સાંસારિક જીવનમાં દરેક પ્રકારનાં માનવીઓ મળે. દરેકનો સ્વભાવ, ધંધા, રોજગાર, જીવનશૈલી, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, ગરીબ, તવંગર, શિક્ષિત, અશિક્ષિત વગેરે. બધાની સાથે સુમેળ સાધીને જીવન પસાર કરવું એટલે પોતાના વિચારોને મુકતપણે પુસ્તકનું વિમોચન કરીએ તેમ, કરતાં પહેલાં વિચાર કરવો પડે. છેલ્લા કેટલા સમયથી શૈક્ષણિક અને રાજકીય જગતમાં બે ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. (1)ફૂટી જવું, ફાટી જવું અને (2)પલટાઈ જવું. શૈક્ષણિક જગતમાં પરીક્ષાનાં પેપરો ફૂટી જવાં, લીક થવું વગેરે.
ફૂટી જવું અને ફાટી જવું એ બે માં ઘણો મોટો તફાવત છે. ફાટી જવાથી જેટલું નુકસાન થાય છે તેટલું ફૂટી જવાથી નથી થતું. રાજકારણમાં જેમ ચૂંટણી નજીક આવતી જાય તેમ, સેવા કરવાની ભાવનાવાળા કે જેઓએ મૂળ પક્ષમાં રહીને સેવા કરી હોય, પણ એકાએક તેઓને સત્તા પક્ષમાં સેવા કરવાનો ઉમળકો જાગતાં પક્ષપલટો કરે છે. લોકશાહીમાં કેટલાંએ લોકો સત્તા, પૈસા, પદ, પ્રતિષ્ઠા, અહંકારના લીધે દૂધ ફાટે તેમ ફાટી જતાં જોવા મળે છે. ફૂટી જવાની ઘટના ચોક્કસ સીમિત સમૂહને નુકસાન પહોંચાડે, જયારે ફાટી જવાની ઘટના મોટા વિશાળ સમૂહને નુકસાન પહોંચાડે, જેમકે બીજાને હેરાન કરે, માનવ-માનવ વચ્ચે અમાનવીય દીવાલ ખડી કરે. માનવીનો સૌથી મોટો સદ્ગુણ ફાટવા કરતાં ફેલાઈ જવાનો હોવો જોઇએ.
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.