હાલમાં જયારે શિક્ષકો વેકેશન બાજુએ મૂકીને કોરોના ઓપરેશનમાં લાગી ગયા છે ત્યારે તેઓને ચાલુ માસનો પગાર નહી મળતા શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. સુરત શહેર સહિત સમગ્ર રાજ્યની પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોએ સંવેદના સાથે કોરોના સામેની લડાઈમાં સરકારને પોતાનો એક દિવસનો પગાર રાહતફંડમાં જમા કરાવીને 34 કરોડથી વધારે રકમનું ફંડ આપી દેવાનો નિર્ણય કર્યો હતો. તેનાથી વિપરીત હજી સુધી શિક્ષકોના એક માસના પગારની ગ્રાન્ટ હજુ સુધી જમા ન થતા શિક્ષકગણમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના અંતર્ગત રાજ્યના શિક્ષણ વિભાગ દ્રારા ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોનાની કટોકટીના સમયમાં શિક્ષકો માટે હજી સુધી વીમાનું કવચ પુરું પાડવાની કોઈ જાહેરાત ન કરાતા શિક્ષકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. કોરોનાના દર્દીના ઘરની બહાર બેસવાની કામગીરી શિક્ષકો કરી રહ્યા છે. તેથી તેઓની જાનમાલ સામે કવચ આપવા માટે માંગણી કરવામાં આવી છે.શિક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના વાયરસની સંક્રમણ ચેનને તોડવા માટે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના નગર પ્રાથમિક સમિતિના પ્રાથમિક શાળાના શિક્ષકો દ્રારા પણ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અન્ય સરકારી કર્મચારીઓનો પગાર યોગ્ય સમયે ચૂકવી દેવામાં આવ્યો છે, જ્યારે આ તમામ શિક્ષકોને માર્ચ -2020 નો પગાર ચૂકવવામાં આવ્યો નથી. સુરત સહિત સમગ્ર રાજ્યના શિક્ષકો કોરોનાને લગતી કામગીરીમાં જોડાયેલા છે. આરોગ્યલક્ષી સર્વેની કામગીરી, બાળકોને અનાજ વિતરણની કામગીરી, કોરોના કંટ્રોલ રૂમ પર ફરીયાદોની કામગીરી વગેરે કામગીરીઓ શિક્ષકો કરી રહ્યા છે. શિક્ષકો પણ કોરોના વાયરસની બિમારીનો ભોગ બને એવું બની શકે છે. તો સુરત સહિત તમામ રાજ્યોના શિક્ષકોને સરકાર દ્વારા વિમા કવચ પુરું પાડવામાં આવે તેવી માંગણી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કરવામાં આવી છે.
શિક્ષકો સાથે પક્ષપાત કેમ? માર્ચનો પગાર પણ ન આપ્યો અને વીમા કવચ પણ નહીં
By
Posted on