આત્મનિર્ભર ભારતનું પણ પ્રતીક છે. આજે મેં જ્યારે સુખોઈ-30, LCA અને HTT-40 વિમાનોની ઉડાન જોઈ. ત્યારે મારી છાતી ગર્વથી ફૂલી ગઈ. આ ભારતની સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની ઉડાન છે.”
રાજનાથ સિંહે ઉમેર્યું કે “જે વિદેશથી ખરીદતા હતા હવે આપણે ભારતમાં જ બનાવી રહ્યા છીએ.” તેમણે જણાવ્યું કે ભારતે ફાઇટર એરક્રાફ્ટ, મિસાઇલ, એન્જિન અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ જેવા ક્ષેત્રોમાં વિશ્વસ્તર પર પ્રગતિ કરી છે.
તેજસ MK-1Aની વિશેષતાઓ
તેજસ MK-1A એ 4.5 પેઢીનું બહુ-ભૂમિકા ધરાવતું ફાઇટર એરક્રાફ્ટ છે. જે હવાઈ સંરક્ષણ, જમીન અને દરિયાઈ હુમલા માટે સક્ષમ છે. તેમાં હવા-થી-હવા રિફ્યુઅલિંગ સિસ્ટમ, અદ્યતન કોમ્બેટ એવિઓનિક્સ અને મલ્ટી-મિશન વોર સિસ્ટમ્સ છે. આ વિમાનમાં 64 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેજસ MK-1A ભારતીય વાયુસેનાના જૂના MiG-21 વિમાનોને બદલી શકે તેવી ક્ષમતા ધરાવે છે. અને તેની આવનારી સિરીઝ ભારતને સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે.