SURAT

આજે શિક્ષક દિન : નગર પ્રાથમિક શિક્ષણ સિમતિ દ્વારા 149 નિવૃત શિક્ષકોનું સન્માન કરાયું

સુરત: 5 મી સ્પ્ટેમ્બર ભારતના રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની (Dr.Sarvepalli Radhakrishnan) જન્મજયંતિ નિમિત્તે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રૂસ્તમપુરા ખાતે આયોજીત શિક્ષક સન્માન સમારોહ (Felicitation ceremony) સંપન્ન થયો હતો. આ અવસરે સુરત મહાનગરપાલિકાની (SMC) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નગર પ્રાથમિક શાળાના ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોને “વિશિષ્ટ સેવા એવોર્ડ-2023” અને અન્ય 16 શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરીના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ઉપરાંત નગર પ્રાથમિક શાળાઓમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનારા 149 નિવૃત શિક્ષકોને પુરસ્કૃત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરીને સૌ શિક્ષકોને અભિનંદન પાઠવતા ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણીએ જણાવ્યું હતું કે, કોઈ સમાજ, રાજય કે રાષ્ટ્રનો સર્વાગી વિકાસ કરવો હોય તો શિક્ષણએ પાયાની જરૂરીયાત છે ત્યારે બાળકોમાં ચારિત્ર્ય ધડતર, કૌશલ્ય વિકાસથી લઈને તેમના ધડતરનું કાર્ય શિક્ષકો કરે છે. રાજય સરકારે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી આજનો યુવાન ઉચ્ચત્તમ જ્ઞાન મેળવી શકે તે માટે અનેકવિધ સુધારાત્મક પગલાઓ લીધા છે. વધુમાં તેમણે કહ્યું કે, આધુનિક શાળાઓ, શિક્ષકોની ભરતી, વર્ગખંડોથી લઈને યુનિવર્સિટીનું નિર્માણનું કાર્ય કરીને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની રાજય સરકારની નેમ વ્યકત કરી હતી.

આ પ્રસંગે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષકશ્રી ધનેશભાઇ શાહએ જણાવ્યું હતું કે,બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવાનું કાર્ય શિક્ષકો કરી રહ્યા છે. વિદ્યાદાન દાન થકી બાળકનો સર્વાંગી ઉછેર કરવાની ‘મા’થી પણ વિશેષ ભૂમિકા ભજવનારા શિક્ષકને સમાજમાં 100 માતાની સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ વૈશ્વિક કક્ષાએ શિક્ષણક્ષેત્રે ડંકો વગાડે તેવા પ્રકારનું વાતાવરણ સર્જાય તેવા સહીયારા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.

મહાનુભવોને હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા 175-લિંબાયત નગર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રીમતી મિનાક્ષીબેન જગતાપ, 249-વરાછાના મનીષભાઇ ભારાડિયા, તથા 117-કતારગામના હરીશભાઇ ઝાલાને વિશિષ્ટ સેવા એવોર્ડ-2023થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શાક્ષકપક્ષના નેતા અમિતસિંહ રાજપુત, નગર પ્રાથમિક સમિતિના ઉપાધ્યક્ષાશ્રીમતી સ્વાતીબેન સોસા, શૈક્ષણિક સાંસ્કૃતિક આયોજન પેટા સમિતિના કન્વીનરશ્રીમતી રંજના ગોસ્વામી, ઇ.ચા.શાસનાધિકારીશ્રી મેહુલભાઇ પટેલ સહિતના નગર પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Most Popular

To Top