Charchapatra

શિક્ષકને શિખામણ મોંઘી પડી શકે છે

હમણાં થોડા દિવસ પહેલાં એક સારા એવા નેતા દ્વારા શિક્ષકોને વણજોઈતી શિખામણ આપવાનું કામ કર્યું.શિક્ષક સંઘ કે શિક્ષક સંગઠન દ્વારા થોડો ઘણો ઔપચારિક વિરોધ થયો અને પછી બધું પૂરું.આમ પણ આ દેશમાં અભણ લોકોના સંગઠન હોય, પણ બુદ્ધિજીવીઓના સંગઠન મળવા કે બનવા મુશ્કેલ છે. આ રાજ્યમાં જો શિક્ષણની કે શિક્ષકની પરિસ્થિતિ કથળી હોય તો એના માટે જવાબદાર કોણ? રાજ્યમાં છેલ્લા અઢી દાયકાથી કોણ સત્તામાં છે?

એવી કેવી શિક્ષણ નીતિ કે શિક્ષણને લગતા કાર્યક્રમો ઘડ્યા કે શિક્ષણ પણ ડૂબ્યું અને શિક્ષક પણ ડૂબ્યા.ઈલેક્શન હોય તો શિક્ષક,વસ્તી ગણતરી તો શિક્ષક,કોરોના તો શિક્ષક,તીડ ભગાડવા હોય તો શિક્ષક તો પછી શિક્ષણના કામ માટે કોણ? શરમ આવવી જોઈએ આવા નિવેદન બદલ, પણ દેશમાં એક વાર કોઈ વ્યકિત પાસે સત્તા અને રૂપિયાનું જોર વધી જાય પછી કોઈ નિયંત્રણ એને લાગુ પડતું જ નથી.એક અભિનેત્રીને જ  જોઈ લો ને  કેવા લવારા કરે જ છે ને! આ નિવેદનનો સીધો અર્થ થાય કે સરકાર બણગા ફૂંકે છે કે આટલી કોલેજ બનાવી ને આટલી સીટ વધારે એ બધાનું સુરસુરિયું જ સમજો.

સરકારે બહારની સુંદરતા બ્યુટીફીકેશન પર જ ધ્યાન આપ્યું ગુણવત્તા પર નહિ. એટલા માટે આજે ગુજરાતનું શિક્ષણ માત્ર ને માત્ર એક બિઝનેસ બનીને રહી ગયું છે.સરકારી શાળા હોય કે પ્રાઇવેટ બધે જ લગભગ એક જ સમાન રીતે શિક્ષણનું સ્તર ઘટ્યું જ છે.થોડા પ્રમાણમાં આના માટે માતા-પિતા એટલે વાલીઓ અને સમગ્ર સમાજ પણ જવાબદાર છે.એટલે એમાં શિક્ષક પણ આવી જાય.પણ તેમ છતાં શિક્ષકોને  આવો ઠપકો આપવાની વાત કોઈ હદે ચલાવી લેવાય તેમ નથી.આ જ શિક્ષકો ઘણી વાર પોતાના તમામ કામ,પ્રસંગ,પરિવાર બધું જ મૂકીને સરકારના તમામ પ્રકારના પરિપત્રો આવે એટલે કામે લાગી જતા હોય છે.

તેમ જ કેટલીક વાર પોતાના જીવના જોખમે પણ અંતરિયાળ ગામમાં ઇલેક્શનમાં પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવે છે.કેટલી શિક્ષિકા બહેનો પોતાના પરિવારથી,પોતાના ઘરસંસારથી દૂર રહીને પોતાની ફરજ પ્રત્યેની ઉમદા ભાવના પ્રગટ કરે છે.આવા શિક્ષકોનું અપમાન કરવું એ કોઈ પણ નેતા કે અન્ય કોઈને પણ શોભા આપનારું નથી અને સમાજના આગેવાનો જ શિક્ષકો પ્રત્યે જાહેરમાં અવિશ્વાસ પ્રદર્શિત કરશે તો વિદ્યાર્થીઓ કેવી રીતે શિક્ષકનું સન્માન કરશે? શિક્ષક જ સમાજનો સાચો ઘડવૈયો છે.આજે સમય સાથે ઘણું બધું બદલાયું છે.

પહેલાં આખો સમાજ,વાલીઓ,આગેવાનો બધા જ શિક્ષકોની વાતનો આદર કરતાં, તેને સાથ આપતાં, તેની પાસેથી સલાહ-સૂચનો મેળવતાં. આજે આ બધું થાય છે ખરું? એક શિક્ષક તરીકે હું તમને વિનંતી કરું છું આપ સૌ શિક્ષકો માટે આદર-સન્માનનો ભાવ લાવો અને અમારા શિક્ષકો પર વિશ્વાસ મૂકો, પછી જુઓ અમે સૌ આપણી સાથે મળીને ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવીશું.
સુરત     – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top