નાટક ભજવનારાઓએ નાટ્યતત્ત્વ શું છે, કોઇ નાટક દેશ યા દુનિયામાં વારંવાર ભજવાયું હોય તો કેમ ભજવાયું, તેનું અધ્યયન કરતા રહેવું જોઇએ. એવું થતું નથી કારણ કે એ પ્રકારની તત્પરતા અને વલણ જ નથી. ગયા રવિવારની સવારે વહેતી તાપીની સાખે, નાવડી ઓવારા પાસેના એક અર્ધવર્તુળાકાર સ્થળ પર સેમ્યુઅલ બેકેટના ‘વેઇટિંગ ફોર ગોદો’ નાટકની ચર્ચા ‘ગોષ્ઠિ’ના 20-22 મિત્રોએ કરી તેના સહભાગી થયા. 13 એપ્રિલ 1906માં આયરલેન્ડમાં જન્મેલા બેકેટ તેમના 1952માં પ્રથમ વાર પ્રકાશિત થયેલા નાટકથી વિશ્વવિખ્યાત થયા. જો કે ત્યાર પછી ‘એન્ડગેમ’, ‘હેપી ડેઝ’, ‘પ્લે’, ‘ક્રેપ્સ લાસ્ટ ટેપ’, ‘નોટ આઇ’ નામના ડ્રામેટિક મોનોલોગ, ‘કાર-કાન્ડો’ નામના રેડિયો નાટક, ‘બ્રેથ’, ‘કેટાસ્ટ્રોપે’ (લઘુ નાટકો), ‘કમ એન્ડ ગો’ (લઘુ નાટક), ‘કવોડ’ (ટેલિવિઝન નાટક) વગેરે વડે આ સ્વરૂપમાં સતત વિશ્વભરના નાટ્ય – રસિકોના કુતૂહલને સંતોષતા રહ્યા. પણ બીજા વિશ્વયુદ્ધ પછીના ક્ષુબ્ધ, વેરવિખેર, પોતાની જાતમાં ઉચ્છેદ અનુભવતા લોકો વચ્ચે ‘વેઇટિંગ ફોર ગોદો’ એક એવું નાટક બની ગયું જે મનુષ્યમનની કોઇ અજ્ઞાત તત્ત્વની સતત પ્રતીક્ષાનું રૂપક બની ગયું. મનુષ્ય જન્મ્યો ત્યારનો એવી પ્રતીક્ષા કરે છે કે તેના જીવનને આધાર આપતું, સાર્થક બનાવતું કોઇ છે. એ અજ્ઞાતની પ્રતીક્ષામાં કેટલી કથાઓ રચાઇ પણ પ્રતીક્ષા જ શાશ્વત બની ગઇ.
‘ગોષ્ઠિ’માં નાટ્ય દિગ્દર્શક – અભિનેતા કપિલદેવ શુકલે આ નાટકના માળખાને અને ‘એબ્સર્ડ’ વિભાવના શું છે તેની સ્પષ્ટતા કરી આપી. ‘વેઇટિંગ ફોર ગોદો’ ના પાત્રો જગતને એક સમજણ સુધી લઇ ગયા અને ત્યારે એબ્સર્ડ જેવું કશું ન રહ્યું. નાટક એક સર્જનાત્મક સાહિત્ય સ્વરૂપ છે એટલે તેની ભાષાની સંકેત યોજના સર્જક પોતાની જરૂરિયાતે પ્રયોજે છે. બેકેટે ‘વેઇટિંગ ફોર ગોદો’માં ફિલોસોફિકલ સંકેત રચેલા હોવાથી એસ્ટ્રેગોન, વ્લાડિમીર, પોત્ઝો-લકીના વાણી-વર્તન ન સમજાય પણ તેના માળખાનું પાર્શ્વભૂ જો પકડી શકાય તો આ પાત્રોમાં રહેલી પ્રતીક્ષાનું અને તે દરમ્યાનનું રહસ્ય સમજાય એવું છે. કપિલદેવ શુકલ પછી સોનલ વૈદ્ય જેવા દિગ્દર્શક – અભિનેત્રીએ દાદાઇઝમ શું છે તે પણ ગોષ્ઠિભાવે કહ્યું અને એબ્સર્ડ સંજ્ઞાને નાટકમાં સ્થાપી આપનાર યુજિન આયોનેસ્કો જેવાને પણ યાદ કર્યા.
‘ગોષ્ઠિ’માં કોઇ વ્યાખ્યાન નથી કરતું બલ્કે વાત કરતા હોય એ રીતે જ ચર્ચા કરે છે એટલે તેમાં ભાવક – ચર્ચક ભેદ નથી રહેતા. શરદ કાપડિયા કે જે સંસ્કૃત ભાષાની કૃતિઓના અભ્યાસી છે તેમણે ગોદો અને અજ્ઞાતતત્ત્વની વાત કરી અને હરીન્દ્ર દવેની ‘માધવ કયાંય નથી’ નવલકથા પણ યાદ કરી. તેમણે કહ્યું કે આ નાટક જીવનની દિશા બતાવતું નથી. માનસશાસ્ત્ર મુજબ Cognition, affection, Conation માં જેવી દૃષ્ટિથી આપણું ઘડતર થયું હોય તેવો અર્થ કાઢવાનો મનુષ્ય સ્વભાવ છે.
આ ચર્ચામાં દર્શકભાઇ, શીલાબેન જોષી વગેરેએ પણ ભાગ લીધો. બકુલ ટેલરે બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમના દેશના મનુષ્યોએ ઇશ્વર ન હોવાની અનુભૂતિ કરી તેમાંથી ગોદોનું વેઇટિંગ નાટકના કેન્દ્રમાં આવ્યાનું નોંધ્યું ને સાથે કહ્યું નાટકના દરેક પાત્રો એકલા છે ને સ્વગતોકિત જ કરે છે, તેમાં અનુભવાતો સંવાદ તો સાંયોગિક છે. કોઇના આવવાની પ્રતીક્ષા દરમ્યાન સમય પસાર કરવાની રીતો બધા પોતપોતાની રીતે શોધી લે છે.
‘ગોષ્ઠિ’ના સમાપનમાં સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક નવો જ પરિપ્રેક્ષ્ય રચી આપ્યો. તેઓ ઉત્તમ સાહિત્ય, ગઝલના અધ્યયનશીલ અભ્યાસી છે. ફૈઝ અહમદ ફૈઝની, ‘ફીર કોઇ આયા દિલેજા કોઇ નહીં’ ગઝલને ‘વેઇટિંગ ફોર ગોદો’ની પ્રતીક્ષાની અનુભૂતિ સાથે જોડી આપી. તેમણે કહ્યું કે વેઇટિંગનો મૂળ ભાવ યુરોપિયન જ્ઞાનમાં છે પણ આપણે ‘રામાયણ’, ‘મહાભારત’ની સંસ્કૃતિમાં જીવીએ છીએ. પશ્ચિમી દેશો દરેક ચીજને તોડતાં તોડતાં, સતત પૃથક્કરણ વડે સમજયા છે. આમ કરીને આખી આધુનિક સંસ્કૃતિ રચી છે પણ તોડતાં તોડતાં આખર શૂન્ય પાસે પહોંચી જવાય છે જયાં કશું નથી. પણ ભારતમાં ‘અહં બ્રહ્માસ્મી’નો ખ્યાલ છે. સત-ચિત્ત- આનંદની શોધ છે. પશ્ચિમના વિચારની વ્યવસ્થા તેમાં થાપ ખાય જાય છે પણ ભારતમાં એવું નથી એટલે ભારતમાં ‘વેઇટિંગ ફોર ગોદો’ નથી લખાયું. પશ્ચિમના જીવનમાં ખાલીપણું છે પણ આપણે ત્યાં નથી.
રોહિત મારફતિયા ‘ગોષ્ઠિ’ના જ્ઞાન – કુતૂહલસભર સંયોજક છે એટલે માત્ર સાહિત્ય યા નાટક નહીં અન્ય ક્ષેત્રના વ્યકિતઓને પણ શામિલ કરે છે. આ કારણે જ ‘વેઇટિંગ ફોર ગોદો’ જેવા નાટકની ચર્ચા બધાની બની. તેમણે ‘ગોષ્ઠિ’ માટેનું સ્થળ પણ મુકત અવકાશવાળું શોધ્યું હતું. એવું થાય કે આવી સ્થળશોધ શહેરના બીજાઓને પણ હોવી જોઇએ તો નવા નવા સ્થળો તરફ સહુનું ધ્યાન જાય. સુરત પાસે તાપી નદી અને તેના તટ છે તો ત્યાં મોર્નિંગ વોક કે સ્વજન વિદાય પછીની ધાર્મિક વિધિ માટે જ નહીં, આ રીતે સાહિત્ય-કળાની ચર્ચા માટે પણ ભેગા થઇ શકાય. શહેરને અજયકુમાર તોમર જેવા સાહિત્ય અને કળા તત્ત્વને પામવાની નિજાનંદી પ્રકૃતિ કરનાર પોલીસ કમિશનર મળ્યા છે તેનો પણ આવી ‘ગોષ્ઠિ’માં જુદો પરિચય થવો પ્રસન્નકર છે.
-બકુલ ટેલર