Charchapatra

બાળકને શીખવો

દૃશ્ય પહેલું
સોસાયટીમાં નીચે કમ્પાઉન્ડમાં છોકરાઓ રમતા હતા અને બધી મમ્મીઓ ભેગા મળી વાતો કરી રહી હતી.અચાનક જોરથી અવાજ આવ્યો અને બધાએ તે તરફ જોયું તો સૌથી મોંઘી ઈંગ્લીશ શાળામાં જતો છઠ્ઠા ધોરણમાં ભણતો વિરાજ સોસાયટીના વોચમેન સાથે ઝઘડી રહ્યો હતો અને તેને ગમે તેમ બોલી રહ્યો હતો. બધા દોડીને ત્યાં પહોંચ્યા…જોયું તો વોચમેનને માથામાં વાગ્યું હતું ..વિરાજને વોચમેને કમ્પાઉન્ડની વોલ પર ચઢતા અટકાવ્યો હતો એટલે વિરાજે તેમને ધક્કો માર્યો અને કહી રહ્યો હતો કે, ‘તું તારું કામ કર મને અટકાવવાવાળો તું કોણ? હમણાં પપ્પાને કહીને તને નોકરીમાંથી કઢાવી નાખીશ.’ વિરાજનું આવું વર્તન જોઇને તેની મમ્મીને ખૂબ શરમ આવી. 

દૃશ્ય બીજું
કોલેજથી જિયાન અને તેના દોસ્તો ચાલતા ચાલતા વાતો કરતા ઘર તરફ પાછા ફરી રહ્યા હતા.ઘર પાસે પહોંચ્યા તો એક આંટી હાથમાં ત્રણ ત્રણ થેલા ઊંચકીને જઈ રહ્યાં હતાં.જિયાન દોડીને તેમની પાસે ગયો અને તેમની પાસેથી બે થેલા લઈ લીધા અને મિત્રોને કહ્યું, ‘જરા પાંચ મિનીટ ઊભા રહો, હમણાં આવું છું.’ જિયાન આંટીને જ્યાં જવું હતું ત્યાં મૂકીને આવ્યો. દોસ્તોએ પૂછ્યું, ‘જિયાન, તારાં પાડોશી હતાં કે રીલેટીવ?’ જીયાને કહ્યું, ‘એ તો મારા પાડોશીને ત્યાં કામ કરવા આવતાં માશી છે.હવે ઉંમર થઇ છે પણ પરિવારમાં કોઈ નથી એટલે કામ કરે છે.’

દશ્ય ત્રીજું
એક રવિવારે નિહાર ગ્રાઉન્ડમાં પોતાની સાથે એક છોકરાને લઈને આવ્યો. તેને કહ્યું, ‘આજે રાકેશ પણ આપણી સાથે રમશે, બહુ સારો બેટ્સમેન છે.’ બધા સાથે રમ્યા, રાકેશે સારા રન કર્યા.રમી લીધા બાદ બધાએ પૂછ્યું, ‘આ રાકેશ તારો ફ્રેન્ડ છે કે કઝીન.’ નિહારે કહ્યું, ‘અરે રાકેશ મારા ડ્રાઈવર અંકલનો દીકરો છે. તેને મેચ રમવાનું બહુ ગમે છે એટલે મેં કહ્યું, ચાલ મારી સાથે રમવા અને હવે તે આપણા બધાનો ફ્રેન્ડ છે.’   પહેલા દૃશ્યમાં બાળક વિરાજનું વર્તન ખોટું અને બીજા બે દૃશ્યમાં નિહાર અને જિયાનનું વર્તન કાબિલેતારીફ છે.

આ ત્રણ દૃશ્યોમાં હાઈ સોસાયટીના મોટી શાળા કે કોલેજમાં જતાં બાળકોની વાત છે.પણ ધ્યાન એ આપવાનું છે કે માત્ર સારી મોંઘી શાળામાં મોકલવાથી સંતાનો લાયક બની જતાં નથી.એ માતા પિતાની સફળતા નથી. પણ મોટાં થતાં બાળકો ઘરે કામ કરતાં માશી, ડ્રાઈવર , સફાઈ કર્મચારી ,વોચમેન વગેરે સાથે કઈ રીતે વર્તન કરે છે, કઈ રીતે બોલે છે, તે માતા પિતાની સફળતા છે અને ઉત્તમ સંસ્કારની ઓળખ છે.તેમને બધા સાથે સારું વર્તન કરતાં શીખવવું જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top