Madhya Gujarat

આણંદ પાલિકાએ વેરાના બાકીદારો માટે રાહત જાહેર કરી

આણંદ: આણંદ નગરપાલિકાની સોમવારના રોજ મળેલી ખાસ સામાન્ય સભામાં વેરા વસુલાતમાં બાકીદારો માટે રાહત જાહેર કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત આ યોજના જાહેર કરવામાં આવી છે. જોકે, બાકીદારો તેનો કેટલો લાભ લેશે ? તે આગામી મહિના દરમિયાન જાણવા મળશે. જોકે, આ સામાન્ય સભા પહેલા સમયને લઇ શાસકો અને વિપક્ષો વચ્ચે ભારે બોલાચાલી થઇ હતી જેમાં વાતાવરણ ગરમ થઇ ગયું હતું. આણંદ નગરપાલિકાની સોમવારના રોજ ખાસ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ સ્થાને પ્રમુખ રૂપલબહેન પટેલ (દાલ) હાજર રહ્યાં હતાં. આ સભામાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાના પરિપત્ર મુજબ વેરાના બાકીદારોને રાહત આપવામાં આવી છે. આ ઠરાવ મુજબ કરદાતા તેમની મિલકત પેટે અગાઉના વર્ષોના તમામ પ્રકારના વેરાની બાકી રકમ 31મી માર્ચ,22 સુધીમાં ભરફાઇ કરે તો નોટીસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી પેટેની સો ટકા રકમ માફ કરવાની થાય છે.

આ યોજના હેઠળ નાણાંકીય વર્ષ 2022-23ના વેરાની રકમ 31મી મે, 2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરવા પર 10 ટકા વળતર મળવાપાત્ર રહેશે. ઇ.નગરની મોબાઇલ એપ કે ઇ.નગરના ઓનલાઇન સીટીઝન પોર્ટલ મારફતે સદરહું વેરાની રકમ 31મી મે, 2022 સુધીમાં ભરપાઇ કરવા પર વધુ 5 ટકા વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, આ સામાન્ય સભાનો સમય 12 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો અને સમયસર કાઉન્સીલરો હાજર રહ્યાં હતાં. પરંતુ 12-15 મિનિટ થવા છતાં સભા ચાલુ ન થતાં વિપક્ષો ઉશ્કેરાયાં હતાં. જેમાં વોર્ડ નં.1ના કાઉનસીલર ઇકબાલ મલેક દ્વારા સમય બાબતે ધ્યાન દોરવામાં આવતાં વાતાવરણ ગરમ બન્યું હતું. જેમાં સત્તાધારી પક્ષના જીગ્નેશ પટેલ અને કાંતિભાઈ ચાવડાએ જવાબ આપતાં મામલો બિચક્યો હતો. સામાપક્ષે સલીમ દિવાને પણ જવાબો આપતા શાબ્દીક ટપાટપી શરૂ થઇ ગઈ હતી. બન્ને પક્ષના કાઉન્સીલરો સામસામે બોલવા લાગ્યાં હતાં. આ વચ્ચે અચાનક સભા શરૂ કરી માત્ર એક સેકન્ડમાં આટોપી લીધી હતી.

આણંદમાં મિલકત ટ્રાન્સફરની લેવાતી અડધો ટકો ફી રદ્દ કરવા માંગણી
આણંદ નગરપાલિકા દ્વારા મિલકતો ટ્રાન્સફર કરવા માટે મિલકતદારો પાસેથી અડધો ટકા જેટલી માતબર રકમ વસુલવામાં આવી રહી છે. આ અંગે વિપક્ષના કાઉન્સીલરોએ ચીફ ઓફિસરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, મિલકત ટ્રાન્સફર કરવા માટે મિલકતદારો પાસેથી અડધો ટકા જેટલી માતબર રકમ લેવાય છે, જે ગેરકાયદેસર અને ગેર બંધારણીય છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમોની જોગવાઇઓમાં આવી કોઇ પણ ફિ જનતા પાસેથી વસુલવી એ અયોગ્ય અને ગેરકાયદેસર છે. કરમસદ પાલિકા દ્વારા આવા પ્રકારના ઠરાવો રદ કરવા હુકમો કરવામાં આવ્યાં છે. આથી, આણંદ પાલિકામાં પણ પ્રજા પાસેથી લેવાતી ગેરકાયદેસરની મિલકત ટ્રાન્સફર ફી રદ કરવી અને લીધેલી ફી મિલકતદારોને તાત્કાલિક ધોરણે પરત કરવા માગણી કરી હતી.

Most Popular

To Top