નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. જે બાદ ફ્રેન્ચાઇઝીમાં કોચિંગ સ્ટાફના બે મોટા સભ્યોએ ટીમથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસને દિલ્હી કેપિટલ્સને વિદાય આપી છે. ભારતીય ટીમના (Team India) મુખ્ય પસંદગીકાર બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા અજીત અગરકરે (Ajit Agarkar) ગુરુવારે આઇપીએલ (IPL) ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના (Delhi Capitals) સહાયક કોચ તરીકે રાજીનામું આપ્યું હતું.
અગરકરનું નામ આગળ વધતાં બીસીસીઆઈએ (BCCI) પસંદગી સમિતિના વડાનો વાર્ષિક પગાર રૂ. 1 કરોડથી વધારવો પડશે, જ્યારે બાકીના સભ્યોનો પગાર પણ રૂ. 90 લાખથી વધારવો પડશે. દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ અને કોમેન્ટેટર અગરકર મુખ્ય પસંદગીકારના વાર્ષિક પેકેજ કરતાં વધુ કમાણી કરે છે અને આ જ કારણ છે કે બીસીસીઆઈએ વર્તમાન પગાર ધોરણની સમીક્ષા કરવી પડશે.
અગરકર અને શેન વોટસન હવે સપોર્ટ સ્ટાફનો ભાગ નથી
મળતી માહિતી મુજબ અગરકર રેસમાં સામેલ હોવાની જાણ કરવામાં આવી હતી અને હવે તેના દિલ્હી કેપિટલ્સ ટીમ છોડવાના સમાચાર સાથે તે સ્પષ્ટ થઈ ગયું છે કે વેસ્ટ ઈન્ડિઝના આગામી પ્રવાસ માટે ટી-20 ટીમની પસંદગી કરતી વખતે તે મુખ્ય પસંદગીકાર બની શકે છે. દિલ્હી કેપિટલ્સે પુષ્ટિ કરી છે કે અગરકર અને શેન વોટસન હવે સપોર્ટ સ્ટાફનો ભાગ નથી. 2021માં જ્યારે નોર્થ ઝોનના ચેતન શર્મા કમિટીના ચેરમેન બન્યા ત્યારે સિલેક્ટર પદ માટે અગરકરે પણ ઇન્ટરવ્યુ આપ્યો હતો. 45 વર્ષીય અગરકરે 191 વન ડે, 26 ટેસ્ટ અને ચાર ટી-20 મેચ રમી છે.
એમસીએને અગાઉ અગરકર સામે સમસ્યા હોવાથી તેની પસંદગી થઇ નહોતી
અગાઉ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને અગરકરની ઉમેદવારી સાથે સમસ્યા હતી અને તેથી જ તેની પસંદગી થઇ નહોતી. આ સિવાય જો અગરકર સામેલ થયો હતો તો ચેતન શર્મા પ્રમુખ ન બની શક્યો હોત. એમસીએના વર્તમાન પદાધિકારીઓ હવે મુશ્કેલીમાં નથી કારણ કે તેમની પાસે સલિલ અંકોલા છે.
દિલીપ વેંગસરકર અને રવિ શાસ્ત્રીના નામની પણ અટકળો ચાલી
પસંદગી અધ્યક્ષ બનવા માટે માજી બેટ્સમેન દિલીપ વેંગસરકર અને માજી ઓલરાઉન્ડર અને માજી મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના નામની પણ અટકળો કરવામાં આવી હતી. પરંતુ તેમણે અરજી કરી છે કે નહીં તેની કોઇ પુષ્ટિ થઈ નથી.