Madhya Gujarat

સંજેલી ઝાલોદ રોડ સામૂહિક રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ હટાવવા TDO એ પંચાયતને નોટિસ ફટકારી

       સુખસર: સંજેલી હોળી ફળિયા વિસ્તારમાં થયેલા સામૂહિક  રસ્તામાં  ગેરકાયદેસર દબાણોને લઈને સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ પંચાયતને દબાણ દૂર કરવા નોટિસ ફટકારી હતી. સરકારી જમીનમાં બાંધકામ થતું અટકાવી દૂર કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવા નોટીસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. સંજેલી ઝાલોદ રોડ ઉપર આવેલી હોળી ફળિયા વિસ્તારમાં માથાભારે યુવક દ્વારા કાયદાની એસીતેસી કરી પંચાયતની તેમજ સીટી સર્વેની નોટિસને ઘોળીને પી જઈ સરકારી જમીન પર જ ગેરકાયદેસર મકાન બાંધી દેવાતા સ્થાનિક લોકોને તેમજ આદિવાસી ખેડૂતોને પોતાના ખેતરમાં વાહનની અવરજવર કરવામાં પડતી મુશ્કેલીને લઇને તાલુકા સહિત જિલ્લાના અધિકારીને રજુઆત કરવામાં આવી હતી.

જેને ધ્યાને લઈને તારીખ 05/12/2020ના રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયતને તપાસના આદેશ આપ્યા હતા.પરંતુ પંચાયત તંત્ર દબાણ કરનાર પર મહેરબાન હોય કે ખાયકી કરવામાં આવી હોય તે રજૂઆતને પણ ઘોળીને પી જઇ તાલુકા અધિકારીને ગેરમાર્ગે દોરવા સરપંચ,તલાટી દ્વારા ગોળગોળ અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. ટી.ડી.ઓ ને અહેવાલ સંતોષકારક ન જણાતાં 13/01/2020ના રોજ ગંભીર નોંધ લઈ બાંધકામ બાબતે સ્પષ્ટ અહેવાલ મોકલવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.એક તરફ સરકાર દ્વારા ગૌચર અને પંચાયતની જમીનો ખુલ્લી કરવા માટે આદેશો કરવામાં આવી રહ્યા છે,ત્યારે બીજી તરફ સંજેલી પંચાયત ભુમાફિયાને છાવરવામાં આવી રહ્યાં છે.માથાભારે તત્વો દ્વારા પંચાયતની તેમજ સીટી સર્વેની નોટિસને પણ ઘોળીને પી જઈ સરકારી જમીનમાં ખુલ્લેઆમ બાંધકામ પૂર્ણ કર્યુ છે.

ત્યારે આ બાબતે જિલ્લાના અધિકારી દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભૂ માફિયા ને  છાવરવામાં આવશે?તે પણ તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. સંજેલી પંચાયત તંત્રની મીલીભગતથી ગેરકાયદેસર બિનધાસ્ત દબાણ કરી બાંધકામ શરૂ કરી બંગલાનું કામ પૂર્ણ કર્યું. સરપંચ તેમજ તલાટીની જોડે સાંઢગાઢ કરી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરાયું છતાં પંચાયતે માત્ર નોટિસ બજવી સંતોષ માનવામાં આવી રહ્યો છે. પરવાનગી વિના પંચાયતની જમીનમાં બાંધકામ શરૂ કરતાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Most Popular

To Top