SURAT

સુરતમાં 15થી 50 ચો.મી. સુધીની મિલકતોમાં વેરા-યુઝર ચાર્જમાં 25 ટકા સુધીની રાહત, જાણો કોમર્શિયલ માટેની જોગવાઈ

સુરત: (Surat) ચારેક દિવસ પહેલાં જ સુરતવાસીઓને 15 ચો.મી. ક્ષેત્રફળની મિલકતોમાં વેરાની રાહત આપનાર ભાજપ શાસકો દ્વારા વેરામાં રાહતની વધુ એક ભેટની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે 25 ચો.મી. સુધીની મિલકતોમાં રાહત માટે કરેલી ભલામણને પગલે આજે મહાપાલિકાની સ્થાયી સમિતીમાં ભાજપ શાસકો દ્વારા તાકીદની મીટિંગ બોલાવી વેરામાં (Tax) રાહત આપતી જોગવાઈઓ કરવામાં આવી હતી.

સ્થાયી સમિતી દ્વારા જે જોગવાઈ કરવામાં આવી તેમાં અગાઉ માત્ર 15 ચોરસ મીટર સુધીની મિલકતોમાં વેરા રાહત હતી તે જોગવાઇનો વધારો કરી 15થી 50 ચો.મી. સુધીની મિલકતોમાં (properties) પણ વેરા-યુઝર ચાર્જમાં 25 ટકા સુધીની રાહત તેમજ 15 ચોરસ મીટર સુધીની કોર્મશિયલ મિલકતોમાં (Commercial properties) 25 ટકા રાહતની જોગવાઇ કરી છે. જેના પગલે હવે શહેરના ગરીબથી મધ્યમવર્ગના કુલ 9.18 લાખ મિલકતદારોને રાહત થશે. શાસકોએ જાહેર કરેલી રાહતને કારણે શહેરીજનોએ હવે 71.86 કરોડનો વેરો ભરવો પડશે નહી. જે કોરોનાકાળમાં મોટી રાહતની વાત છે.

આ ઉપરાંત ભાજપ શાસકોએ 15 ચોરસ મીટર સુધીની ધર્મશાળા, લાઇબ્રેરી, હોસ્ટેલ, મંદીર, મસ્જીદ, અને સરકારી મિલકતો હોય તેવી કુલ 329 મિલકતોના વેરામાં પણ 25 ટકા રાહતની જાહેરાત કરાઇ છે. આ ઠરાવના પગલે 9.18 લાખ મિલકતોનૌ 71.86 કરોડનો વેરો માફ થઇ જશે તેવુ સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું. અત્રે ઉલ્લખનીય છે કે 15 ચોરસ મીટર સુધીની મિલકતોમાં વેરા-યુઝર ચાર્જ માફ થતા 1,11,381 મિલકતદારોને લાભ થનાર છે.

સુરતના લાખો લોકોને વેરામાં રાહત મળશે: સ્થાયી સમિતી ચેરમેન પરેશ પટેલ

સુરત મનપામાં કુલ 20 લાખ મિલકતો છે. તેમાંથી ભાજપ શાસકોએ જે મિલકતોને વેરા રાહત આપી છે. તેની સંખ્યા 9.18 લાખ છે અને તેમાં પણ 92264 મિલકતો તો કોર્મશિયલ છે. જેથી આ વેરા રાહતની જોગવાઇથી સુરતના લાખો લોકોને લાભ થશે તેમ સ્થાયી સમિતીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top