Gujarat

વિરોધ બાદ શિક્ષકોની 8 કલાક ડ્યુટીનો પરિપત્ર રાજ્ય સરકારે રદ્દ કર્યો

ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ બજાવવા અંગેના પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી (Education Minister) ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ (Teachers) સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની જરૂર પડી છે. પરિપત્રનો શિક્ષકોએ વિરોધ કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારતાં આખરે એને રદ કરવામાં આવ્યો છે. હવે શિક્ષકો અગાઉના કલાકોની માફક જ કામ (Work) કરી શકશે.

6 કલાકની ડ્યુટીના 8 કલાક કરવાના સરકારના નિર્ણય સામે શિક્ષણ સંઘે ભારે વિરોધ દર્શાવ્યો હતો. RTE એક્ટ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં 8 કલાક હાજરી આપવાની હોય છે, પરંતુ સજ્જતા સર્વેક્ષણનો ભારે વિરોધ કરનારા શિક્ષકો શાળામાં 8 કલાક પણ આપવા તૈયાર ન હતા. રાજ્યની મોટા ભાગની પ્રાથમિક શાળાઓનો સમય સવારે 11થી 5નો છે. જે અનુસાર 6 કલાક જ સ્કૂલ કાર્યરત રહે છે. રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ ફરજિયાત 8 કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે, એવો રાજ્યના શિક્ષણ અધિકારીએ પરિપત્ર કર્યો હતો. આ પરિપત્રનો શિક્ષકોએ વિરોધ કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારતાં આખરે એને રદ કરવામાં આવ્યો છે.

2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ની શાળાઓ શરૂ થઈ ત્યારે નિયામક દ્વારા કરાયેલ પરિપત્રમાં RTEના ઉલ્લેખ અનુસંધાને આઠ  કલાકનો શાળાનો સમય કરવા બાબતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના પરિપત્રના અનુસંધાને શાળાનો સમય આઠ કલાકનો કરવામાં આવ્યો હતો.  આજની પરિસ્થિતિમાં દરેક શાળામાં PTC, B.Ed થયેલ ટ્રેન ટીચર ઉપલબ્ધ છે. સરકારી અન્ય કચેરીમાં કર્મચારી આઠ કલાક નોકરી કરે છે તો શાળામાં પણ શિક્ષકોએ આઠ કલાક ફરજ બજાવી જોઈએ તેવું શિક્ષણમંત્રીએ કહ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગુજરાત મહિલા સંવર્ગ દ્વારા શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, નિયામકને આ મામલે આપવામાં આવેદનપત્ર આપ્યું હતું. પ્રાથમિક શાળાનો સમય 8 કલાકને બદલે 6 કલાક કરવા માટે રજૂઆત કરી હતી. તેમજ જો આગામી દિવસમાં માંગણી ના સ્વીકારાય તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત શિક્ષક હિતમાં આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિસંહ ચૂડાસમાએ કહ્યું કે, 8 કલાકનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેટલા સમયગાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં શિક્ષકો કામ કરી રહ્યા છે. અગાઉના સમય પ્રમાણે જ શિક્ષકો કામ કરશે. પ્રાથમિક શાળાઓમાં આરટીઇ હેઠળ જે સમય અંગેનો પરિપત્ર હતો તે રદ કરવામાં આવ્યો છે. 

Most Popular

To Top