દ્રશ્ય પહેલું
એક સ્ત્રીનો દીકરો અકસ્માતમાં ઘાયલ થઈને બચી તો ગયો, પણ વ્હીલચેર પર આવી ગયો.દીકરો બચી જવાની ખુશી હતી, પણ વ્હીલચેર પર લાચાર પરિસ્થિતિમાં જોઇને માતાની આંખોમાં રોજ આંસુ આવતા પણ આ આંસુ તેણે હિંમતથી પોતાના સ્મિત હેઠળ છુપાવી દીધા અને દીકરાને હિંમત આપી. રોજ તેને કસરત કરાવતી. તેના પગની માલીશ કરતી.ઘરે મિત્રો પાસેથી નોટ્સ લઈને તેને ભણાવતી અને આમ કરતાં છ મહિના વીતી ગયા.બધા જ તેને કહેતા કે હવે તારો દીકરો ફરી ક્યારેય સાજો થઈને પોતાના પગ પર ચાલી નહિ શકે ત્યારે સાંભળી લેતી અને રડી લેતી.પણ હિંમત ન હારતી અને ન દીકરાને હિંમત હારવા દેતી.
તે પોતાના દીકરાને રોજ હિંમત આપતી કે તું જરૂરથી સાજો થઇ જઈશ અને ચાલી શકીશ બસ તારે મહેનત કરવી પડશે…તે પોતે કઠોર થઈને દીકરા પાસે કસરત કરાવતી તેમાં એકદમ કડક વ્યવહાર કરી કોઈ આળસ ચલાવતી નહિ.ધીરે ધીરે દીકરો ઊભો રહેવા લાગ્યો અને વોકરની મદદથી ચાલવા લાગ્યો. બીજા ત્રણ મહિના વીત્યા અને દીકરો બરાબર ચાલતો થઈ ગયો.જે દિવસે દીકરો વોકર અને લાકડી છોડી બરાબર ચાલતો થઈ ગયો ત્યારે તેના મુખ પર સ્મિત હતું અને આંખોમાં ખુશીના આંસુ.આ સ્મિત અને આંસુ અજબ સંબંધ હતો.
દ્રશ્ય બીજું
એક અતિ શ્રીમંત પરિવાર, એકનો એક વારસ બધી રીતે બગડેલો.વ્યસની અને જુગારી એવા છોકરાનું માંગુ એક મધ્યમ વર્ગની સુંદર યુવતી માટે આવ્યું.બધા ખુશીથી ઝૂમી ઊઠ્યા કે દીકરીને રાજમહેલ જેવું સાસરું મળ્યું.યુવતી પણ પોતાની કિસ્મત પર ગર્વ કરવા લાગી.પણ લગ્ન બાદ બે જ દિવસમાં તેની બધી જ ખુશી આંસુઓમાં ફેરવાઈ ગઈ, જયારે શરાબના નશામાં ધુત પતિએ તેને લાફો માર્યો.આખી રાત તે રડી, પણ બીજે દિવસે સવારે મોઢા પર મેકઅપથી લાફાના સોળ છુપાવ્યા અને મુખ પર સ્મિત લાવી અંતરના આંસુ છુપાવ્યા.
બસ આ તેણે પહેલી વાર કર્યું અને પછી આ જ તેનું જીવન બની ગયું. સસરાની ઈજ્જત માટે નવાં કપડાં ,દાગીના અને મેકઅપ લગાવી હસતા રહેવાનું અને દર બે દિવસે પતિના હાથનો માર ખાઈને રાત્રે રડતાં રહેવાનું….હોઠો પર અંતરના આંસુ છુપાવતું સ્મિત….આ આંસુ અને સ્મિતનો વિચિત્ર સંબંધ હતો. જયારે આંસુ અને સ્મિત ભેગાં થાય તો વર્ણવી ન શકાય તેવી ખુશીનો અનુભવ હોય અને જયારે હોઠોનું સ્મિત આંખોના આંસુને છુપાવે ત્યારે ન કહી શકાય અને ન સહી શકાય તેવા દુઃખનો અનુભવ હોય.