Columns

સૂતા પહેલાં કરવાનાં કાર્યો

શાસ્ત્રોમાં કહ્યું છે કે રાત્રે સૂતા પહેલાં હરિ સ્મરણ કરવું જોઈએ. જો કે શાસ્ત્રોમાં કહ્યું છે એમ મોટાભાગે આપણે કરતા નથી. હરિ સ્મરણ ઉપરાંત સૂતા પહેલાં કરવાનાં કેટલાંક કામ પણ હોય છે, જે સંસાર શાસ્ત્રમાં લખ્યા છે પણ આ શાસ્ત્રનો પૂર્ણ પંડિત હજુ સુધી પાક્યો નથી. તેથી આ મુદ્દા પર લખવાની લાલચ હું રોકી શકતો નથી (‘આમ કહેવાની લાલચ હું રોકી શકતો નથી.’ એવું ઘણી વાર મૂર્ધન્ય સાહિત્યકારો પોતાના વક્તવ્યોમાં બોલતા હોય છે એટલે અમનેય લાલચ થઈ.)

 સૂતા પહેલાં કરવાનાં કાર્યોની વિશેષતા એ છે કે તેની જવાબદારી પરિવારના કોઈ ચોક્કસ સભ્યની હોતી નથી પણ આપણી પરંપરા મુજબ ઘરમાં જે સભ્ય સ્વૈચ્છિક રીતે જે કામ કરતો હોય તેની જવાબદારી વગર કહ્યે કાયમી ધોરણે તેના શિરે આવી જાય છે એટલે અહીં પણ જે કામ કરે છે તેને બધા ટોકે છે. કામ નથી કરતું તેને કોઈ કંઈ કહેતું નથી. કામ નથી કરતા તે બેઠા બેઠા બીજાને કામ ચીંધે છે, ધંધે લગાડે છે.

 એવો પ્રશ્ન પણ થાય કે સૂતા પહેલાં તે વળી એવા કયા કામ કરવાનાં હોય? સૂતા પહેલાં તો એક પથારી કરવાની હોય. હવે તો એ પણ તૈયાર બેડ હોય છે. જઈને પડો એટલી જ વાર! સીધા જ નિદ્રાદેવીના શરણે. પણ સૂતા પહેલાં કરવાનું એક બહુ મહત્ત્વનું કાર્ય છે, ‘ઘરનો ઝાંપો, દરવાજો બંધ કરવાનું.’ આ કાર્ય મોટાભાગે પુરુષો કરતા હોય છે એટલે તેની જવાબદારી પુરુષોના લમણે લખાય જાય છે અને પુરુષોના લમણા મજબૂત હોય છે એટલે તો તે લમણાઝીંક સામે ઝીંક ઝીલી શકે છે. તેથી દરેક પુરુષે પોતાના શયનખંડમાં જતાં પહેલાં ‘દરવાજો બંધ કર્યો?’ એ પ્રશ્નનો ઉત્તર આપવો પડે છે.

આનો ઉત્તર આમ તો સહેલો છે પણ આંખો ઘેરાતી હોય અથવા તો મોબાઈલ ફોન ભલે 2 હોય પણ જેનો આત્મા એક થઈ ગયો છે, એવી દૂરની વ્યક્તિ સાથે સુસંવાદ ચાલતો હોય અથવા વીડિયો કોલ દ્વારા એકબીજાનું રસપૂર્વક દૂરદર્શન થઈ રહ્યું હોય એવા શૂન્યકાળ દરમિયાન આ પ્રશ્નો ખડા થાય છે. આવા સમયે પત્નીના પ્રથમ પ્રયત્ને તો આ પ્રશ્ન પતિના કર્ણપટલ પર અથડાતો નથી. તેથી આ પ્રશ્ન 2 – 3 વાર પુછાય પછી પતિ ‘હેં..એ..’ એવો અતિ ટૂંકો ‘જવાબી પ્રશ્ન’ કરે છે એટલે પત્ની ફરીથી પૂછે કે ‘દરવાજો બંધ કર્યો?’ પણ અગાઉ કહ્યું એવી એકાત્મ વ્યક્તિ સાથે વાત ચાલતી હોય, ત્યારે કેટલીક વાર પુરુષ દિલનો કે ઘરનો એકેય દરવાજો બંધ કરી શકતો નથી.

કદાચ તેણે દરવાજો બંધ કર્યો હોવા છતાં તેને યાદ રહેતું નથી. થોડી વાર યાદ કરવાના નિષ્ફળ પ્રયાસો કર્યા પછી તેને થાય કે હવે ઊઠ્યા વગર છૂટકો નથી. જો તે નહિ ઊઠે તો ખુલ્લા દરવાજાના ગંભીર પરિણામો તેણે બંધ બારણે ભોગવવા પડશે. તેથી તે પથારી છોડીને દરવાજે જાય છે( ફોન સાથે લેતો જાય છે.) અને જુએ છે તો દરવાજો એકદમ યોગ્ય રીતે બંધ હોય છે એટલે તે પાછો આવીને પત્નીને કહે છે, ‘દરવાજો તો બંધ જ હતો. ખાલી ખોટો મને શું કામ ધક્કો ખવડાવ્યો?’

પત્ની કહે, ‘હું ક્યાં ધક્કો ખાવાનું બોલી’તી. હું તો ફક્ત પૂછતી’તી કે દરવાજો બંધ કર્યો કે નહીં?’  દરવાજો બંધ કરવાનું કામ એવું છે કે તે લગભગ ભૂલાઈ જાય છે એટલે ખાતરી કરવા ઊઠવું પડે છે કારણ કે દરવાજો ખુલ્લો રહેવાથી ભલે ચોર આપણા ઘરમાં હાથફેરો કરે છતાં તેના હાથમાં કશું આવે એમ ન હોય અને તે સિકંદરની જેમ ખાલી હાથે જ જવાનો હોય છતાં દરવાજો ખુલ્લો રાખવાનું એક ભયંકર પરિણામ એ આવે છે કે કૂતરા ચપ્પલ ઉપાડી જાય છે. કૂતરાને માણસના ચપ્પલ કોઈ પ્રકારે ઉપયોગી નથી છતાં પણ શા માટે ઉપાડી જાય છે એ સમજાતું નથી. શું કૂતરો કૂતરીને સેમ્પલ બતાવવા માટે લઈ જતો હશે? બીજું કે કૂતરાઓ બંને ચપ્પલ એક સાથે ઉપાડી જતા નથી. તે હંમેશાં એક જ ચપ્પલ ઉપાડી જાય છે એટલે બાકી રહેલા એકને જોઈને બીજા બુટ – ચપ્પલ માટેની આપણી વિરહની વેદના તીવ્ર બને છે. આ વેદના સહન ન કરવી પડે એટલા માટે દરવાજો બંધ કરવો જરૂરી છે.

 આ ઉપરાંત ઘરમાં અમુક બારીઓ એવી હોય છે કે તે બંધ કરવી પડે છે. અલબત્ત એ બારીએથી ક્યારેય ચોર ત્રાટકતા નથી. તે બારીએથી બંદૂકના નાળચા આપણા ઘરમાં લંબાતા નથી કે તોપના નાળચા ગોઠવાતા નથી પણ તે બારીમાંથી ક્યારેક સ્લીમટ્રીમ બિલાડી ઘરમાં ઘૂસી જાય છે. ઘરમાં ઘૂસેલી બિલાડી પ્રાણી સ્વરૂપે હોય કે પછી માનવ સ્વરૂપે, પોતાનો ભાગ ભજવ્યા વિના રહેતી નથી. પતિ જો આવી કોઈ બારીએ સૂતો હોય તો બારી બંધ કરવાની જવાબદારી તેની બની જાય છે.

 મહિલાઓના ભાગે આવતા કામમાં સૂતા પહેલાં દૂધ ગરમ કરવું, દૂધમાં મેળવણ નાખવું, ગેસના બાટલાનો વાલ્વ બંધ કરવો વગેરે છે. અલબત્ત હવે ઘરમાં ફ્રિઝ હોવાથી દૂધ ગરમ કરવાનું કાર્ય રહ્યું નથી પરંતુ દૂધમાં મેળવણ નાખવાનું કાર્ય તો કાયમી છે. જો કે વાતમાં મોણ અને મેળવણ નાખવાનું તો મહિલાઓને સહજ હોય છે. મેળવણ એટલે આમ તો ખાટી છાશ પણ જો તે ઘરમાં ન હોય તો રાત્રે 11 વાગ્યે કોઈની પાસે માગવા ન જવાય. રાત્રે 11 વાગ્યે કોઈની પાસે રૂપિયા ઊછીના માંગી શકાય પણ મેળવણ નહીં. તેમાં વળી એવી લોકવાયકા છે કે દિવસ આથમ્યા પછી કોઈને ઘેર મેળવણ માગવા ન જવાય, છતાં જો આપે તો આપનારને ઘેર દરિદ્રતા આવે. કેટલીક સ્ત્રીઓ પોતાના ઘરમાં મેળવણ રાખતી હોય છે, જ્યારે કેટલીક દિવસ આથમે તે પહેલાં મેળવણની જોગવાઈ કરી લે છે કારણ કે જો મેળવણ રાખવામાં ન આવે તો બીજે દિવસે ઘરમાં ઠંડી છાશ ન મળે અને આવી ગરમીમાં ઠંડી છાશ ન મળવાથી પતિ ગરમ થઈ જાય છે અને સાંજ સુધીમાં તેના વાણી – વર્તનમાં ખટાશ આવી જાય છે. આ ખટાશ આખા ઘરમાં એસીડીટી ફેલાવે છે.

 ગેસના બાટલાનો વાલ્વ તો મહિલાઓ યાદ રાખીને બંધ કરી દે છે પણ ઘરમાં સૂતી વખતે કેટલીક લાઈટો બંધ કરવાની હોય છે જે કાર્ય ઘરના બધા સભ્યો મોટાભાગે ભૂલી જતા હોય છે. તે કામ મહિલાઓ કરે છે. લાઈટ બંધ કરવાનું કાર્ય કરતા પહેલાં તે બુલંદ સ્વરે જાહેર નિવેદન પણ કરે છે કે ‘સૂતા પહેલાં ઘરની લાઈટો બંધ કરવાનું કોઈને કેમ યાદ નથી આવતું?’ જાહેર જનતા જોગ આ નિવેદન કાયમી થતું હોવા છતાં કાયમી ધોરણે ઘરના સભ્યોમાં ખાસ ફરક પડતો નથી. તેઓ આવા નિવેદનથી સરસ રીતે ટેવાઈ ગયા હોય છે અને મહિલાઓ તેમના સ્વભાવથી ટેવાઈ જાય છે. તેમ છતાં આવી ટકોર કર્યા વિના રહી શકતી નથી. ઘરના ચકોર સભ્યો વગર કહ્યે સમજી જતા હોય છે કે આ ટકોર કોના માટે છે પણ સમજ્યા પછી એ સમજણનું કાર્યમાં રૂપાંતર થતું નથી એટલે મહિલાઓ કાયમી ધોરણે ટકોર રૂપી ટકોરા માર્યા કરે છે.

 દિવસે અગાસીમાં સૂકવેલાં કપડાં છેલ્લામાં છેલ્લા રાત્રે સૂતી વખતે લઈ લેવા પડે છે. જે કપડાંને પુરુષો આખો દિવસ દેખતા હોય છે પણ તે કાર્ય તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી તેથી તેને તે યાદ આવતું નથી. સદગુણી મહિલાઓ આ મુદ્દે પુરુષોને ટકોર પણ નથી કરતી કારણ કે તેમને ખબર હોય છે કે વસ્ત્ર વિભાગ વનિતાઓએ જ સંભાળવાનો હોય છે. પુરુષોને તો ઓફિસે જતી વખતે પહેરવાના સમયે કપડાં યાદ આવે પણ તે કપડાં ક્યાં મૂક્યા છે તે તેને યાદ હોતું નથી. આમ, આવી સામાન્ય ઘરેલુ બાબતો પુરુષોને યાદ રહેતી નથી પરંતુ કેટલીક વાર ‘બિનઘરેલુ અસામાન્ય બાબતો’ તેને કાયમી ધોરણે યાદ રહે છે. હા, કેટલીક વાર યાદ હોવા છતાં યાદ ન રહેતું હોવાની ફરિયાદ પુરુષો કરતા હોય છે. તેમાંથી કેટલી ફરિયાદ સાચી અને કેટલી ખોટી છે તે અનુભવી મહિલાઓ જાણી જતી હોય છે પણ તે મુદ્દે તેઓ સામી ફરિયાદ કરતી નથી પણ વખત આવ્યે સીધા પુરાવા જ રજૂ કરે છે.

 સૂતા પહેલાં બા – બાપુજીને પાણીની બોટલ અને તેમની દવાઓ આપવાની હોય છે પરંતુ ઘણી વાર દીકરો તે આપવાનું ભૂલી જાય છે. અલબત્ત વહુને તે રાત્રે યાદ જ હોય છે, જે પતિને સવારે યાદ કરાવે છે કે ‘રાત્રે તમે બાપુજીને દવા આપવાનું ભૂલી ગયા હતા.’ વળી વહુ કહે કે જુઓ બાપુજી હું તમારી કેટલીક કાળજી રાખું છું. જો ડૉક્ટરે કહ્યું હોય કે દરરોજ રાત્રે સૂતા પહેલાં ભૂલ્યા વગર બાને આ દવા આપી દેજો નહીં તો તેનું પરિણામ અણધાર્યું આવશે.

સવારે દવા આપશો તો બા પીશે નહીં. તેથી ઘણી વાર વહુ ડૉક્ટરના નિવેદનને અને દવાને બંનેને ચકાસવા માટે ક્યારેક આ કાર્ય ભૂલી જાય છે. જો કે આજે સાંજે આ કાર્ય ભૂલી જવાનું છે તે તેણે આખો દિવસ યાદ રાખ્યું હોય છે. તેમ છતાં સવારે બા હયાત હોય તો વહુ ડૉક્ટર અને દવા બંને વિશે ફરિયાદ કરે છે અને કહે છે કે આ ડૉક્ટર બદલી નાખવો જોઈએ! આમ સૂતા પહેલાં કરવાનાં કેટલાંક કાર્યોની આવી સાઇડ ઇફેક્ટ પણ થાય છે. હા, અમુક પુરુષોને સૂતા પહેલાં ‘અમુક કાર્યો’નું ચોક્કસ સ્મરણ થાય છે પણ તે કાર્ય ઘરમાં થઈ શકતું નથી કારણ કે તે પત્નીની ગેરહાજરીમાં જ શક્ય બને છે. પત્નીની પાવન ઉપસ્થિતિમાં તો તેના સ્મરણથી જ એના કેફનો આનંદ માણવો પડે છે.

  • ગરમાગરમ
  • છોકરીવાળા :- ખેતીની જમીન કેટલી છે?
  • છોકરાવાળા :- 5 વીંઘા, એ પણ પાણીવાળી!
  • છોકરીવાળા :- એટલી ન ચાલે, ઓછામાં ઓછી 25 વીંઘા તો જોઈએ જ!
  • છોકરાવાળા :- કેમ, ભાગિયું રાખવું છે?

Most Popular

To Top