Business

ચંદ્ર પર ઉતરી મહિન્દ્રાની થાર કાર!, આનંદ મહિન્દ્રાએ પોસ્ટ કરેલો વીડિયો થયો વાયરલ

નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં જ ભારતે ચંદ્રના (Moon) દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 (Chandrayaan3) મોકલી ઈતિહાસ રચ્યો છે, ત્યારે હવે ચંદ્રને લઈને બીજા એક સમાચારે ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહેતાં ઉદ્યોગકાર આનંદ મહિન્દ્રા (AnandMahindra) દ્વારા ચંદ્ર વિશે કરાયેલા એક ટ્વવીટની ચારેતરફ ચર્ચા છે. આનંદ મહિન્દ્રા અનોખા ટ્વીવટ કરવા માટે જાણીતા છે. આ વખતે પણ મહિન્દ્રાએ એક એવો વીડિયો ટ્વીટ કર્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આનંદ મહિન્દ્રા એ એક્સ એટલે કે ટ્વીટર પર ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ને ચંદ્રયાન 3ની સફળતા માટે શુભેચ્છા આપતી પોસ્ટમાં પોતાનું સપનું શેર કર્યું છે. આનંદ મહિન્દ્રા પોતાની કંપનીની થાર-ઈ (Thar-E) કારને ચંદ્ર પર ઉતારવા માગે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાની પોસ્ટમાં એક વીડિયો શેર કર્યો છે. આ એનિમેટેડ વીડિયો માત્ર 10 સેકન્ડનો છે. વીડિયોમાં ચંદ્રની સપાટી જોઈ શકાય છે. ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર ઉભું છે. તેનો દરવાજો ખુલે છે અને તેની અંદરથી મહિન્દ્રા કંપનીની નવી થાર-ઈ ઉતરે છે અને ધીમેધીમે ચંદ્રની જમીન પર આગળ વધે છે.

મહિન્દ્રા ઈલેક્ટ્રિક ઓટોમોબાઈલ્સ લિમિટેડ (MEAL)એ ગયા મહિને વૈશ્વિક ઈવેન્ટ ફ્યુચરસ્કેપ ખાતે થાર-ઈ ઈલેક્ટ્રિક એસયુવી લોન્ચ કરી હતી. 5-દરવાજાની થાર આવનારા સમયમાં ઈલેક્ટ્રિક અવતારમાં જોવા મળશે. એક્સપ્લોર ધ ઈમ્પોસિબલ ફિલોસોફી સાથેનું અનાવરણ થાર-ઈ અદભૂત દેખાવ અને ડિઝાઇન ધરાવે છે.

આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં ઈસરોનો આભાર માન્યો
10 સેકન્ડનો આ એનિમેશન વીડિયો શેર કરતી વખતે આનંદ મહિન્દ્રાએ તેના કેપ્શનમાં ચંદ્રયાન-3ની સફળતા માટે સૌપ્રથમ ઈસરોનો આભાર માન્યો છે. આ સાથે તેમણે લખ્યું, ‘અમારી મહત્વકાંક્ષાઓને ઉડાન આપવા માટે ISROનો આભાર. ભવિષ્યમાં એક દિવસ, આપણે વિક્રમ અને પ્રજ્ઞાનની સાથે થાર-ઈને ચંદ્રની સપાટી પર ઉતરતા જોઈશું! આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની આ પોસ્ટને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને હજારો યુઝર્સે પોસ્ટ પર કોમેન્ટ કરી છે.

Most Popular

To Top