નવી દિલ્હી: ભારતીય મેન્સ હોકી ટીમના (Indian Men’s Hockey Team) કોચ ગ્રેહામ રીડે રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓડિશામાં રમાયેલ મેન્સ હોકી વર્લ્ડ કપમાં (Hockey World Cup) ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારૂ ન રહેતા ટીમ ઈન્ડિયા ક્વોર્ટર ફાઈનલમાં (Quarter Final) પહોંચી શકી ન હતી. ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનના કારણે કોચ ગ્રેહામ રીડે (Coach Graham Reid) રાજીનામું (Resign) આપી દીધું છે. આ સાથે જ એનાલિસિસ કોચ ગ્રેગ ક્લાર્ક અને વૈજ્ઞાનિક સલાહકાર મિશેલ ડેવિડ પેમ્બર્ટને પણ રાજીનામું આપ્યું છે. હોકી ઈન્ડિયાએ આ ત્રણેયના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.
મળતી માહિતી અનુસાર ઓડિશામાં રમાયેલા મેન્સ હોકી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને ટીમ ઈન્ડિયા ક્વાર્ટર ફાઇનલમાં પણ પહોંચી શકી ન હતી. તેથી ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગ્રેહામ રીડે રાજીનામું આપી દીધું છે.
58 વર્ષીય ગ્રેહામ રીડે ભુવનેશ્વરમાં વર્લ્ડકપ સમાપ્ત થયાના એક દિવસ બાદ હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. ગ્રેહામ રીડે રાજીનામું આપ્યા બાદ કહ્યું, ‘હવે સમય આવી ગયો છે કે હું પદ છોડું અને આગામી મેનેજમેન્ટને લગામ સોંપું. ભારતીય ટીમ અને હોકી ઈન્ડિયા સાથે કામ કરવું એ સન્માન અને સૌભાગ્યની વાત છે અને મેં આ અદ્ભુત પ્રવાસની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. હું ટીમને શુભેચ્છા પાઠવું છું.
ભારતે રીડના કોચિંગ હેઠળ ઘણી સફળતાઓ હાંસલ કરી
કોચ ગ્રેહામ રીડ સહિત કોચ ગ્રેગ ક્લાર્ક અને સલાહકાર મિશેલ ડેવિડ પેમ્બર્ટન આગામી મહિના સુધી નોટિસ પીરિયડમાં રહેશે. ઓસ્ટ્રેલિયા સાથે હોકી રમનાર રીડ અને તેની ટીમ સાથે ભારતે 41 વર્ષ બાદ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સિવાય ભારતીય ટીમે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર અને FIH પ્રો લીગ 2021-22 સીઝનમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે રીડ કોચ હતા ત્યારે ભારતીય ટીમે 2019માં FIH વર્લ્ડ સિરીઝ ફાઇનલ્સ જીતી હતી.
ત્યાર બાદ ભુવનેશ્વરમાં ઓલિમ્પિક ક્વોલિફાયર જીતીને, તેણે ટોક્યો ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું હતું. રીડ સહિત ત્રણેયના રાજીનામાનો સ્વીકાર કરતા હોકી ઈન્ડિયાના પ્રમુખ ટિર્કીએ કહ્યું, ‘ભારત હંમેશા ગ્રેહામ રીડ અને તેમની ટીમનું ઋણી રહેશે જેણે અમને સારા પરિણામો આપ્યા. ખાસ કરીને ઓલિમ્પિક ગેમ્સમાં. દરેક પ્રવાસમાં નવા તબક્કા આવે છે અને હવે આપણે પણ ટીમ માટે નવા વિચાર સાથે આગળ વધવું પડશે.
ભારત નવમા સ્થાને હતું
ટીમ ઈન્ડિયા હોકી વર્લ્ડ કપ 2023માં નવમા ક્રમે હતી. ક્રોસઓવર મેચમાં ટીમ ઈન્ડિયાને 12મા ક્રમની ટીમ ન્યુઝીલેન્ડ સામે હારીને રેસમાંથી બહાર થવું પડ્યું હતું. તે મેચમાં નિર્ધારિત સમય સુધી બંને ટીમો 3-3ની બરાબરી પર હતી જેના કારણે મેચ શૂટઆઉટમાં ગઈ હતી. ન્યૂઝીલેન્ડે શૂટઆઉટમાં 5-4થી જીત મેળવી હતી. ગત વર્લ્ડ કપમાં પણ ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ત્યારબાદ ગ્રુપમાં ટોચ પર રહેવા છતાં ભારતીય ટીમનું અભિયાન ક્વાર્ટર ફાઈનલમાં જ સમાપ્ત થઈ ગયું હતું.
વર્લ્ડ કપ 2023માં ગ્રુપ સ્ટેજની સમાપ્તિ બાદ ભારત તેના ગ્રુપ-ડીમાં બીજા સ્થાને હતું. ભારતના ત્રણ મેચમાં બે જીત અને એક ડ્રો સાથે 7 પોઈન્ટ હતા. આ ગ્રુપમાંથી ઇંગ્લેન્ડે વધુ સારી ગોલ એવરેજ (+8)ના આધારે ભારતને હરાવીને સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. જો ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું હોત તો તે સીધું ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું હોત.