આણંદ: વિદ્યાનગરમાં આવેલા પ્રભુકાન્ત બંગલોમાં રહેતા શિક્ષકે ઘરે બાયોલોજીનું ટ્યુશન લેવા આવતી વિદ્યાર્થિનીને એકસ્ટ્રા કલાસના બહાને મોડે સુધી બેસાડી તેની સાથે શારીરિક અડપલાં કરતો હતો. તેમાંય એક દિવસ તેણે વિદ્યાર્થિનીના ગાલે બચકાં ભરી લીધાં હતાં. આ કેસમાં ન્યાયધીશે તેને ત્રણ વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. વિદ્યાનગરમાં નાના બજાર ખાતે આવેલા પ્રભુકાન્ત બંગલોમાં રહેતા કાન્તી સોમજી પટેલ ઉર્ફે કે.એસ. પટેલ (મુળ રહે. મેઘરજ, જિ. અરવલ્લી)ના ઘરે બાયોલોજીનું ટ્યુશન માટે સગીરા જતી હતી.
દરમિયાનમાં 6ઠી ફેબ્રુઆરી, 2022ના રોજ વિદ્યાર્થિનીના ગાલ પર ઇજાના નિશાન જોવા મળ્યાં હતાં. આ અંગે પૂછપરછ કરતાં વિદ્યાર્થિનીએ પરિવારજનોને જણાવ્યું હતું કે, સવારમાં આઠ વાગે એકસ્ટ્રા કલાસીસમાં કે.એસ. પટેલે મકાનના ઉપરના માળે એકલી બેસાડી શારીરિક અડપલાં કર્યા હતાં. બાદમાં સેક્સ સંબંધી વાતો કરી ગાલ પર તથા બોચી પર બચકાં ભરી દીધાં હતાં. આ વાત જાણ્યા બાદ તેના પિતાએ વિદ્યાનગર પોલીસ મથકે કાન્તી એસ. પટેલ ઉર્ફે કે.એસ. પટેલ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આણંદના ત્રીજા એડીશ્નલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ એ.કે. પંડ્યાની દલીલ, 7 દસ્તાવેજી પુરાવા અને 9 સાક્ષીઓને સાંભળ્યા બાદ ન્યાયધિશે કાન્તી પટેલને ત્રણ વર્ષની કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો.
કઇ કલમ હેઠળ કેટલી સજા ફટકારી ?
આઈપીસી – 323 મુજબ 3 મહિનાની સાદી કેદની સજા અને રૂ.1000નો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજા.
આઈપીસી – 354 મુજબ ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂ.5 હજારનો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ 2 માસની સાદી કેદની સજા.
પોક્સો એકટની કલમ -8 મુજબના ગુનામાં 3 વર્ષની સાદી કેદની સજા અને રૂ.5 હજારનો દંડ. જો રોકડ દંડ વસુલ આપવામાં નિષ્ફળ જાય તો, વધુ 2 માસની સાદી કેદની સજા.
પોક્સો એકટની કલમ -12 મુજબના ગુનામાં દોષીત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂ.2 હજારનો રોકડ દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા.